મુખ્ય સમાચાર
News of Saturday, 7th December 2019

કર વસુલાતનાં મોરચે સરકારને આંચકો એડવાન્સ ટેક્ષ વસુલાતમાં ૧પ% ગાબડુ પડશે

૧૬ નવે. સુધીમાં સરકારી તિજોરીમાં માત્ર ૧.૮ લાખ કરોડ જ ટેક્ષ આવ્યો : ગયા વર્ષે રૂ. ૪.૧૬ લાખ કરોડ એડવાન્સ ટેક્ષ મળ્યો હતોઃ હાલ માત્ર ૪૦% જ પ્રાપ્ત થયો છે

નવી દિલ્હી તા. ૭ :.. કર વસુલાત બાબતે સરકારને વધુ એક ઝટકો લાગી શકે છે. ચાલુ નાણાકીય વર્ષમાં એડવાન્સ ટેક્ષની વસુલાત ગયા વર્ષની સરખામણીમાં ૧પ ટક ઓછી રહી શકે છે.

સુત્રો દ્વારા મળતી માહિતી અનુસાર, સરકારે અધિકારીઓને વસુલાત વધારવાની દિશામાં તાત્કાલીક પગલા લેવાના આદેશો આપ્યા છે. સાથે સાથે આગામી દિવસોમાં એડવાન્સ ટેક્ષ અંગે એસએમએસ અને મલ્ટી મીડીયા કેમ્પેઇનની મદદથી જાગરૂકતા ફેલાવવા અંગે પણ સરકાર વિચારી રહી છે.

નાણા મંત્રાલય દ્વારા સંસદમાં અપાયેલી માહિતી મુજબ, આ વર્ષે ૧૬ નવેમ્બર સુધીમાં સરકારી ખજાનામાં એડવાન્સ ટેક્ષ રૂપે ૧.૮ લાખ કરોડ જમા થયા છે. જે ગયા વર્ષની સરખામણીમાં ફકત ૪૦ ટકા છે. ગયા વર્ષે એટલે કે ર૦૧૮-૧૯ માં એડવાન્સ ટેક્ષ દ્વાર ૪.૧૬ લાખ કરોડ રૂપિયા જમા થયા હતાં. આંકડાઓ અનુસાર, છેલ્લા સતત ત્રણ નાણાંકીય વર્ષોમાં તેમાં વધારો જોવા મળ્યો હતો. ર૦૧૬-૧૭ માં ૩.૩૪ લાખ કરોડ અને ર૦૧૭-૧૮ માં ૩.૬૬ લાખ કરોડ રૂપિયા જમા થયા હતાં. આવકવેરા વિભાગ અનુસાર, જે કરદાતાઓનો ટીડીએસ કપાયા પછીનો ટેક્ષ ૧૦ હજારથી વધારે થતો હોય તેમણે એડવાન્સ ટેક્ષ ચુકવવો પડે છે. તેના હેઠળ નોકરીયાત લોકો પણ આવી જાય છે.

૧પ ડીસેમ્બર સુધીમાં લોકોએ એડવાન્સ ટેક્ષનો ૭પ ટકા હિસ્સો જમા કરાવવાનો હોય છે. આર્થિક મંદીના કારણે આર્થિક ગતિવિધીઓ ઘટવાથી લોકોની આવક પણ ઘટી છે. આ વર્ષના અંત સુધીમાં એડવાન્સ ટેક્ષની કુલ રકમમાં ૧પ ટકાના ઘટાડાનું અનુમાન છે.

(11:40 am IST)