મુખ્ય સમાચાર
News of Thursday, 6th December 2018

પંજાબમાં શીખ વેશમાં છુપાયો છે આતંકી મૂસા, ગુપ્તચર તંત્રનો દાવો

ચંડીગઢ, તા.૬: પંજાબમાં કાશ્મીરી આતંકવાદી જાકિર મૂસા છુપાયેલો હોવાના ઇનપુટ મળ્યા પછી આઇબી, સેના અને સીઆઇડી હાઇ એલર્ટ પર છે. પ્રાપ્ત જાણકારી મુજબ મૂસા પંજાબના ભટિંડા રેન્જમાં રહી રહ્યો છે. તપાસ એજન્સીઓને આશંકા છે કે મૂસા શીખ પહેરવેશમાં રહી રહ્યો છે. તે પાદ્યડી પહેરી અને દાઢી વધારીને સામાન્ય લોકો વચ્ચે ફરી રહ્યો છે. આતંકીની તલાશમાં સેના પણ હાઇ એલર્ટ પર છે. ભટિંડા રેલવે સ્ટેશન પર સદ્યન તપાસ કરવામાં આવી રહી છે. ઉપરાંત રાજસ્થાન સાથે જોડાયેલી સરહદને પણ સીલ કરવામાં આવી છે. રસ્તાઓ પર નાકાબંધી અને ચેકિંગ પણ શરૂ કરાયું છે.

ગુપ્તચર તંત્રનો દાવો છે કે આતંકી મૂસા છેલ્લા કેટલાક દિવસોથી પંજાબમાં છુપાયેલો છે અને તે પોતાનો વેશ બદલતો રહે છે. તેણે લાંબા વાળ રાખ્યા છે અને ટોપી પણ પહેરી છે, પરંતુ તાજેતરમાં જ તેની શીખના વેશમાં એક તસવીર વાયરલ થઇ છે, જેમાં જોવા મળે છે કે તેણે પાદ્યડી પહેરી છે અને દાઢી પણ વધારી છે તેથી તે એક સરદાર જેવો લાગી રહ્યો છે. નોંધનીય છે કે મૂસા અમૃતસર બેલ્ટમાં હોવાના ઇનપુટના થોડા દિવસો પછી ૧૮ નવેમ્બર ૨૦૧૮ના રોજ નિરંકારી મિશન, અમૃતસરમાં ગ્રેનેડ હુમલો કરવામાં આવ્યો હતો, જેમાં ત્રણ લોકો માર્યા ગયા હતા અને ૧૨ લોકો ઘાયલ થયા હતા.

કોણ છે જાકિર મૂસા?

જાકિર મૂસાનું અસલી નામ જાકિર રશીદ ભટ છે. અહેવાલો અનુસાર પહેલા તે હિઝબુલ મુઝાહિદીન સાથે જોડાયેલો હતો. બાદમાં તેને કાશ્મીરમાં સક્રિય નવા આતંકી જૂથ ગજાવત-ઉલ હિંદની કમાન સોંપવામાં આવી. મૂસા ભણેલા-ગણેલા પરિવારથી છે. તે ચંદીગઢ એન્જિનિયરિંગ કોલેજમાં અભ્યાસ કરતો હતો, પરંતુ ૨૦૧૩માં તેણે અભ્યાસ છોડી દીધો હતો.(૨૩.૧પ)

(3:46 pm IST)