મુખ્ય સમાચાર
News of Wednesday, 8th January 2020

પેટ્રોલ-ડિઝલના ભાવમાં સતત વધારો : છેલ્લા બે માસમાં પેટ્રોલ લિટરે ૩.૨૮ અને ડિઝલ ૩.૨૨ મોંઘુ

ભારતમાં પેટ્રોલ-ડિઝલના ભાવ ૧૩ મહિનાની ઉંચાઈએ પહોંચ્યા

નવી દિલ્હી : ઈરાન-અમેરિકા વચ્ચે યુદ્ધના માહોલ વચ્ચે  પેટ્રોલ-ડિઝલ માં સતત વધારો થઇ રહયો છે ત્યારે  આજે પેટ્રોલમાં ૧૯ પૈસા તથા ડિઝલમાં ૨૯ પૈસાનો વધારો થયો હતો. રસપ્રદ વાત એ છે કે બન્ને ઈંધણ ચીજોના ભાવ લગભગ એકસરખા થઈ ગયા છે.

ભારતમાં પેટ્રોલ-ડિઝલના ભાવ ૧૩ મહિનાની ઉંચાઈએ છે જ અને તેમાં સતત વધારો થઈ રહ્યો છે. વૈશ્ર્‌વિક ભાવવધારાની અસરે ઘરઆંગણે ભાવ ઉંચકાતા જાય છે. છેલ્લા બે મહિનામાં પેટ્રોલમાં રૂ.૩.૨૮ તથા ડિઝલમાં રૂ.૩.૨૨નો ભાવવધારો થયો છે. જયારે છેલ્લા પાંચ દિવસમાં પેટ્રોલ ૫૩ પૈસા તથા ડિઝલ ૭૨ પૈસા મોંઘુ બન્યુ છે.

સૂત્રોએ કહ્યું કે ઘરઆંગણે ભાવ નકકી કરવામાં પેટ્રોલીયમ કંપનીઓ છેલ્લા એક પખવાડીયાના સરેરાશ ભાવને લક્ષ્‍યમાં લેતી હોય છે. છેલ્લા ચાર- પાંચ દિવસમાં વૈશ્ર્‌વિક ભાવ ઘણા વધી ગયા છે તેને ધ્યાને લેતા આવતા દિવસોમાં વધુ ભાવવધારાનો ઈન્કાર થતો નથી.રાજકોટમાં પેટ્રોલના ભાવમાં આજે ૧૯ પૈસાનો વધારો થવા સાથે તેના પ્રતિલીટર રૂ.૭૨.૮૩ હતા. ડિઝલ ૨૯ પૈસા વધીને ૭૧.૮૦ થયુ હતું. બન્ને ઈંધણનો ભાવ વચ્ચેનું અંતર સતત ઘટી રહ્યું છે. આવતા દિવસોમાં લગોલગ થઈ જવાનો ઈન્કાર થતો નથી.

(1:05 am IST)