મુખ્ય સમાચાર
News of Thursday, 6th December 2018

મરાઠાની જેમ પાટીદારોને અનામત : કોંગ્રેસને સમજાવવામાં હાર્દિક નિષ્ફળ!

માત્ર પાટીદારોને અનામતના પક્ષમાં નહીં કોંગ્રેસ : દરેક સવર્ણ સમાજ માટે ૨૦ ટકા અનામત

અમદાવાદ તા. ૬ : પાટીદાર અનામત આંદોલન સમિતિના નેતા હાર્દિક પટેલ અને તેની ટીમે બુધવારે મહારાષ્ટ્રમાં મરાઠાઓને મળેલા આંદોલનની જેમ પાટીદારોને અનામતમાં કોંગ્રેસનો સપોર્ટ મળે તે હેતુથી વિધાનસભામાં વિરોધ પક્ષના નેતા પરેશ ધાનાણી સાથે મુલાકાત કરી. આ બેઠકમાં કોંગ્રેસ પાટીદારોને સંપૂર્ણ અનામત આપવાના બદલે સમગ્ર સવર્ણ સમાજ માટે ૨૦ ટકા અનામત ઈચ્છે છે.હાર્દિકે એવી રજૂઆત કરી કે કોંગ્રેસે તેની માગણી સ્વીકારી લીધી, પરંતુ જયારે ધાનાણીને પૂછવામાં આવ્યું તો તેમણે જણાવ્યું, આ કદાચ તેનું (હાર્દિક)નું માનવું હોઈ શકે. હાર્દિક પાટીદાર સમાજને અનામતનો લાભ મળે તે હેતુથી ૨૦૧૫થી સતત પ્રયાસો કરી રહ્યો છે.

મરાઠા અનામતની જેમ હાર્દિકની માગણી પર કોંગ્રેસના સપોર્ટ મુદ્દે ધાનાણીને પૂછવામાં આવતા તેમણે જણાવ્યું, અમારી રાજય અને દિલ્હીની ટીમ દ્વારા માત્ર કોઈ એક સમાજ માટે જ નહીં, પરંતુ પાટીદાર, બ્રાહ્મણ, લોહાણા અને અન્ય જનરલ કેટેગરીના સમાજ માટે ૨૦ ટકા અનામત પ્રસ્તાવિત કરાયું છે.

જયારે હાર્દિકે જણાવ્યું હતું, મેં બધા જ સવર્ણ સમાજને અનામત માટે વિપક્ષના નેતા સમક્ષ પ્રપોઝલ મૂકયું છે. પરંતુ મેં તેમને દરેક જાતિને વસ્તીની ટકાવારીના આધારે અલગ કવોટા પર ભાર મૂકયો છે. કોંગ્રેસ દ્વારા પહેલા સવર્ણ સમાજ માટે ૨૦ ટકા અનામત પ્રસ્તાવિત કરાયો હતો. હું ઈચ્છું છું કે સૌથી પહેલા જનરલ કેટેગરીના લોકોનો સર્વે કરવામાં આવે અને ત્યાર બાદ કવોટા નક્કી કરાય.

ધાનાણીએ સ્પષ્ટ કર્યું હતું, મેં આજની મીટિંગમાં હાલમાં ચાલી રહેલા SC, ST અને OBC અનામત સાથે જનરલ કેટેગરી માટે ૨૦ ટકા શિક્ષણ અને નોકરીમાં અનામતનો પોઈન્ટ સ્પષ્ટ કર્યો હતો. અમે તેને જણાવ્યું છે કે કોંગ્રેસ પાર્ટી દ્વારા માર્ચ ૨૦૧૬ અને ફરીથી માર્ચ ૨૦૧૮માં વિધાનસભામાં બિલ લાવવામાં આવ્યું હતું. માર્ચ ૨૦૧૬માં બીજેપી દ્વારા બિલ નકારી કાઢવામાં આવ્યું હતું, જયારે ૨૦૧૮નું બિલ હાલમાં વિધાનસભામાં પેન્ડીંગ છે. અમે આશા રાખીએ છીએ કે માર્ચ ૨૦૧૮નું બિલ ચર્ચા માટે આગામી સેશનમાં લાવવામાં આવશે.(૨૧.૭)

(12:10 pm IST)