મુખ્ય સમાચાર
News of Saturday, 7th December 2019

બદલાની ભાવના સાથે ન્યાય યોગ્ય ન ગણાય : સીજેઆઈ

હૈદરાબાદ એન્કાઉન્ટર મુદ્દે પ્રતિક્રિયા આપી : ગેંગરેપ કેસમાં વિવિધ પ્રતિક્રિયાઓ વચ્ચે મુખ્ય ન્યાયાધીશ શરદ અરવિંદ બોબડેનો મત

નવીદિલ્હી, તા. ૭ : હૈદરાબાદમાં એક મહિલા પશુ ચિકિત્સકની ગેંગરેપ બાદ હત્યાના મામલામાં જોરદાર વળાંક આવી ગયો છે. પોલીસ દ્વારા ચારેય નરાધમોને મોતને ઘાટ ઉતારી દેવામાં આવ્યા બાદ આને લઇને જુદી જુદી પ્રતિક્રિયાઓ આવી રહી છે. આને લઇને એક વર્ગ ખુશ છે જ્યારે બીજા વર્ગમાં નારાજગી જોવા મળી રહી છે. આ મામલામાં હવે ભારતના મુખ્ય ન્યાયાધીશ શરદ અરવિંદ બોબડેની પણ પ્રતિક્રિયા આવી છે. તેમણે કહ્યું છે કે, જો આ બદલાના ઇરાદા સાથે એન્કાઉન્ટર કરવામાં આવ્યું છે તો ન્યાય હાઈ શકે નહીં. જો બદલાની ભાવનાથી કામ કરવામાં આવે તો ન્યાય પોતાનું ચારિત્ર્ય ગુમાવી દે છે. બીજી બાજુ મામલો સુપ્રીમ કોર્ટમાં પહોંચી ચુક્યો છે. આ મામલામાં જુદા જુદા પ્રત્યાઘાતો આવી રહ્યા છે. સીજેઆઈના નિવેદનને પણ ખુબ મહત્વપૂર્ણ ગણવામાં આવે છે. ગઇકાલે હૈદરાબાદ ગેંગરેપ કેસના નરાધમોને પોલીસે એન્કાઉન્ટરમાં ઠાર મારી દીધા હતા.

         તમામ આરોપીઓને મોતને ઘાટ ઉતારી દેવામાં આવ્યા બાદ દેશભરમાં આને લઇને એકબાજુ ઉજવણી થઇ હતી જ્યારે બીજી બાજુ કેટલાક રૂઢિવાદી લોકોએ આની સામે પ્રશ્નો ઉઠાવ્યા હતા જેમાં કેટલાક નેતાઓનો સમાવેશ થાય છે. કોંગ્રેસના નેતા શશી થરુર, ડાબેરી નેતા સીતારામ યેચુરી અને વિવાદાસ્પદ નેતા ઓવૈસી દ્વારા પ્રશ્નો ઉઠાવવામાં આવ્યા હતા. કોંગ્રેસના નેતા શશી થરુરે પોતાની પ્રતિક્રિયા આપતા કહ્યું હતું કે, આ પ્રકારના બનાવો લોકશાહીને ખતરનાક દિશામાં લઇ જશે. બીજી બાજુ એક વર્ગે પોલીસ કાર્યવાહીની પ્રશંસા કરીને દેશભરમાં ઉજવણી કરી હતી. ફટાકડા પણ ફોડવામાં આવ્યા હતા.મિઠાઈઓ વહેંચવામાં આવી હતી.

(7:51 pm IST)