મુખ્ય સમાચાર
News of Wednesday, 8th January 2020

ઇન્ડિયન અમેરિકન કોંગ્રેસ વુમન સુશ્રી પ્રમીલા જયપાલના સહયોગ સાથે ઈરાની મહિલાની પ્રેસ કોન્ફરન્સ : બન્ને દેશો વચ્ચેના તણાવનો ભોગ ઈરાની નાગરિક બની રહ્યા હોવાની વ્યથા

વોશિંગટન : અમેરિકા અને ઈરાન વચ્ચેના તંગ સબંધોનો ભોગ બની રહેલા ઈરાની નાગરિકોની વ્યથા વર્ણવતી પ્રેસ કોન્ફરન્સ તાજેતરમાં ઇન્ડિયન અમેરિકન ડેમોક્રેટ કોંગ્રેસ વુમન સુશ્રી પ્રમીલા જયપાલના સહયોગ સાથે યોજાઈ હતી.જેમાં  અમેરિકામાં રહેતી ઈરાનની મહિલા નેગા હેકમતીએ જણાવ્યું હતું કે, વોશિંગ્ટન સ્ટેટમાં પ્રવેશ પહેલા અધિકારીઓએ તેમની ઓફિસ લઈ જઈને લગભગ પાંચ કલાક સુધી પુછપરછ કરી હતી. આટલું જ નહીં તેમણે ઈરાન અને ઈરાકની પરિસ્થિતિ અંગે પણ પોતાના વિચારો રજુ કરવા માટે કહ્યું હતું.
તેમણે જણાવ્યું કે, ‘અમેરિકા-કેનેડા બોર્ડર પાર કરતી વખતે કસ્ટમ અધિકારી ઈરાનીઓને નિશાન બનાવી રહ્યા છે. અમારી પાસે અંગત માહિતી માંગવામાં આવી રહી છે. ફેસબુક એકાઉન્ટની ડિટેલ્સ, માતા-પિતાનું નામ, તેમની જન્મતારીખ પુછવામાં આવી રહી છે. આ દરમિયાન મારા બાળકો ગભરાઈ ગયા હતા. એ લોકો સૂઈ નથી શકતા, કારણ કે તેમને ડર લાગતો હતો કે અમને જેલમાં મોકલી દેવાશે, હું પણ ગભરાઈ ગઈ હતી. એ યોગ્ય નથી. મારા બાળકોને આવી વાતોનો અનુભવ ન કરાવવો જોઈએ. એ લોકો અમેરિકન નાગરિક છે’
હેકમતીના પતિ માઈક્રોસોફ્ટમાં સોફ્ટવેર એન્જિનીયર છે. તેમને પુછવામાં આવ્યું કે ક્યારે તેમના પતિએ ઈરાની સેનામાં કામ કર્યું છે કે નહીં, હેકમતીને અમેરિકામાં આવતી વખતે પકડવામાં આવ્યા હતા. ઈમિગ્રેશન નિષ્ણાતોના જણાવ્યા પ્રમાણે, આ તણાવનો ભોગ ઈરાની નાગરિકો બની રહ્યાં છે, જે અમેરિકામાં આવવા માંગે છે.
વોશિંગ્ટન -સ્ટેટ ઓફ ધ કાઉન્સિલ ઓન ધ અમેરિકન ઈસ્લામિક રિલેશન્સના કાર્યકારી અધ્યક્ષ માશિહ ફૌલાદીએ કહ્યું કે, લોકો 8થી 11 કલાક સુધી રાહ જોઈ રહ્યા છે. અમેરિકા-કેનેડા બોર્ડર પર સરહદ પાર કરનારા તમામ ઈરાનીઓ પાસે તેમના પરિવારના નામ લખાવવામાં આવ્યા, ઈમેલ આપવા માટે કહેવામાં આવ્યું, સોશયલ મીડિયાની માહિતી લેવામાં આવી.

(11:50 am IST)