મુખ્ય સમાચાર
News of Monday, 7th October 2019

સુરક્ષાકર્મી વગર વિદેશ જઇ નહીં શકે વીવીઆઇપીઓ

કેન્દ્ર સરકારે એસપીજી સિકયુરીટીના નિયમો વધુ આકરા બનાવ્યાઃ કોંગ્રેસ કહે છે... સરકાર વોચ રાખવા માંગે છે : એસપીજી કવર જેમને મળ્યું છે તેમણે સતત ટીમ સાથે રાખવી પડશેઃ મોદી ઉપરાંત ગાંધી પરિવારના ૩ સભ્યો સોનિયા, રાહુલ અને પ્રિયંકાને જ એસપીજી કવર મળ્યું છે : ગાંધી પરિવારની સુરક્ષામાં ફેરફારઃ હવે વિદેશ પ્રવાસ સમયે પણ SPG સાથે રહેશે : કેન્દ્ર સરકારને ગાંધી પરિવારના દરેક પગલાંની નજર રાખવામાં મદદરૂપ સાબિત થશે

નવી દિલ્હી તા. ૭: કેન્દ્ર સરકાર એસપીજી સુરક્ષાના નિયમોને લઇને કડક બની છે. આ વિશેષ સુરક્ષાપ્રાપ્ત વ્યકિતએ પોતાના વિદેશી પ્રવાસમાં પણ સુરક્ષાના જવાનોને પણ સાથે લઇ જવા પડશે. ફકત પીએમ મોદી જ નહીં અન્ય હસ્તીઓ  છે કે જેમને આ સુવિધા પ્રાપ્ત છે તેઓએ પોતાની સાથે એસપીજીના જવાનોને પણ વિદેશ લઇ જવા પડશે. જ્યાં તેઓ તેમની રક્ષા કરશે. પહેલા આવુ નહોતું. પરંતુ હવે કેન્દ્રીય ગૃહ મંત્રાલય નિયમો બદલાવી રહી છે. સરકારના આ ફેંસલાને કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધી અને ગાંધી પરિવારના અન્ય સભ્યોના પ્રવાસ સાથે જોડીને જોવામાં આવી રહ્યા છે. કેન્દ્રએ કહ્યું છે કે હવે જેને એસપીજી કવચ મળ્યું છે તેમણે દરેક સમયે એસપીજીની ટીમને સાથે રાખવી પડશે. કોંગ્રેસનું કહેવુ છે કે, સરકાર ગાંધી પરિવાર ઉપર નજર રાખવા માંગે છે. જો કે, ભાજપે કોંગ્રેસના આરોપને નકારી કાઢ્યા છે.

દેશમાં વડાપ્રધાન અને પૂર્વ વડાપ્રધાનોને એસપીજી સુરક્ષા આપવામાં આવે છે. મનમોહનસિંહને પણ એસપીજી સુરક્ષા અપાતી હતી પરંતુ હાલમાં જ તેમને સુરક્ષામાં ઘટાડો કરીને તેમને ઝેડપ્લસ શ્રેણીમાં રાખવામાં આવ્યા છે. એસપીજી સુરક્ષા મોદી ઉપરાંત ગાંધી પરિવારને મળે છે. સોનિયા, રાહુલ, પ્રિયંકાને આ સુવિધા આપવામાં આવી છે. એસપીજી સુરક્ષા હેઠળ ગાંધી પરિવાર દેશમાં તૈનાત જવાનોને પોતાની સાથે રાખતો હતો પરંતુ વિદેશમાં લઇ જવાતા નહોતા. હવે તેઓએ એસપીજીને લઇ જવા પડશે.

કેન્દ્ર સરકારએ ગાંધી પરિવારને સુરક્ષા આપનારી સ્પેશલ પ્રોટેકશન ગ્રુપ (SPG)ને નવા દિશાનિર્દેશ જાહેર કર્યા છે. કેન્દ્ર તરફથી ગાંધી પરિવારના કોઈ પણ સભ્યના વિદેશ પ્રવાસ જવા દરમિયાન પૂરો સમય તેમના માટે એસપીજી સુરક્ષા અનિવાર્ય કરી દેવામાં આવી છે. આ ઉપરાંત, જો તેઓ તેનો સ્વીકાર નથી કરતાં તો સુરક્ષા કારણોને ધ્યાને લઈ તેમના વિદેશ પ્રવાસમાં કાપ પણ મૂકી શકાય છે. નોંધનીય છે કે, અત્યાર સુધી એસપીજી સુરક્ષાકર્મી પહેલા વિદેશી ડેસ્ટિનેશન સુધી જ ગાંધી પરિવારની સાથે જતા હતા. ત્યારબાદ ગાંધી પરિવારના સભ્ય પોતાની અંગતતાનો હવાલો આપીને તમામ સુરક્ષાકર્મીઓને ભારત પરત મોકલી દેતા હતા. તેના કારણે આગળના વિદેશ પ્રવાસ દરમિયાન તેમના માટે જોખમ વધી જતું હતું.

