મુખ્ય સમાચાર
News of Saturday, 7th December 2019

અર્થતંત્રમાં નવા પ્રાણ ફૂંકવા અનેક પગલા લેવાઇ રહ્યા છે

જીડીપી વિકાસદરના ઘટતા આંકડા વચ્ચે નિવેદન : બેંકોએ છેલ્લા બે મહિનાના ગાળામાં જ પાંચ લાખ કરોડની લોન આપી : વપરાશને વધારવા કેટલાક તરીકા પર કામ

નવીદિલ્હી, તા. ૭ : દેશમાં જીડીપી વિકાસ દરના ઘટતા જતા આંકડાને લઇને વિપક્ષના હુમલાઓ વચ્ચે કેન્દ્રીયમંત્રી નિર્મલા સીતારામને આજે કહ્યું હતું કે, સરકાર અર્થવ્યવસ્થાને પ્રોત્સાહન આપવા માટે કેટલાક ઉપાય કરી રહી છે. ચાલુ નાણાંકીય વર્ષના બીજા ત્રિમાસિક ગાળામાં જીડીપી વિકાસદર સાડા છ વર્ષની નીચી સપાટી ઉપર પહોંચી ગઈ છે જ્યારે પ્રથમ ત્રિમાસિક ગાળામાં વિકાસ દર પાંચ ટકા રહ્યો છે. રાષ્ટ્રીય પાટનગરમાં એક કાર્યક્રમમાં નાણામંત્રીએ કહ્યું હતું કે, અર્થવ્યવથાને પ્રોત્સાહન આપવા માટે સરકારે ઓગસ્ટ તથા સપ્ટેમ્બર મહિનામાં અનેક પગલા લીધા છે. તેમણે કહ્યું હતું કે, વપરાશને પ્રોત્સાહન આપવા માટે પણ સરકારી બેંકોએ છેલ્લા બે મહિનાના ગાળામાં જ દેશભરમાં આશરે પાંચ લાખ કરોડ રૂપિયાની લોન આપી છે. તેમણે કહ્યું હતું કે, અનેકરીતે ઉપયોગને વધારવા માટે કામ કરવામાં આવી રહ્યું છે. અમે એક સરળ રીત અપનાવી રહ્યા છે જેના આધાર પર ઇન્ફ્રાસ્ટ્રક્ચર પર ખર્ચ કરી રહ્યા છીએ. આનાથી કોર ઇન્ડસ્ટ્રી લેબર તથા અન્ય ક્ષેત્રોને મદદ મળનાર છે. આર્થિક ગતિવિધિને પ્રોત્સાહન આપવા માટે અન્ય વિકલ્પોની જાહેરાત કરાશે કે કેમ તે અંગે પૂછવામાં આવતા તેમણે કહ્યું હતું કે, સરકાર જુદા જુદા વિકલ્પો ઉપર કામ કરી રહી છે. જીએસટી રેટ માળખા પર નિર્ણય જીએસટી કાઉન્સિલ દ્વારા કરવામાં આવનાર છે.

           રેટમાં ફેરફાર કરવાની જરૂર દેખાઈ રહી છે. તેમણે એમ પણ કહ્યું હતું કે, આર્થિક ગતિવિધિને પ્રોત્સાહન આપવાની દિશામાં નવીનવી પહેલ કરવાની જરૂરિયાત દેખાઈ રહી છે. જીએસટી કાઉન્સિલની બેઠકમાં આ સંદર્ભમાં યોગ્ય નિર્ણય લેવામાં આવી શકે છે. છેલ્લા કેટલાક વર્ષોથી જીએસટીને લઇને ચર્ચા જોવા મળી રહી છે. આમા કોઇ શંકા નથી કે, દરોમાં ફેરફારથી કિંમતોમાં વધારો થશે. આવી સ્થિતિમાં છેલ્લા કેટલાક વર્ષથી મોંઘવારી પર મુકવામાં આવેલી બ્રેક હળવી થઇ શકે છે. આને ધ્યાનમાં લઇને એમ કહેવામાં આવી રહ્યું છે કે, જીએસટી કાઉન્સિલ સંભવિતરીતે ટેક્સ ફ્રી વસ્તુઓની સાથે કોઇ ચેડા કરશે નહીં બલ્કે લઘુત્તમ ટેક્સ સ્લેબ બદલીને જ વધુને વધુ ભરપાઈ કરવાના પ્રયાસ કરી શકે છે. સરકારી અધિકારીઓનું કહેવું છે કે, કેન્દ્ર સરકાર આગામી સપ્તાહમાં જીએસટીમાં સૂચિત ફેરફાર કરીને મહામંથન કરશે. જો પ્રસ્તાવ સ્વીકાર કરવામાં આવે છે તો ટેક્સ રેવેન્યુમાં વધારો થશે અને જીએસટી ત્રણ દરમાં જ રહેશે.

(7:58 pm IST)