મુખ્ય સમાચાર
News of Monday, 7th October 2019

ઉધ્ધવ ઠાકરેની સિંહ ગર્જના

મહારાષ્ટ્રમાં શિવસેનાની મુખ્ય પ્રધાન સ્થાપીને પછી જંપીશઃ મહારાષ્ટ્રના હિતમાં નાછૂટકે ભાજપ સાથે બાંધછોડ કરી

સામનામાં આપેલ ઇન્ટરવ્યૂમાં ઉદ્ઘવ ઠાકરેએ કહ્યું ભાજપ સાથેનું અમારૂ ગઠબંધન હિન્દુત્વ પર આધારિત

મુંબઈ,તા.૭:શિવસેનાના કાર્યવાહક પ્રમુખ ઉદ્ઘવ ઠાકરેએ કહ્યું હતું કે મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણી પ્રસંગે અમે મહારાષ્ટ્રના હિતમાં નછૂટકે ભાજપ સાથે કોમ્પ્રોમાઇઝ કર્યું છે. શિવસેનાના મુખપત્ર સામનાના કાર્યવાહક તંત્રીને આપેલા ઇન્ટરવ્યુમાં ઉદ્ઘવે કહ્યું હતું કે ભાજપ સાથેનું અમારૂ ગઠબંધન હિન્દુત્વ પર આધારિત છે. જો કે તેમણે એવો એકરાર કર્યો તો કે સમગ્ર રાજયના હિતમાં અમે આ ગઠબંધનમાં દ્યણું કોમ્પ્રોમાઇઝ કર્યું છે.

તેમણે એવો દાવો કર્યો હતો કે રાજયના હાલના મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડનવીસ અને ચંદ્રકાંત પાટિલે મને કહ્યું હતું કે પ્લીઝ અમારી સમસ્યા સમજવાનો પ્રયાસ કરો. એટલે મેં ઓછી બેઠકો પર ચૂંટણી લડવાની સંમતિ આપી હતી. આમ છતાં, તેમણે ઉમેર્યું હતું કે રાજયમાં શિવસેનાના મુખ્ય પ્રધાન ન બને ત્યાં સુધી હું શાંત બેસવાનો નથી. મારા પિતાને મેં વચન આપ્યું હતું કે એક દિવસ રાજયમાં શિવસેનાનો મુખ્ય પ્રધાન સ્થાપીને પછી જંપીશ. પિતાને આપેલું વચન સાકાર ન કરું ત્યાં સુધી હું શાંત નહીં બેસું.

(3:37 pm IST)