મુખ્ય સમાચાર
News of Thursday, 7th December 2017

કોંગ્રેસના ફૂટેલા કરમ : નરેન્દ્રભાઈને મુદ્દો મળી ગયો : મણી શંકર ઐયરની જીભ લપસી : નરેન્દ્રભાઈને નીચ માણસ કહ્યા : મોદીએ કહ્યું ગુજરાતની પ્રજા જવાબ આપશે

કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને પૂર્વ કેન્દ્રીય મંત્રી મણી શંકર ઐય્યરે આજે શ્રી મોદી માટે એવું નિવેદન કર્યુ હતું કે, ''યે આદમી નીચ કિસમ કા આદમી હૈ, ઈસમે કોઈ સભ્યતા નહીં હૈ, ઔર ઐસે મૌકે પર ઈસ કિસમ કી ગંદી રાજનીતિ કરને કી કયા આવશ્યકતા હૈ? મણી શંકર ઐય્યરના આ વિધાનોનો જવાબ વાળતા હોય તેમ નરેન્દ્રભાઈએ આજે સુરતમાં લીંબાયત ખાતે જંગી રેલી સમક્ષ જણાવ્યુ હતું કે, ''હાં, તેમણે મને નીચ કહ્યો છે, પરંતુ આપણા મતદારો ખૂબ જ મજબૂત છે, આવા તત્વો માટે અમારે કશુ કહેવુ નથી અમારો જવાબ મતપત્રકો આપશે : આપણે આ લોકો દ્વારા ઘણા અપમાનો જોયા છે, હું મુખ્યમંત્રી હતો ત્યારે પણ મારૃ અપમાન કરે અને તેઓએ (કોંગ્રેસે) મને 'મોત કા સોદાગર' પણ કહેલ, અને જેલ ભેગો કરવા પણ ઈચ્છયુ હતું તેમ નરેન્દ્રભાઈએ સુરતની રેલીમાં જણાવેલ. હું ભારતની જનતા પાસે ભીખ માગુ છું કે, તેઓ મને ભલે નીચ કહે આપણે એનો કોઈ જવાબ આપવો નથી, આપણા આ સંસ્કાર નથી, અને હું તેમને તેમના સંસ્કારો માટે અભિનંદન આપુ છું. આપણે જે કંઈ જવાબ આપવો છે તે ૯ અને ૧૪ તારીખે આપણા મત દ્વારા આપીશુ : નરેન્દ્રભાઈએ સુરતમાં કહ્યુ હતું કે, ઓખી વાવાઝોડાની જેમ કોંગ્રેસ પણ આવવાની નથી. મારા માલિકો આ દેશની સવા સો કરોડની જનતા છે, માત્ર તેમને જવાબ દેવા બંધાયેલો છું. તેમણે મારામાં જે વિશ્વાસ મૂકયો છે, તે માટે એક - એક સેકન્ડનો જવાબ આપવા હું બંધાયેલો છું. નરેન્દ્રભાઈએ વધુમાં કહ્યુ કે કોંગ્રેસના નેતાઓ જે ભાષામાં બોલે છે, તે લોકશાહીમાં સ્વીકાર્ય નથી. મણીશંકર ઐય્યરનું નામ લીધા વિના શ્રી મોદીએ કહેલ કે કોંગ્રેસનો એક નેતા જે શ્રેષ્ઠ સંસ્થામાં ભણ્યો છે, રાજદ્વારી તરીકે સેવા આપી છે અને કેબીનેટ મિનિસ્ટર રહી ચૂકયો છે, એ મોદીને નીચ કહે તે અપમાન છે, અને મુગલ જમાનાનું માનસ દર્શાવે છે. તેઓએ મને ગધેડો કહ્યો છે, નીચ કહ્યો છે, ગંદી નાલીનો કીડો કીધો છે, આ ગંદી ભાષાનો જવાબ ગુજરાતની પ્રજા બરાબર આપશે. તમે બધાએ મને વડાપ્રધાન અને મુખ્યમંત્રી તરીકે જોયેલ છે, શું તમારામાંથી કોઈ પણનું માથુ મારા લીધે શરમથી કયારેય ઝૂકી પડ્યુ છે? શું મેં કયારેય શરમજનક કૃત્ય કર્યુ છે? તો પછી શા માટે તે લોકો મને નીચ કહે છે? સુરતની જંગી રેલી સમક્ષ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ કહેલ કે, મને ભલે નીચ કહે તેનો જવાબ આપતા નહિં, જવાબ માત્ર મતપેટીઓથી જ આપજો.

આમ, છેલ્લા દિવસોમાં નરેન્દ્રભાઈને નીચ કહેવાનો મુદ્દો કોંગ્રેસે શા માટે આપ્યો? તેની ભારે ચર્ચા છે. મણીશંકર ઐય્યરે હજુ સુધી આ ઉચ્ચારણો માટે કોઈ જ ખુલાસો કર્યો નથી. સોશ્યલ મીડીયા, ટીવી ચેનલો અને આવતા અખબારોમાં પણ આ અહેવાલો છવાયેલા રહેશે અને કોંગ્રેસના નેતાની આ અજાણ સાથે જાણી જોઈને થયેલ ભૂલ આગામી ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ભાજપને જબ્બર અપાવશે તે નિશ્ચિત છે.

(5:16 pm IST)