મુખ્ય સમાચાર
News of Thursday, 6th December 2018

યુપીમાં જો હવે ગૌહત્યા થશે તો સંબંધિત SP-DM જવાબદાર

બુલંદશહર હિંસા બાદ ઉત્તરપ્રદેશના મુખ્યપ્રધાન યોગી આદિત્યનાથે રાજ્યમાં ગૌહત્યા અને ગાયોની તસ્કરી વિરૂધ્ધ કડક કાર્યવાહી કરવાના આદેશ જારી કર્યા

લખનૌ તા. ૬ : બુલંદશહર હિંસા બાદ ઉત્ત્।ર પ્રદેશના મુખ્યપ્રધાન યોગી આદિત્યનાથે રાજયમાં ગૌહત્યા અને ગાયોની તસ્કરી વિરુદ્ઘ કડક કાર્યવાહી કરવાના આદેશ જારી કર્યા છે. સીએમ યોગીએ ગાયોની કતલ, ગૌવંશનું ગેરકાયદે વેચાણ, ગેરકાયદે સંચાલિત કતલખાના વિરુદ્ઘ અસરકારક કાર્યવાહી કરવા આદેશ જારી કર્યા છે.

મુખ્યપ્રધાન યોગી આદિત્યનાથના આદેશ મુજબ ભવિષ્યમાં જો ગૌહત્યા કે ગાયોની તસ્કરીની આવી કોઇ પણ ઘટના બનશે તો તે માટે જિલ્લાના સંબંધિત એસપી અને કલેકટર જવાબદાર ગણાશે. રાજય સરકારના એક પ્રવકતાના જણાવ્યા અનુસાર મુખ્યપ્રધાન યોગીએ કહ્યું છે કે આ સંદર્ભમાં કોઇ પણ શિથિલતા જોવા મળશે તો સંબંધિત જિલ્લાના પોલીસ અધિક્ષક અને કલેકટરની વ્યકિતગત જવાબદારી બનશે.

આવા મામલામાં કોઇ પણ પ્રકારની બેદરકારી કે લાપરવાહી સાંખી લેવામાં આવશે નહીં. પ્રવકતાએ જણાવ્યું હતું કે રાજયના મુખ્ય સચિવ અનુપચંદ્ર પાંડેય દ્વારા યોજના ભવનમાં એક સ્પેશિયલ વીડિયો કોન્ફરન્સિંગના માધ્યમથી તમામ કલેકટરો, વરિષ્ઠ પોલીસ અધીક્ષકો અને પોલીસ અધીક્ષકોને મુખ્યપ્રધાનના આદેશોની વિસ્તૃત જાણકારી આપવામાં આવી હતી.

મુખ્યપ્રધાન યોગી આદિત્યનાથ આજે બુલંદશહર હિંસાની ઘટનાના ૭ર કલાક બાદ શહીદ ઇન્સ્પેકટર સુબોધકુમારસિંહના પરિવારની સાથે મુલાકાત કરી હતી. સીએમ ઉપરાંત રીટા બહુગુણા જોશી સહિત કેટલાય ધારાસભ્યો અને ડીજીપી ઓમપ્રકાશસિંહ પણ આ મુલાકાત વખતે હાજર રહ્યા હતા. મુખ્યપ્રધાન યોગીએ પરિવારને તમામ મદદની ખાતરી આપી હતી.(૨૧.૨૮)

(3:48 pm IST)