મુખ્ય સમાચાર
News of Friday, 7th December 2018

જાન્યુઆરીથી એસી, ફ્રિજ, ટીવી, વોશિંગ મશીન ૧૦% મોંઘા થશે

ઉત્પાદન ખર્ચમાં થયેલા વધારાનો બોજ હવે ગ્રાહકો પર આવશે : સપ્ટેમ્બર કવાર્ટરમાં ક્રૂડના ભાવ વધતા ટ્રાન્સપોર્ટેશન પણ મોંઘું થયું હતું

નવી દિલ્હી તા. ૭ : જો તમે ઈલેકિટ્રકલ એપ્લાયન્સીસ ખરીદવા માગતા હો તો ઝડપ કરો, ૩૧ ડિસેમ્બર પહેલાં ખરીદી લો. વ્હાઈટ ગુડ્ઝ ઉત્પાદકો જાન્યુઆરીથી ભાવમાં વધારો કરવા જઈ રહી છે. ટીવી, રેફ્રિજરેટર, વોશિંગ મશીન અને એર કન્ડિશનરના ભાવમાં કંપનીઓ ૭-૧૦ ટકા ભાવવધારો કરવા જઈ રહી છે. સૌથી વધુ એસીના ભાવ વધશે.

એપ્લાયન્સીસ ઉત્પાદકો પર વધતા જતા ઉત્પાદન ખર્ચનું દબાણ વધી ગયું છે. ખાસ કરીને સપ્ટેમ્બરના કવાર્ટરમાં ડોલર સામે રૂપિયો નબળો પડવાથી અને ક્રૂડ ઓઈલના ઊંચા ભાવને કારણે કંપનીઓએ વધારે સહન કરવું પડ્યું છે. તેમાં વળી, આ પ્રોડકટ્સ પર ટેકસ પણ વધારે છે. કન્ઝયુમર ડ્યુરેબલ્સ કંપનીઓના કુલ ખર્ચમાં ફ્રેઈટ કોસ્ટ ૧૦-૧૫ ટકા જેવો હોય છે. ક્રૂડ ઓઈલના ભાવમાં વધારો થાય એટલે ટ્રાન્સપોર્ટ ખર્ચ વધી જાય છે, જેને કારણે કુલ ખર્ચ વધી જાય છે.

એક વૈશ્વિક એપ્લાયન્સ ઉત્પાદકના મેનેજિંગ ડિરેકટરે કહ્યું હતું કે 'અમે ડિસેમ્બરના અંત સુધી ભાવ જાળવી રાખીશું. પણ ૧ જાન્યુઆરીથી અમે ભાવવધારો કરી દઈશું. પછી નીચા ભાવે પ્રોડકટ્સ નહીં મળે. ડિસેમ્બરના અંત સુધીમાં જે કંઈ ઈન્વેન્ટરી છે તે પણ પૂરી થઈ જશે.'

ઈલેકિટ્રકલ એપ્લાયન્સીસમાં સૌથી વધારે એસીના ભાવમાં વધારો થશે તેમ મનાય છે. ઈન્વેન્ટરી વધારે હોવાથી અને ઉનાળામાં આ વખતે દર વર્ષ કરતાં ઓછું વેચાણ થવાથી કંપનીઓ અગાઉ ભાવવધારો કરી શકી ન હતી.

કંપનીઓએ જીએસટી ૨૮ ટકાથી ઘટાડવાની માગણી કરી છતાં કાઉન્સિલે તેમાં ઘટાડો કર્યો નથી. ટીવી, રેફ્રિજરેટર, ફૂડ પ્રોસેસર અને વોશિંગ મશીન પરનો જીએસટી ૧૮ ટકા કરી દેવાયો છે પણ એસી માટે હજી તે વધારે છે.

સપ્ટેમ્બરમાં એસી, વોશિંગ મશીન(૧૦ કિલો સુધીના) અને રેફ્રિજરેટર જેવી પ્રોડકટ્સની કસ્ટમ્સ ડ્યૂટી ૧૦ ટકાથી વધારીને ૨૦ ટકા કરી દેવાઈ હતી. તે સમયે તહેવારોની સિઝન હોવાથી કંપનીઓએ તાત્કાલિક ભાવવધારો ટાળ્યો હતો. તેમાં વળી, તહેવારોની સિઝનમાં પણ એકંદરે વેચાણ અપેક્ષા કરતાં ઓછું વધ્યું છે, જેને કારણે કંપનીઓએ ભાવવધારો ટાળ્યો હતો.

(10:30 am IST)