મુખ્ય સમાચાર
News of Friday, 7th October 2022

પુત્રવધૂની હત્યાના આરોપસર ઇન્ડિયન અમેરિકન સેતલ સિંહની ધરપકડ : પુત્ર સાથે છૂટાછેડા લઇ લીધા હોવાથી નારાજ હતો

કેલિફોર્નિયા : વોલમાર્ટના દક્ષિણ સેન જોસ પાર્કિંગમાં ભારતીય-અમેરિકન વ્યક્તિએ તેની પુત્રવધૂની ગોળી મારીને હત્યા કરી હતી. આરોપી પુત્રવધૂથી નારાજ હતો કારણ કે તેણે તેના પુત્રને છૂટાછેડા આપી દીધા હતા.

આરોપીની કેલિફોર્નિયામાં ધરપકડ કરવામાં આવી છે. મીડિયા અહેવાલો છે કે તે ઘણા સમયથી તેની પુત્રવધૂને મારવા માટે શોધી રહ્યો હતો. આ માટે તેણે 150 માઈલ સુધીનો પ્રવાસ કર્યો હતો.

ઈસ્ટ બે ટાઈમ્સના અહેવાલ મુજબ, આરોપી સેતલ સિંહ દોસાંઝે ગયા અઠવાડિયે વોલમાર્ટના દક્ષિણ સેન જોસ પાર્કિંગમાં તેની પુત્રવધૂ ગુરપ્રીત કૌર દોસાંજની હત્યા કરી હતી. પોલીસ તપાસમાં સેતલની ધરપકડ કરવામાં આવી, જેમાં જાણવા મળ્યું કે પીડિતા શુક્રવારે તેના કાકાને તેના ડર વિશે ફોન પર કહી રહી હતી કે સેતલ તેને મારવા માટે શોધી રહ્યો છે.

અહેવાલમાં જણાવાયું છે કે તેણે તેના કાકાને કથિત રીતે કહ્યું હતું કે તેણે સેતલને કાર ચલાવતા જોયો હતો, જે દર્શાવે છે કે તેણે તેને શોધવા માટે 150 માઈલની મુસાફરી કરી હતી. ગુરપ્રીતના કાકાએ પોલીસને જણાવ્યું કે તેની ભત્રીજી ડરી ગઈ હતી કે સેતલ તેને શોધી રહ્યો છે.

 સેતલની ફ્રેસ્નો સ્થિત તેના ઘરેથી ધરપકડ કરવામાં આવી હતી. પોલીસે આરોપીના કબજામાંથી .22 કેલિબરની બેરેટા પિસ્તોલ કબજે કરી છે.તેવું એચ.ટી.એચ.દ્વારા જાણવા મળે છે.

(8:18 pm IST)