મુખ્ય સમાચાર
News of Friday, 7th December 2018

દેશમાં દર ૮માંથી ૧ મોત પ્રદુષણથીઃ તંબાકુથી પણ વધુ ખતરનાક

બહારનું પ્રદુષણ જ નહિ પરંતુ ઘરની અંદરનું પ્રદુષણ પણ જીવલેણ બની રહ્યુ છેઃ ખરાબ અને ઝેરીલી હવા આપણી ઉંમર ઘટાડી રહી છેઃ રીસર્ચ સંસ્થાના સનસનીખેજ ખુલાસાઃ દિલ્હીમાં વાયુ પ્રદુષણ રોજ ૩૪ લોકોને ભરખી રહ્યુ છેઃ દેશની ૭૭ ટકા વસ્તી એર પોલ્યુશનના ભરડામાં: ૨૦૧૭માં દેશમાં ૧૭.૪ લાખ લોકોના મોત માટે હવાનંુ પ્રદુષણ જવાબદાર હતુ

નવી દિલ્હી, તા. ૭ ­:. દેશમાં દર ૮માંથી ૧ વ્યકિતનું મોત હવામા ફેલાયેલા ઝેરના કારણે થઈ રહ્યુ છે. બહાર જ નહિ ઘરની અંદર પણ પ્રદુષણ જીવલેણ બની રહ્યુ છે. મેડીકલ રીસર્ચ કરનારી સંસ્થા આઈસીએમઆર એટલે કે ઈન્ડીયન કાઉન્સીલ ઓફ મેડીકલ રીસર્ચે પોતાના નવા અભ્યાસમાં આ દાવો કર્યો છે. ભારતમાં આ પ્રકારનો પહેલો અભ્યાસ થયો છે. જેમા હવામા પ્રદુષણને કારણે મોત, બીમારીઓ અને ઉંમર પર પડતી અસરને આંકવામાં આવેલ છે. રીપોર્ટ અનુસાર પ્રદુષણ લોકોની સરેરાશ ઉંમર પણ ઘટાડે છે. જો હવા શુદ્ધ મળે તો લોકો સરેરાશ ૧ વર્ષ ૭ મહિના વધુ જીવે. દેશની ૭૭ ટકા વ્યકિત હવાના પ્રદુષણના ભરડામા છે. પ્રદુષણ તંબાકુ કરતા પણ વધુ ખતરનાક બની રહ્યુ છે. આ રીપોર્ટમાં જણાવાયુ છે કે દિલ્હીમાં વાયુ પ્રદુષણથી રોજ ૩૪ લોકોના મોત થાય છે. ગયા વર્ષે ૧૨૩૨૨ લોકોના મોત થયા હતા.

તંબાકુનુ કોઈપણ સ્વરૂપમાં સેવન સ્વાસ્થય માટે ખતરનાક હોય છે આનાથી કેન્સર સહિત અનેક પ્રકારની બિમારીઓનો ખતરો વધી જાય છે. પરંતુ આ અભ્યાસમાં ચોંકાવનારો ખુલાસો એ થયો છે કે, બિમારીઓના હિસાબથી તંબાકુથી પણ વધુ ખતરનાક છે પ્રદુષણ. અભ્યાસમાં ખુલાસો થયો છે કે તંબાકુ કરતા પ્રદુષણથી વધુ લોકો બિમાર પડી રહ્યા છે. રીપોર્ટ અનુસાર ગયા વર્ષે દેશમાં ૧૭.૪ લાખ લોકોના મોત માટે હવાનું પ્રદુષણ જવાબદાર હતું.

અભ્યાસ અનુસાર તંબાકુથી વધુ મોત હવાના પ્રદુષણના કારણે થાય છે. ફકત લંગ્સ કેન્સર તંબાકુથી વધુ થઈ રહ્યુ છે. પ્રતિ ૧ લાખ લોકોમાં ૪૯ લોકો આ લંગ્ન કેન્સરનુ કારણ હવાનું પ્રદુષણ છે તો ૬૨ લોકોમાં આનુ કારણ તંબાકુ છે.

વાયુ પ્રદુષણથી થતી બિમારીઓ સૌથી વધુ મોત યુપીમાં થયા છે. ત્યાં ૨.૬૦ લાખ લોકો આના કારણે મોતને ભેટયા છે. બિહારમાં ૯૮૦૦૦, ઝારખંડમાં ૨૬૫૦૦, ઉતરાખંડ ૧૨૦૦૦ અને દિલ્હીમાં ૧૨૩૨૨ના મોત થયા છે. આમ ૨૦૧૭માં ૧૨.૪ લાખના મોત આના કારણે થયા છે. મધ્યપ્રદેશ, ઝારખંડ, છત્તીસગઢ, કેરળ, કર્ણાટક, આસામ અને ઓડીસા એ મોટા રાજ્યોમાં સામેલ છે જ્યાં ઘરેલુ પ્રદુષણથી થનાર મોતની સંખ્યા બહારી પ્રદુષણથી થનારા મોતની સંખ્યા કરતા વધુ છે.

વાયુ પ્રદુષણથી આપણી ઉંમર પણ ૧.૭ વર્ષ ઘટી રહી છે. દિલ્હીમાં આના કારણે દરેક માણસની ઉંમર ૧.૬ વર્ષ ઘટી રહી છે. તો રાજસ્થાનમાં સૌથી વધુ ૨.૫ વર્ષ ઉંમર ઘટી રહી છે. યુપીમાં આ આંકડો ૨.૨ વર્ષ, બિહારમાં ૧.૯ વર્ષ, ઝારખંડમાં ૧.૬ વર્ષ અને ઉતરાખંડમાં ૧.૯ વર્ષનો ઘટાડો થઈ રહ્યો છે.

દુનિયાની વસ્તીમાં ભારતનો હિસ્સો ૧૮ ટકા છે પરંતુ વાયુ પ્રદુષણને કારણે થનાર મોત અને બિમારીમાં ભારતની હિસ્સેદારી ૨૬ ટકા છે. વાયુ પ્રદુષણને કારણે ગર્ભપાતનો ખતરો પણ વધી જાય છે.(૨-૩)

 

(11:42 am IST)