મુખ્ય સમાચાર
News of Monday, 7th October 2019

રાજનાથની પેરિસ યાત્રા શરૂ થઇ : મંગળવારે રાફેલ સુપ્રત

આઠમી ઓકટોબરે વાયુ સેના દિવસ મનાવાશે : સંરક્ષણ મંત્રી રાફેલ હેન્ડઓવર વેળા શસ્ત્ર પુજા પણ કરશે

નવી દિલ્હી,તા. ૭: સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહની ફ્રાન્સ યાત્રા શરૂ થઇ ચુકી છે. આવતીકાલે ભારતીય હવાઇ દળના સ્થાપના દિવસે ભારતને પ્રથમ રાફેલ વિમાન સુપ્રત કરવામાં આવનાર છે. રાજનાથ સિંહની આ યાત્રા ઐતિહાસિક બનનાર છે. કારણ કે તેઓ રાફેલ વિમાન હેન્ડ ઓવર વેળા શસ્ત્ર પુજા કરનાર છે. તેઓ બે સીટવાળા વિમાનમાં ઉંડાણ પણ ભરનાર છે.  વર્ષ ૨૦૧૬માં ફ્રાંસની સાથે ૫૮૦૦૦ કરોડ રૂપિયામાં ૩૬ યુદ્ધવિમાન ખરીદવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો.  ફ્રાંસ પાસેથી કુલ ૩૬ રાફેલ યુદ્ધ વિમાન મળનાર છે.  જે પૈકી પ્રથમ વિમાન આવતીકાલે ભારતને સુપ્રત કરવામાં આવનાર છે. સુત્રોના કહેવા મુજબ રાજનાથસિંહ રાફેલ વિમાનમાં ઉંડાણ ભરીને ચકાસણી કરનાર છે. આ ઉપરાંત ફ્રાંસના ટોચના લશ્કરી અધિકારીઓની સાથે રાફેલની નિર્માણ કંપની દસા એવિએશનના વરિષ્ઠ અધિકારીઓ પણ આ પ્રસંગે ઉપસ્થિત રહેશે. સિંહ ૯મી ઓક્ટોબરના દિવસે ફ્રાંસના ટોપ સંરક્ષણ અધિકારીઓ સાથે સંરક્ષણ અને સુરક્ષા સહકાર વધારવાના ઉપાય ઉપર ચર્ચા કરશે. ભારતીય હવાઈ દળનું એક ઉચ્ચસ્તરીય પ્રતિનિધિ મંડળ પહેલાથી જ ફ્રાંસ પહોંચી ચુક્યું છે. આ વિમાન ખુબ શક્તિશાળી અને મિસાઇલ લઇ જવામાં સક્ષમ છે. રાફેલ વિમાન ભારત પાસે આવ્યા બાદ ચીન અને પાકિસ્તાન ઉપર ભારતની સંરક્ષણના ક્ષેત્રમાં મહત્વની લીડ થઇ જશે. સાથે સાથે આતંકવાદી કેમ્પો ઉપર ત્રાટકવામાં પણ વધુ ઘાતક હથિયાર તરીકે સાબિત થનાર છે. ફેબ્રુઆરી મહિનામાં ભારતે પાકિસ્તાન કબજા હેઠળના કાશ્મીરમાં ત્રાસવાદી કેમ્પો પર હવાઈ હુમલા કર્યા હતા. ભારત સરકાર કહી ચુકી છે કે, આતંકવાદ સામે ઓપરેશનમાં રાફેલ વધુ ઉપયોગી રહેશે. સુત્રોના કહેવા મુજબ તેઓ ફ્રાંસીસી એરફોર્સના બેઝ પરથી ઉંડાણ ભરશે. સંરક્ષણમંત્રી સાતમી ઓક્ટોબરના દિવસે ત્રણ દિવસની પેરિસ યાત્રા પર રવાના થશે. આવતીકાલે પેરિસ જવા રવાના થયા બાદ આઠમી ઓક્ટોબરના દિવસે ભારતીય વાયુસેનાના સ્થાપના દિવસે ભારતને પ્રથમ રાફેલ વિમાન મળશે.

(3:59 pm IST)