મુખ્ય સમાચાર
News of Wednesday, 8th January 2020

નેશનલ હાઇવે પરથી દુર કરાશે સ્પીડ બ્રેકરો

સ્પીડ બ્રેકર હટાવવાનું કામ નેશનલ હાઇવે ઓથોરીટી કરશે

નવી દિલ્હી તા. ૮ :.. આગામી દિવસોમાં આપણને સ્પીડ બ્રેકર વગરના નેશનલ હાઇવે જોવા મળી શકે છે. હાઇવે પર અડચણ વગરની અવર-જવર માટે આ નિર્ણય લેવાયો છે. આ અભિયનમાં ટોલ પ્લાઝાઓ પર ખાસ ધ્યાન અપાઇ રહયું છે.

ફાસ્ટેગની સુવિધા લાગુ થઇ ગયા પછી અવર જવરની મોટી બાધાથી અમુક હદ સુધી છૂટકારો મળી મેળવી શકાયો છે. ઇલેકટ્રોનિક રીતે ટોલ એકઠો કરવા ગયા મહિનાની ૧પ તારીખથી ફાસ્ટેગની સુવિધા લાગુ કરાઇ હતી. કેન્દ્રીય રોડ પરિવહન મંત્રાલયે જણાવ્યું કે ગતિ અને પરિસ્થિતિઓને ધ્યાનમાં રાખીને રોડનું વર્ગીકરણ કરવામાં આવ્યું છે, જેના કોઇ અડચણ વગર સુરક્ષિત ડ્રાઇવીંગ કરી શકાય છે. જો કે કેટલાક સ્થળોએ જોખમના કારણે ગતિ નિયંત્રણ જરૂરી હોય છે. સ્પીડ બ્રેકર દુર કરતી વખતે આ બાબતનું ધ્યાન રાખવામાં આવશે. સ્પીડ બ્રેકર હટાવવાનું કામ નેશનલ હાઇવે ઓથોરીટી ઓફ ઇન્ડીયા દ્વારા કરવામાં આવી રહયું છે.

મંત્રાલયે જણાવ્યું કે હાઇવે પર સ્પીડ બ્રેકર હોવાથી મુસાફરોને ઘણા પ્રકારની મુશ્કેલીઓ વેઠવી પડે છે. તેનાથી સમય તો બગડે જ છે ઉપરાંત વાહનોને નુકશાન પણ થાય છે. આ ઉપરાંત વારંવાર ઝડપ ઘટાડવા - વધારવાથી ઇંધણથી ખપત પણ વધી જાય છે. સ્પીડ બ્રેકરો દુર થવાથી વાહનોને એક સરખી ઝડપે ચલાવી શકાશે, જેનાથી પ્રવાસ લાગતો સમય અને ખર્ચ બન્ને ઘટશે. સરકારની આ કસરત એમ્બ્યુલન્સ જેવી સેવાઓ માટે ફાયદાકારક સાબિત થશે.

નેશનલ હાઇવે પરથી સ્પીડ બ્રેકર હટાવવાના નિર્ણયથી લાંબા ગાળે ઘણા સારા પરિણામો મળવાની આશા છે. પેટ્રોલીયમની આયાત દેશ ઉપર સૌથી મોટો બોજ છે. ભારત પોતાની જરૂરીયાતનું મોટાભાગનું ઇંધણ આયાત કરે છે. તેના લીધે વિદેશી મુદ્રાનો ખર્ચ વધી જાય છે. ઇંધણની ખપત ઘટવાથી વિદેશી મુદ્રાતો બચશે જ સાથે સાથે પ્રદુષણમાં પણ ઘટાડો થશે.

(11:43 am IST)