મુખ્ય સમાચાર
News of Friday, 7th December 2018

રાજસ્થાન અને તેલંગાણામાં પણ બમ્પર મતદાન : ૧૧મીએ ફેંસલો

રાજસ્થાનમાં ૭૨ ટકા અને તેલંગાણામાં ૬૫ ટકાથી વધુ મતદાન : અંતે રાજસ્થાનમાં ૨૨૭૪ ઉમેદવારો અને તેલંગાણામાં ૧૮૨૧ ઉમેદવારોના ભાવિ ઇવીએમમાં સીલ : પાંચેય રાજ્યોમાં ૧૧મીએ મતગણતરીની પ્રક્રિયા

નવી દિલ્હી-હૈદરાબાદ,તા. ૭ : રાજસ્થાન અને તેલંગાણામાં સઘન સુરક્ષા અને ભારે ઉત્સાહ વચ્ચે આજે બમ્પર મતદાન થયું હતું. ઉંચા મતદાન બાદ ભારે સસ્પેન્સની સ્થિતિ પ્રવર્તી રહી છે. પાંચેય રાજ્યોમાં હવે મતદાનની પ્રક્રિયા પરિપૂર્ણ થઇ ચુકી છે. મતગણતરી ૧૧મી ડિસેમ્બરના દિવસે હાથ ધરાશે. મધ્યપ્રદેશ, રાજસ્થાન, છત્તીસગઢ, મિઝોરમ અને તેલંગાણામાં કોની સરકાર બનશે તે અંગેનો ફેંસલો હવે ૧૧ના દિવસે થશે. આજે રાજસ્થાનમાં ૭૨ ટકાથી પણ ઉંચુ મતદાન થયું હતું. સાંજે પાંચ વાગ્યા સુધી રાજ્યમાં ઉંચુ મતદાન નોંધાયું હતું જ્યારે તેલંગાણામાં પણ ૬૫ ટકાથી ઉંચુ મતદાન થયું હતું. તમામ ઉમેદવારોના ભાવિ ઇવીએમમાં સીલ થઇ ગયા હતા. જે ૧૧મી ડિસેમ્બરના દિવસે જ જાણી શકાશે. અગાઉ આજે સવારે મતદાનની શરૂઆત થઇ હતી. મતદાન શરૂ થતાની સાથે જ સવારમાં જ કેટલાક મતદાન મથકો પર તો લાંબી લાઇન જોવા મળી હતી. જ્યારે કેટલાક મતદાન મથકો પર સવારમાં ઠંડીના કારણે ઓછા મતદારો પહોંચ્યા હતા. તેલંગણામાં સવારે સાત વાગ્યા અને રાજસ્થાનમાં સવારે આઠ વાગે મતદાનની શરૂઆત થઇ હતી. શરૂઆતી કલાકમાં જ રાજસ્થાનમાં સાત ટકાની આસપાસ મતદાન થઇ ગયુ હતુ. સવારે મતદાનની શરૂઆત થયા બાદ સામાન્ય મતદારોથી લઇને નેતા અને અભિનેતા અને અન્ય લોકો મતદાન કરવા માટે પહોંચ્યા હતા.  બંને રાજ્યોમાં મતદાન કરવા માટે મતદારો ભારે ઉત્સાહિત દેખાયા હતા. હાઇવોલ્ટેજ અને હાઇ પ્રોફાઇલ વિધાનસભા ચૂંટણી માટે ઝંઝાવતી પ્રચાર રહ્યા બાદ આજે મતદાન થયું હતું. બંને રાજ્યોમાં મતદારો ઉમેદવારોના ભાવિનો ફેંસલો કરવા શરૂઆતથી જ સજ્જ દેખાયા હતા. બંને રાજ્ય સહિત અન્ય ત્રણ રાજ્યમાં ક્યાં કોંણ બાજી મારશે અને કોની સરકાર બનશે તે અંગે હવે ૧૧મી ડિસેમ્બરના દિવસે જાણી શકાશે. એકબાજુ રાજસ્થાનમાં ૪.૭૫ કરોડ મતદારો પૈકીના મોટા ભાગના મતદારો ૨૨૭૪ ઉમેદવારોના ભાવિનો ફેંસલો કરવા માટે મતદાન કરવા  નિકળ્યા હતા અને ૭૨ ટકાથી પણ વધુ મતદારોએ તેમના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો. છત્તિસગઢ, મિઝોરમ, મધ્યપ્રદેશમાં મતદાનની પ્રક્રિયા પહેલાથી જ પૂર્ણ થઇ ગઈ હતી. છેલ્લા થોડાક દિવસમાં રાજસ્થાન અને તેલંગણમાં  સેંકડો રેલીઓ યોજાઈ હતી અને રોડ શો યોજાયા હતા. રાજસ્થાનમાં મતદાનની શરૂઆતની સાથે જ ચૂંટણી મેદાનમાં રહેલા ૨૨૭૪ ઉમેદવારોના ભાવિ ઇવીએમમાં સીલ થઇ ગયા હતા. રાજસ્થાનમાં કુલ ૫૧૬૮૭ મતદાન કેન્દ્રો સ્થાપિત કરવામાં આવ્યા હતા. રાજસ્થાનમાં કુલ ૪.૭૫ કરોડ મતદારો પૈકી ૨૨૭૧૫૩૯૬ મહિલા મતદારોમાંથી પણ મોટી સંખ્યામાં મહિલાઓ મતદાન કરવા માટે બહાર નિકળી હતી. હાલમાં અલવર જિલ્લાના રામગઢ મતવિસ્તારમાં બહુજન સમાજ પાર્ટીના ઉમેદવારના અવસાનના કારણે ચૂંટણી મોકૂફ કરી દેવામાં આવી હતી. બુધવારના દિવસે પ્રચારનો સાડા પાંચ વાગે અંત આવ્યો હતો.  ભાજપ તરફથી વડાપ્રધાન નરેન્દ્ર મોદી, ભાજપ પ્રમુખ અમિત શાહ અને ઉત્તરપ્રદેશના મુખ્યપ્રધાન યોગી આદિત્યનાથે તમામ તાકાત લગાવી હતી. જ્યારે કોંગ્રેસ તરફથી રાહુલ ગાંધી, અશોક ગહેલોત અને સચિન પાઇલોટે તમામ તાકાત લગાવી દીધી હતી. તેલંગાણામાં ૧૧૯ વિધાનસભા સીટો છે. આજે સવારે મતદાનની શરૂઆત થવાની સાથે જ ૧૮૨૧ ઉમેદવારોના ભાવિ ઇવીએમમાં સીલ થઇ ગયા હતા.  ટીઆરએસ સામે આ વખતે કોંગ્રેસ, ટીડીપી, સીપીઆઈ, તેલંગાણા જનસમિતિના મહાગઠબંધનનો મુકાબલો છે. આ પાર્ટીએ તમામ ૧૧૯ સીટો પર લડી રહી છે. કોંગ્રેસે ૯૯ ઉમેદવારો મેદાનમાં ઉતાર્યા છે. તેલંગાણામાં કુુલ મતદારોની સંખ્યા ૨.૮૦ કરોડ છે. જે પૈકી મોટા ભાગના મતદારો આજે સવારે મતદાન કરવા માટે નિકળ્યા હતા.  તેલંગાણામાં નિષ્પક્ષ ચૂંટણીની ખાતરી કરવા વિવિધ પગલા લેવામાં આવ્યા હતા જેના ભાગરુપે ત્રીજી ડિસેમ્બર સુધી ૧૧૧ કરોડ રૂપિયાની કિંમતની અન્ય ચીજવસ્તુઓ અને રોકડ રકમ જપ્ત કરાઈ હતી. ૯૪.૧૭ કરોડની રકડ જપ્ત કરવામાં આવી હતી.તેલંગણામાં  કોંગ્રેસે ૯૯ ઉમેદવારો, ટીડીપી ૧૩, ટીજેએસે ૦૮ અને સીપીઆઈએ ૦૩ ઉમેદવાર મેદાનમાં ઉતાર્યા છે.આજે મતદાનની સાથે જ તમામના ભાવિ ઇવીએમમાં સીલ થઇ ગયા હતા.  ૨૦૧૪ની ચૂંટણીમાં ટીઆરએસે ૬૩, કોંગ્રેસે ૨૧, ટીડીપીએ ૧૫, ભાજપે પાંચ બેઠકો જીતી હતી. રાજસ્થાનની ચૂંટણીમાં સ્થાનિક મુદ્દા પ્રચારમાં દેખાયા ન હતા. ખેડુતોની સમસ્યા, ભ્રષ્ટાચાર અને બેરોજગારીના મુદ્દા કરતા રાષ્ટ્રીય મુદ્દા પ્રચાર દરમિયાન વધારે ચમક્યા હતા. ૫૦ સીટો પર બળવાખોર ઉમેદવાર મેદાનમાં છે.

