મુખ્ય સમાચાર
News of Wednesday, 8th January 2020

ઓસ્ટ્રેલિયામાં ૧૦,૦૦૦ જંગલી ઊંટોને મારવાનો આદેશ

પાણીની તંગીએ આ ઊંટો વસાહતોમાં ઘૂસી આવે છેઃ એક વર્ષમાં એક ટન કાર્બન ડાયોકસાઇડના બરાબર મિથેન વાયુનું ઉત્સર્જન કરે છે

કેનબેરા, તા.૮: દક્ષિણ ઓસ્ટ્રેલિયામાં પાણીની અછતને કારણે ૧૦ હજાર જંગલી ઊંટોને મારી નાખવાના આદેશ આપવામાં આવ્યા છે. દક્ષિણ ઓસ્ટ્રેલિયાના Anangu Pitjantjatjara Yankunytjatjara lands એટલે કે APYના અબોર્જિનલ નેતાએ બુધવારે આ આદેશ જારી કર્યા હતા. તેમના આદેશ મુજબ દક્ષિણ ઓસ્ટ્રેલિયામાં હેલિકોપ્ટરની મદદથી કેટલાક પ્રોફેશનલ શૂટર ૧૦,૦૦૦થી વધારે જંગલી ઊંટોને મોતને દ્યાટ ઉતારી દેશે.

મીડિયા રિપોર્ટ મુજબ દક્ષિણ ઓસ્ટ્રેલિયાના લોકો સતત ફરિયાદ કરી રહ્યા હતા કે જાનવરો પાણીની શોધમાં તેમના ઘરોમાં ઘૂસી આવે છે, જે પછી ત્યાંના આદિવાસી નેતાઓએ ૧૦ હજાર ઊંટોને મારી નાંખવાનો નિર્ણય લીધો હતો. નેતાઓેને એ મામલે પણ ચિંતા હતી કે આ જંગલી જાનવરો ગ્લોબલ વોર્મિંગને પણ વધારી રહ્યા છે કારણ કે તેઓ એક વર્ષમાં એક ટન કાર્બન ડાયોકસાઇડના બરાબર મિથેન વાયુનું ઉત્સર્જન કરે છે. જે રોડ પર ચાલતી ચાર લાખ કારો દ્વારા ફેંકવામાં આવતા ધૂમાડાની બરાબર છે.

બીજી તરફ રાષ્ટ્રીય કીટ ઊંટ પ્રબંધન યોજનાએ દાવો કર્યો છે કે, જંગલી ઊંટોની સંખ્યા દર નવ વર્ષે બેગણી થઇ જાય છે. તેમજ ઊંટો પાણી પણ વધારે પીવે છે જે કારણે આટલા મોટા પ્રમાણમાં તેમને મારી નાંખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

(10:55 am IST)