મુખ્ય સમાચાર
News of Monday, 7th December 2020

પેટ્રોલ - ડિઝલના ભાવમાં ફરી વધારો

મુંબઇમાં પેટ્રોલ ૯૦ રૂપિયાથી પણ મોંઘુ

આજે પેટ્રોલના ભાવમાં ૩૦ પૈસા પ્રતિ લીટર અને ડીઝલના ભાવમાં ૨૬ પૈસા પ્રતિ લીટરનો વધારો ઝીંકાયો

નવી દિલ્હી તા. ૭ : લગ્નની સીઝનની વચ્ચે પેટ્રોલ અને ડીઝલના ભાવ માં વધારાનું વલણ અટકવાનું નામ નથી લઈ રહ્યું. આજે સતત છઠ્ઠા દિવસે પણ ઓઇલ કંપનીઓએ પેટ્રોલ અને ડીઝલના ભાવમાં વધારો કર્યો છે. સરકારી ઓઇલ કંપનીઓએ આજે પેટ્રોલના ભાવમાં ૩૦ પૈસા પ્રતિ લીટર અને ડીઝલના ભાવમાં ૨૬ પૈસા પ્રતિ લીટરનો વધારો કર્યો છે. રવિવારે જ પેટ્રોલિયમ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનએ કહ્યું હતું કે અમેરિકાની રાષ્ટ્રપ્રમુખ ચૂંટણીઓ અને કેટલાક બીજા દેશોની આંતરિક સમસ્યાઓના કારણે આંતરરાષ્ટ્રીય બજારમાં કાચા તેલનો ભાવ વધ્યો છે.

દિલ્હી- પેટ્રોલ ૮૩.૭૧ રૂપિયા અને ડીઝલ ૭૩.૮૩ રૂપિયા પ્રતિ લીટર છે. મુંબઈ- પેટ્રોલ ૯૦.૩૪ રૂપિયા અને ડીઝલ ૮૦.૫૧ રૂપિયા પ્રતિ લીટર છે. કોલકાતા- પેટ્રોલ ૮૫.૧૯ રૂપિયા અને ડીઝલ ૭૭.૪૪ રૂપિયા પ્રતિ લીટર છે. ચેન્નઈ- પેટ્રોલ ૮૬.૫૧ રૂપિયા અને ડીઝલ ૭૯.૨૧ રૂપિયા પ્રતિ લીટર છે.

વિદેશી કરન્સી દરોની સાથે આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડનો ભાવ શું છે, તેના આધારે રોજ પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ફેરફાર થાય છે. પેટ્રોલ અને ડીઝલના ભાવમાં એકસાઇઝ ડ્યૂટી, ડીલર કમીશન અને અન્ય ચીજો જોડ્યા બાદ આ ભાવ લગભગ બે ગણા થઈ જાય છે. નોંધનીય છે કે રોજ સવારે ૬ વાગ્યે પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ફેરફાર થાય છે. સવારે ૬ વાગ્યાથી જ નવા દર લાગુ થઈ જાય છે.

(9:45 am IST)