મુખ્ય સમાચાર
News of Wednesday, 8th January 2020

BOM ને પગલે સહકારી બેંકના CEO-જનરલ મેનેજર ઉપર લટકતી તલવારઃ ઘેરા પડઘા

ડિરેકટર્સની સત્તા પર કાપ સાથે મેનેજરની લાયકાતના માપદંડ બનાવાયાઃ ઘણી બેંકના જનરલ મેનેજર-CEOને સ્ટેપ ડાઉન કરવું પડે તેવી સ્થિતિ

મુંબઇ, તા.૮: આરબીઆઇ દ્વારા સહકારી બેંકોના બોર્ડ ઓફ ડિરેકટર્સની ઉપર બોર્ડ ઓફ મેનેજમેન્ટની રચના કરવાની જોગવાઇ કરી છે. આ સાથે જ બેંકના જનરલ મેનેજર/ સીઇઓ સંબધિત પણ મહત્ત્વની જોગવાઇ કરી છે. બેંકના મેનેજર- સીઇઓ માટે લાયકાતના માપદંડ જાહેર કર્યા છે. જેને લઇને વર્તમાન સમયે બેંકના મેનેજર તરીકે ફરજ બજાવતા દ્યણાં કર્મચારીઓ પર પણ ગાજ પડી શકે છે.

તાજેતરમાં વિતેલા વર્ષ ૨૦૧૯ના અંતિમ દિવસ એટલે કે ૩૧ ડિસેમ્બર ૨૦૧૯ના રોજ આરબીઆઇએ અર્બન કો-ઓપ બેંકિંગને લગતા સુધારા જાહેર કર્યા છે. જેમાં રૂપિયા ૧૦૦ કરોડ કે તેથી વધુની ડિપોઝિટ ધરાવતી અર્બન કો-ઓપ બેંકસ માટે બોર્ડ ઓફ મેનેજમેન્ટરની રચના કરવાનુ ફરજિયાત બનાવાયું છે. જે કામગીરી એક વર્ષના અરસામાં કરવાની રહે છે. બોર્ડ ઓફ મેનેજમેન્ટમાં જનરલ મેનેજર- સીઇઓને નોનવોટિંગ મેમ્બર તરીકે રહેશે. આ ઉપરાંત જનરલ મેનેજર- સીઇઓ માટે કેટલીક લાયકાતના માપદંડ જાહેર કરાયા છે. જે માટે ફીટ એન્ડ પ્રોપર ક્રાઇટેરિયા શબ્દ પ્રયોગ કરાયો છે. સ્નાતક, સીએઆઇઆઇબી, સીએ, પોસ્ટ ગ્રેજયુએશન સહિતની વિવિધ લાયકાતો સૂચવાઇ છે. ઉપરાંત લદ્યુતમ ૩૫ વર્ષ અને મહત્ત્।મ ૭૦ વર્ષની વયમર્યાદા દર્શાવાઇ છે. જયારે આઠ વર્ષનો ઉચ્ચ કામગીરી તથા મીડલ લેવલ્સની કામગીરીના અનુભવની પણ આવશ્યકતા દર્શાવાઇ છે. સૌથી મહત્ત્વની બાબત એ છે કે, મેનેજર- સીઇઓની નિમણૂક અંગે આરબીઆઇને જાણ કરી મંજૂરી લેવાની છે.

આ પ્રકારના સુધારાને લઇને આગામી દિવસોમાં અર્બન કો-ઓપ બેંકમાં મોટાપાયે ફેરફારની સ્થિતિ બનશે. અર્બન બેંકિંગમાં ભૂકંપ સર્જનારા આ પરિપત્રને લઇ ભવિષ્યમાં દ્યણાં ઉચ્ચ અધિકારીઓ- જનરલ મેનેજર- સીઇઓને સ્ટેપ ડાઉન કરવાની અને તેમના સ્થાને નવી એપોઇન્ટમેન્ટ કરવાના સંજોગો બની શકે છે. હાલમાં તો, અર્બન બેંકર્સ દ્વારા બોર્ડ ઓફ મેનજમેન્ટની રચના સહિતના નિયમોના અમલીકરણ અંગે માર્ગદર્શન મેળવવામાં આવી રહ્યું છે.

(10:54 am IST)