મુખ્ય સમાચાર
News of Saturday, 7th December 2019

ભારતમાં ગ્રાહકોનો વિશ્વાસ પાંચ વર્ષના તળિયે

એશિયાના ત્રીજા મોટા અર્થતંત્રમાં ઘેરી મંદી અને રોજગારીને લઈને વધી રહેલી ચિંતાઓ વચ્ચે કન્ઝયૂમર કોન્ફીડેન્સમાં ઘટાડો જોવા મળી રહ્યો છે

મુંબઇ, તા.૭: ભારતમાં ગ્રાહકોના વિશ્વાસનું સ્તર(કન્ઝયુમર કોન્ફિડન્સ) છેલ્લા પાંચ વર્ષની એટલે કે ૨૦૧૪ પછીની નીચલી સપાટીએ આવી ગયું છે. નરેન્દ્રભાઇ મોદી ૨૦૧૪માં જ પ્રથમ વખત વડૈાપ્રધાન બન્યા હતાં. આરબીઆઈના કન્ઝયૂમર કોન્ફીડેન્સ સર્વે પ્રમાણે, ધ કરન્ટ સિચ્યુએશન ઈન્ડેકસ જે સપ્ટેમ્બરમાં ૮૯.૪૦ ટકા હતો તે નવેમ્બરમાં ઘટીને ૮૫.૭૦ ટકા રહ્યો હતો. ઈન્ડેકસમાં ૧૦૦નો આંક નિરાશાવાદ અને આશાવાદને વિભાજિત કરતો આંક છે.

એક વર્ષ પછીની સ્થિતિની રખાતી અપેક્ષાનો આંક પણ ૧૧૮.૦ પરથી ઘટી ૧૧૪.૫૦ રહ્યો છે. એશિયાના ત્રીજા મોટા અર્થતંત્રમાં ઘેરી મંદી અને રોજગારીને લઈને વધી રહેલી ચિંતાઓ વચ્ચે કન્ઝયૂમર કોન્ફીડેન્સમાં દ્યટાડો જોવા મળી રહ્યો છે. દેશના નોન બેન્કિંગ ફાઈનાન્સ ક્ષેત્ર (એનબીએફસી)માં છેલ્લા એક વર્ષથી ચાલી રહેલી નાણાંભીડને કારણે ધિરાણ ખેંચ ઊભી થઈ છે જેને પરિણામે દ્યરેલું ઉપભોગ પર અસર પડી છે. દેશના અર્થતંત્રમાં દ્યરેલું કન્ઝમ્પશનનો હિસ્સો ૬૦ ટકા રહે છે.

આને કારણે દેશનો આર્થિક વિકાસ દર સપ્ટેમ્બર ત્રિમાસિકમાં દ્યટીને ૬ વર્ષની નીચી સપાટીએ રહ્યો છે. રિઝર્વ બેન્ક દ્વારા દેશના ૧૩ મોટા શહેરોમાં ૫૩૩૪ પરિવારોનો સર્વે કરીને આ ઈન્ડેકસ તૈયાર કરાયો છે. અર્થતંત્રની સામાન્ય સ્થિતિ, રોજગાર વાતાવરણ, આવક તથા ખર્ચ અને ભાવની સ્થિતિ જેવી બાબતો પર ઉપભોગતાઓના ખયાલો અને અપેક્ષાઓ જાણવા આ સર્વે કરાયો હતો.

સર્વેમાં ભાગ લેનારા મોટાભાગનાઓએ છેલ્લા એક વર્ષમાં ભાવ વધ્યા હોવાનો મત વ્યકત કર્યો હતો અને આગામી એક વર્ષમાં તેમાં વધારો થવાની પણ શકયતા વ્યકત કરી હતી, જે ફુગાવાજન્ય દબાણ નજીકના ગાળામાં ચાલુ રહેવાના સંકેત આપે છે. રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયાએ નાણાં નીતિની સમીક્ષા બેઠકના અંતે ગુરૂવારે દેશનો વર્તમાન વર્ષનો આર્થિક વિકાસ દરનો અંદાજ ૬.૧૦ ટકા પરથી દ્યટાડી પાંચ ટકા કર્યો છે. આ ઉપરાંત ફુગાવાનું સ્તર પણ અપેક્ષા કરતા ઊંચુ હોવાનું કબૂલ્યું હતું. આ સર્વેમાં દેશના ૧૩ મોટા શહેરોના ૫૩૩૪ લોકોએ ભાગ લીધો હતો

(11:42 am IST)