કેન્દ્રના નવા દિશાનિર્દેશો મુજબ, હવે જો ગાંધી પરિવારનો કોઈ સભ્ય લંડન પ્રવાસ પર જાય છે તો એસપીજીના સુરક્ષાકર્મી દિલ્હી પરત આવે ત્યાં સુધી તેમની સાથે જ રહેશે. જો પૂર્વ વડાપ્રધાન રાજીવ ગાંધીના પરિવારનું કોઈ સભ્ય લંડનથી યૂરોપ કે અમેરિકા જવા માંગે છે તો સંબંધિત દેશમાં ભારતીય એમ્બેસી સ્થાનિક પોલીસની સાથે તેમને એસપીજી સુરક્ષા ઉપરાંતની સુરક્ષા પૂરી પાડવા માટે વાત કરશે. નોંધનીય છે કે, પૂર્વ પીએમ ઈન્દિરા ગાંધીની તેમના જ સુરક્ષાકર્મીઓએ હત્યા કરી દીધી હતી. ત્યારબાદ ૧૯૮૫માં દેશના વડાપ્રધાનની સુરક્ષા માટે અલગથી ખાસ સુરક્ષા ટીમ બનાવવામાં આવી. આ સુરક્ષા ટીમ જ એસપીજી તરીકે ઓળખાય છે.

એસપીજીની રચના બીરબલ નાથ સમિતિના રિપોર્ટના આધારે કરવામાં આવી હતી. ત્યારબાદ ૧૯૮૮માં તેને એક કાયદો બનાવીને ઔપચારિક કરી દેવામાં આવી હતી. એસ. સુબ્રમણ્યમ એસપીજીના પહેલા નિદેશક નિમવામાં આવ્યા હતા. આ ગ્રુપમાં આઈપીએસના શાર્પ શૂટર્સ, રાજયોના પોલીસ અધિકારી, અર્ધસૈનિક દળના અધિકારી અને ઇન્ટેલિજન્સ એજન્સીના અધિકારીઓ સામેલ કરવામાં આવે છે. હાલમાં ૩૦૦૦ એસપીજી સુરક્ષાકર્મી પીએમ નરેન્દ્ર મોદી, કોંગ્રેસના વચગાળાના અધ્યક્ષ સોનિયા ગાંધી, કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધી અને કોંગ્રેસની મહાસચિવ પ્રિયંકા ગાંધી વાડ્રાને સુરક્ષા પૂરી પાડે છે.

કેન્દ્રીય સચિવાલય તરફથી એસપીજીને જાહેર નવા દિશાનિર્દેશો મુજબ, ગાંધી પરિવારને હવે પોતાના પ્રવાસોની દરેક મિનિટની જાણકારી પૂરી પાડવી પડશે. ગાંધી પરિવાર પાસે તેમની અગાઉના પ્રવાસોની વિગતો પણ માંગવામાં આવી છે. નવા દિશાનિર્દેશ જયાં ગાંધી પરિવારને સમગ્ર દુનિયામાં સુરક્ષા પૂરી પાડશે, બીજી તરફ કેન્દ્રને તેમના દરેક પગલાની નજર રાખવામાં પણ મદદરૂપ સાબિત થશે. અત્યાર સુધી સુરક્ષા પ્રાપ્ત કોઈ પણ વ્યકિતને કોઈ દેશમાં પહોંચતા ભારતીય એમ્બેસીની જવાબદારી હતી કે તેઓ સ્થાનિક પોલીસના સહયોગથી તેમને પૂરી સુરક્ષા પૂરી પાડે. આ વ્યવસ્થા અત્યારે પણ ચાલુ રહેશે, પરંતુ હવે સ્થાનિક પોલીસની સાથે એસપીજી પણ સુરક્ષા પૂરી પાડશે.

(3:30 pm IST)