મુખ્ય સમાચાર
News of Monday, 7th October 2019

ત્રાસવાદને રોકવા પંજાબમાં હવે NSG હબ તૈયાર થશે

પંજાબમાં ખાલિસ્તાની આંદોલનને હવા આપવા તૈયારી : ત્રાસવાદી પંજાબમાં ફરી બેઠા થાય તે પૂર્વે એનએસજીના રિઝનલ હબ બનાવીને બધી ગતિવિધિ ઉપર નજર રખાશે

અમૃતસર,તા.૭ : પંજાબમાંં વધતી જતી અપરાધની ઘટનાઓ વચ્ચે કેન્દ્ર સરકાર રાજ્યમાં નેશનલ સિક્યુરિટી ગાર્ડ (રિઝનલ હબ સેન્ટર) બનાવવા ઉપર વિચારણા કરી રહી છે. કેન્દ્રીય ગૃહ મંત્રાલય અને પંજાબ સરકાર આ સેન્ટર માટે વિસ્તૃત પ્લાન પણ તૈયાર કરી રહી છે. સુત્રોના કહેવા મુજબ આના માટે પંજાબ સરકારને કહેવામાં આવ્યું છે કે, તે પઠાણકોટ અથવા અમૃતસરમાં જમીન ઉપલબ્ધ કરાવવાનું કામ કરે. હિંસા અને આતંકવાદને રોકવા પંજાબમાં એનએસજીના રિઝનલ હબ બનાવવાની તૈયારી ચાલી રહી છે જેનાથી કાશ્મીર ઉપર પણ નજર રાખી શકાશે. આ હબમાં એનએસજી કમાન્ડોની એવી ટીમ રહેશે જે આતંકવાદી ગતિવિધિને રોકવા માટે કામ કરશે. આ ટીમ પંજાબની સાથે સાથે જમ્મુ કાશ્મીરમાં સક્રિય રહેશે. નામ જાહેર નહીં કરવાની શરતે ગૃહમંત્રાલયના એક વરિષ્ઠ અધિકારીએ કહ્યં છે કે, પંજાબ સરકારથી પ્રસ્તાવના સંદર્ભમાં વાતચીત થઇ ચુકી છે. એનએસજી હબ માટે પઠાણકોટમાં જમીન ઉપલબ્ધ કરાવવાની તૈયારી થઇ છે જ્યારે વધુ સારી ગતિવિધિ અને સહકાર માટે અમૃતસરમાં જમીન ઉપલબ્ધ કરાવવા માટે કહેવામાં આવ્યું છે. ગયા વર્ષે જમ્મુ કાશ્મીરમાં બાનમાં પકડી લેવાના મામલામાં એનએસજી કમાન્ડોને તૈનાત કરવામાં આવ્યા હતા જ્યારે શ્રીનગરમાં તેમની એન્ટ્રી ઉપર રોક મુકવામાં આવી હતી.

             જો પંજાબમાં એનએસજી હબ બનાવવાના પ્રસ્તાવને મંજુરી મળે છે તો મુંબઈ, કોલકાતા, હૈદરાબાદ, ચેન્નાઇ અને ગુજરાત બાદ છઠ્ઠા સેન્ટર તરીકે રહેશે. ૨૦૦૮ના મુંબઈ હુમલા બાદ આની શરૂઆત કરવામાં આવી હતી. પંજાબના મુખ્યમંત્રી અમરિન્દરસિંહે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ સાથે મુલાકાત લીધી છે. આ મુલાકાતમાં તેઓએ પંજાબમાં ફરીથી ફેલાઈ રહેલા આતંકવાદને લઇને ચિંતા વ્યક્ત કરી છે. અમરિન્દરસિંહે એવા ઇન્ટેલીજન્સ અહેવાલનો ઉલ્લેખ પણ કર્યો છે જેમાં કહેવામાં આવ્યું છે કે, પાકિસ્તાનથી સંચાલિત થનાર કેટલીક ટોળકી કરતારપુર કોરિડોર મારફતે ખાલિસ્તાન આંદોલનને હવા આપી શકે છે. સેન્ટર બને ત્યાં સુધી પંજાબ પોલીસની કમાન્ડમાં એનએસજી કમાન્ડો તૈનાત રહેશે. તાજેતરમાં જ બોર્ડર નજીક ડ્રોનની મદદથી મોટાપાયે હથિયારો અને કોમ્યુનિકેશન હાર્ડવેરની ડિલિવરી થઇ હતી. આ મામલામાં તપાસ કરવા એનઆઈએને ગૃહમંત્રાલય દ્વારા કહેવામાં આવ્યું છે. એનએસજીના કમાન્ડો પંજાબ પોલીસની સ્પેશિયલ ટુકડીને આતંકવાદ સામે લડવા અને બાનમાં પકડી લેવાના મામલાને હાથ ધરવા ટ્રેનિંગ આપી રહી છે.

(8:04 pm IST)