મુખ્ય સમાચાર
News of Wednesday, 8th January 2020

મુંબઈમાં 'ફ્રી કાશ્મીર'નું પોસ્ટર દેખાડનાર યુવતી મહક મિર્ઝા પ્રભુ પર કેસ : ઉમર ખાલિદ સામે પણ ફરિયાદ

યુવતીએ બચાવ કરતા કહ્યું ફ્રી કાશ્મીરથી તેનો મતલબ ઘાટીમાં લગાવેલા પ્રતિબંધો હટાવવાનો હતો

મુંબઈ : જવાહર લાલ યુનિવર્સિટીમાં થયેલી હિંસા વિરુદ્ધ મુંબઈમાં પ્રદર્શન દરમિયાન 'ફ્રી કાશ્મીર'નું પોસ્ટર દેખાડનાર યુવતી વિરુદ્ધ કેસ દાખલ કરી દેવાયો છે યુવતીની ઓળખ મહક મિર્ઝા પ્રભુ તરીકે થઈ છે, જે એક લેખક છે. આ મુદ્દા પર રાજનીતિ ગરમાઇ ગઈ છે.યુવતીએ બચાવ કરતા કહ્યું કે  ફ્રી કાશ્મીરથી તેનો મતલબ ઘાટીમાં લગાવેલા પ્રતિબંધો હટાવવાનો હતો. ગેટવે ઓફ ઈન્ડિયા પર થયેલા પ્રદર્શનોમાં સામેલ જેએનયૂનો પૂર્વ વિદ્યાર્થી અને એક્ટિવિસ્ટ ઉમર ખાલિદ વિરુદ્ધ પણ બે કેસ દાખલ કરવામાં આવ્યા છે.

            મુંબઈના કોલાબા પોલીસ સ્ટેશનમાં મહક મિર્ઝા પ્રભુ વિરુદ્ધ ફરિયાદ નોંધવામાં આવી છે. મહકે એક વીડિયો મેસેજ દ્વારા સ્પષ્ટતા કરી છે. તેણે જણાવ્યું કે, ગેટવે ઓફ ઈન્ડિયા પર પહોંચ્યા બાદ ત્યાં પડેલા પ્લેકાર્ડને તેણે ઉઠાવ્યું હતું, પરંતુ ફ્રી કાશ્મીરની પાછળ તેનો ઇરાદો ઘાટીમાં ઈન્ટરનેટ પર લાગેલો પ્રતિબંધ હટાવવો હતો. મુંબઈ પોલીસના ડીસીપીએ જણાવ્યું કે, ઉમર ખાલિદ વિરુદ્ધ એક કેસ હુતાત્મા ચોક થઈ ગેટવે ઓફ ઈન્ડિયા સુધી પ્રદર્શન કાઢવા અને બીજી એફઆઈઆર ગેટવે ઓફ ઈન્ડિયા પર ગેરકાયદેસર રીતે સભા કરવાના આરોપમાં નોંધવામાં આવી છે.

            જેએનયૂ હિંસાના વિરુદ્ધમાં મુંબઈના ગેટવે ઓફ ઈન્ડિયા પર વિદ્યાર્થીઓ તરફથી ચાલી રહેલા આંદોલન વચ્ચે એક યુવતીના હાથમાં 'ફ્રી કાશ્મીર'ના પોસ્ટરથી સોશિયલ મીડિયા પર રાજકીય બબાલ થઈ હતી. આ પોસ્ટરની ન માત્ર ભાજપ પરંતુ કોંગ્રેસના નેતાઓએ પણ ટીકા કરી હતી. મહારાષ્ટ્રના પૂર્વ સીએમ દેવેન્દ્ર ફડણવીસે ઉદ્ઘવ સરકારને આડે હાથ લેતા પૂછ્યું કે શું તેમને ફ્રી કાશ્મીર ભારત વિરોધી અભિયાન મંજૂર છે?

(10:24 pm IST)