મુખ્ય સમાચાર
News of Monday, 7th December 2020

અભેરાઇએ ચડાવી દેવાયેલ ઉપભોકતા ખર્ચ સર્વે કરાશે જાહેર

મુખ્ય આર્થિક સલાહકારે પત્ર લખી કરી માંગ

નવી દિલ્હી તા. ૭: મુખ્ય આર્થિક સલાહકાર કૃષ્ણમૂર્તિ સુબ્રમણ્યમે નેશનલ સ્ટેટેટીકસ ઓફીસને પત્ર લખીને ર૦૧૭-૧૮ના ઉપભોકતા ખર્ચ સર્વેક્ષણના આંકડાઓ જાહેર કરવાનો અનુરોધ કર્યો છે. આ રિપોર્ટને એનડીએ સરકારે અભેરાઇએ ચડાવી દીધો હતો. સીનીયર અધિકારીઓ અનુસાર મુખ્ય આર્થિક સલાહકારે નેશનલ સ્ટેટેટીકસ ઓફીસના ચેરમેન આંકડાઓ માંગ્યા છે. જેનો ઉપયોગ તે ર૦ર૦-ર૧ની આર્થિક સમિક્ષામાં કરવા માંગે છે. આર્થિક સમિક્ષા આવતા વર્ષે સંસદના બજેટ સત્રમાં રજુ કરવામાં આવશે.

આ બાબતે માહિતગાર એક અધિકારીએ કહ્યું કે હજુ સુધી સરકારે ઉપભોકતા ખર્ચ સર્વેક્ષણ રિપોર્ટ બહાર પાડવા અંગે કોઇ નિર્ણય નથી લીધો નેશનલ સ્ટેટેટીડસ ઓફીસના ચેરમેનને મુખ્ય આર્થિક સલાહકારની ઓફિસ તરફથી આ રિપોર્ટને જાહેર કરવાનો પત્ર મળ્યો છે. સ્ટેટેટીકસ ઓફીસના સભ્યોને મુખ્ય આર્થિક સલાહકારની માંગણી બાબતે હાલમાંજ આયોજીત મીટીંગમાં સુચિત કરવામાં આવ્યા છે અને આ અંગે નિર્ણય લેવા કહેવાયું હતું પણ હજુ  સુધી આ બાબતે કોઇ નિર્ણય નથી લેવાયો.

સરકાર આ આંકડાઓનો ઉપયોગ દેશમાં ગરીબી અને અસમાનતાનો અંદાજ મેળવવા માટે કરે છે, તો જીડીપીના બેઝ યરમા ફેરફાર માટે પણ તેનો ઉપયોગ કરવામાં આવે છે. એવું પહેલી વાર થયું હતું કે સરકારે નેશનલ સ્ટેટેટીકસ ઓફીસ દ્વારા કરવામાં આવેલ આ સર્વેક્ષણને રદ કર્યું હતું. ર૦૧૭-૧૮ના સર્વેક્ષણને અભેરાઇએ ચડાવી દેાવાય પછી નેશનલ સ્ટેટેટીકસ ઓફીસે વર્ષ ર૦ર૦-ર૧ અને ર૦ર૧-રર માટે નવેસરથી સર્વેક્ષણ કરાવવાનો નિર્ણય કર્યો હતો. જો કે કોરોના મહામારીના આ કાળમાં તે પુરૂ નથી કરી શકાયું. તેના કારણે ર૦ર૧-રર માટે થનાર સર્વેક્ષણમાં પણ મોડું થઇ શકે છે આ બધાના કારણે દેશમાં ઘણાં સમયથી ગરીબી પર અંદાજીત કોઇ આંકડાઓ ઉપલબ્ધ નથી.

(1:00 pm IST)