મુખ્ય સમાચાર
News of Thursday, 6th December 2018

LRD પેપર લીક : ગુજરાતની દિલ્હી લિંક મળી ગઇ હોવાનો પોલીસનો દાવો

પ્રિન્ટીંગ પ્રેસમાંથી લીક કરાયુ પેપર : કોચિંગ કલાસનો માલિક દિલ્હી ગેંગનો ગુજરાત સભ્યઃ નિલેશે બધા ૨૮ ઉમેદવારો પાસેથી ૭-૭ લાખ રૂપિયા લીધા હતા

નવી દિલ્હી તા. ૬ : લોકરક્ષક ભરતી બોર્ડના પેપર લીક કેસમાં ગુજરાત પોલીસે દિલ્હી ગેંગની ગુજરાત લિંક મળી ગઈ હોવાનો દાવો કર્યો છે. યશપાલ સોલંકી દિલ્હીથી પશ્નપત્રના જવાબો સાથે ફલાઈટમાં ૧લી ડિસેમ્બરે વડોદરા આવ્યો હતો અને તેણે મનહર પટેલને આપ્યું હતું. અત્યાર સુધીમાં પેપર લીક કેસમાં યશપાલ સોલંકી, મનહર પટેલ, મુકેશ ચૌધરી, PSI પી.વી પટેલ અને રૂપલ પટેલની સંડોવણી હોવાનું બહાર આવી ચૂકયું છે. પરંતુ હવે સમગ્ર કૌભાંડના તાર કોચિંગ કલાસ સુધી પહોંચ્યા છે.

ટોચના પોલીસ અધિકારીએ જણાવ્યું કે, દિલ્હી અને ગુજરાત વચ્ચેની લિંક નિલેશ પટેલ છે, જે કોચિંગ કલાસનો માલિક છે. પશ્નપત્ર પ્રિન્ટ થાય તે પહેલા જ સાઉથ ઈન્ડિયામાં પ્રિન્ટિંગ પ્રેસમાં કામ કરતા વ્યકિતએ પેપર લીક કર્યું હતું. પોલીસના ટોચના સૂત્રોએ જણાવ્યું કે પેપર લીક કરનારો વ્યકિત નિલેશના સંપર્કમાં હતો. જે દિલ્હી ગેંગમાં ગુજરાતનો સભ્ય હોવાની શંકા છે. તપાસ અધિકારીએ જણાવ્યું કે, નિલેશે બધા ૨૮ ઉમેદવારો પાસેથી ૭- ૭ લાખ રૂપિયા લીધા હતા.

પોલીસના સૂત્રોએ જણાવ્યું કે, ૨૯ નવેમ્બરની રાત્રે નિલેશે બધા ૨૮ ઉમેદવારોને નાના ચિલોડા બોલાવ્યા હતા અને તેમને ચાર કારમાં બેસાડ્યા. તેણે બધાને પોતાના સ્માર્ટફોન બંધ કરવા કહ્યું. સૌથી પહેલા તેમને ગુરૂગ્રામ લઈ જવામાં આવ્યા. દિલ્હી જવાના રસ્તામાં વચ્ચે કાર બદલવામાં આવી હતી. બાદમાં તેમને જુદા જુદા ગેસ્ટ હાઉસમાં લઈ જવામાં આવ્યા અને પેપર આપવામાં આવ્યા.

પકડાઈ જવાના ભયના કારણે ગેંગ દ્વારા ઉમેદવારોને ખાસ સૂચના આપી હતી કે આ પેપરને સોશિયલ મીડિયા દ્વારા કોઈને વેચે નહીં. પોલીસના સીનિયર અધિકારીએ કહ્યું, જોકે તેમ છતાં યશપાલ સોલંકીએ આ પેપર અન્ય ઉમેદવારોને વેચી દીધું. સોલંકીએ ૨જી ડિસેમ્બરની સવારે આ પેપર મનહર પટેલને આપ્યું. પેપર લીક થયાના ૨૪ કલાકમાં જ મનહર પટેલની ધરપકડ કરાઈ હતી.

પોલીસે જણાવ્યું, આ લીક થયેલું પેપર ગાંધીનગરની શ્રીરામ હોસ્ટેલમાં, જયાં રૂપલ પટેલ કામ કરતી હતી, ત્યાં મનહર પટેલને આપવામાં આવ્યું હતું. રૂપલના પહેલાથી જ રાજકીય કનેકશન હોવાથી તેણે ૧૦ ઉમેદવારોને હોસ્ટલ પર પેપર વેચવા બોલાવી લીધા હતા. ગુજરાત પોલીસ મુજબ, રૂપલે પોતાને મળેલા પેપર અને તેના જવાબો સાચા છે કે નહીં તે સ્પષ્ટ કરવા માટે પોલીસ ભરતી બોર્ડના કલાસ ૩ કર્મચારી ભરત બરોનાનો સંપર્ક કર્યો હતો. પોલીસના મુજબ બરોણાએ સમગ્ર ઘટના ભરતી બોર્ડના ચેરમેનની જણાવી દીધી અને એડિશનલ DGP વિકાસ સહાયે પરીક્ષા રદ કરી.(૨૧.૧૦)

 

(3:57 pm IST)