રાજસ્થાનનું ચૂંટણી ચિત્ર

જયપુર, તા. ૭ : રાજસ્થાનમાં આજે મતદાન યોજાયું હતું. આની સાથે જ રાજસ્થાનનું ચિત્ર નીચે મુજબ રહ્યું હતું.

કુલ વિધાનસભા સીટો..................................... ૨૦૦

ચૂંટણી યોજાઈ................................................ ૧૯૯

ચૂંટણી મોકુફ થઇ...................... રામગઢ મતવિસ્તાર

ઉમેદવારોના ભાવિ સીલ............................... ૨૨૭૪

મહિલા ઉમેદવારોના ભાવિ સીલ...................... ૧૮૯

મતદાનની ટકાવારી રહી.................. ૭૨ ટકાથી વધુ

મતગણતરીની તારીખ..................... ૧૧મી ડિસેમ્બર

કુલ મતદારો હતા................................. ૪.૭૭ કરોડ

મતદાન મથકો નોંધાયા............................. ૫૧૬૮૭

તેલંગાણાનું ચૂંટણી ચિત્ર

હૈદરાબાદ, તા. ૭ : તેલંગાણામાં આજે મતદાન નોંધાયું હતું. આની સાથે જ મતદાનની પ્રક્રિયા પૂર્ણ થઇ હતી. હવે ૧૧મી ડિસેમ્બરે મતગણતરી થશે. તેલંગાણાનું ચૂંટણી ચિત્ર નીચે મુજબ છે.

કુલ વિધાનસભા સીટો..................................... ૧૧૯

ચૂંટણી યોજાઈ................................................ ૧૧૯

ઉમેદવારોના ભાવિ સીલ............................... ૧૮૨૧

મતદાનની ટકાવારી......................... ૬૫ ટકાથી વધુ

મતગણતરી તારીખ......................... ૧૧મી ડિસેમ્બર

કુલ મતદારોની સંખ્યા........................... ૨.૮૦ કરોડ

પુરુષ મતદારોની સંખ્યા........................ ૧.૪૧ કરોડ

મતદાન મથકોની સંખ્યા ……………………..૩૨૮૧૫

(7:26 pm IST)