મુખ્ય સમાચાર
News of Monday, 7th October 2019

રાહુલ ગાંધી મહારાષ્ટ્રમાં પ્રચાર નહિ કરે

સોનિયા, પ્રિયંકા, શત્રુધ્ન, સચિન પાઇલટ-સિંધિયા સહિત પ્રચારકોની યાદી જારી

મુંબઇ, તા.૭: કોંગ્રેસના ભૂતપૂર્વ અધ્યક્ષ અને પક્ષના યુવાનેતા તરીકે સ્ટાર પ્રચારક માનવામાં આવતા રાહુલ ગાંધી મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણીમાં પ્રચાર કરવા નહીં આવે તેવા અહેવાલો વહેતા થયા છે. ગાંધીએ પોતાની જાતને વાયનાડ મતદારસંદ્ય પૂરતા જ સીમિત રાખવાની ઈચ્છા વ્યકત કરી હતી. મળતી માહિતી અનુસાર ગાંધી વેકેશન માટે નીકળી ગયા છે અને રાજયની ચૂંટણી દરમિયાન કોઈપણ ભૂમિકા અદા કરવાના નથી. કોંગ્રેસ અધ્યક્ષા સોનિયા ગાંધી અને તેમનાં પુત્રી પ્રિયંકા ગાંધી-વાડ્રા પ્રચારમાં ભાગ લેશે. રાહુલ ગાંધી મહારાષ્ટ્રના નેતાઓથી નારાજ હોઈ અને લોકસભાની ચૂંટણી સમયે અમુક નેતાઓએ તેમને સહકાર નહોતો આપ્યો તેવી ફરિયાદ પણ તેમણે અગાઉ કરી હતી. ગાંધીએ લોકસભાની ચૂંટણીની હારની જવાબદારી લઈ અધ્યક્ષપદેથી રાજીનામું આપ્યું હતું. તે બાદ તેમણે ચૂંટણી પ્રક્રિયાઓમાં ભાગ લેવાનું લગભગ બંધ કરી દીધું હતું. મહારાષ્ટ્ર અને હરિયાણાની ચૂંટણી દરમિયાન તેમની કોઈ ભૂમિકા સામે આવી ન હતી.

કોંગ્રેસે લગભગ ૪૦ પ્રચારકની યાદી જાહેર કરી હતી. જેમાં અભિનેતા શત્રુઘ્ન સિન્હા, રાજસ્થાન અને મધ્ય પ્રદેશના યુવાનેતા અનુક્રમે સચિન પાયલટ અને જયોતિરાદિત્ય સિંધિયા, અભિનેત્રી નગ્મા મોરારજીના નામ સામેલ છે. આ યાદીમાં મહારાષ્ટ્રના નેતાઓ છે, પરંતુ મુંબઈના ભૂતપૂર્વ સાંસદ મિલિન્દ દેવરા, પ્રિયા દત્તનું નામ આ યાદીમાં નથી. મુંબઈના વધુ એક ભૂતપૂર્વ સાંસદ અને પૂર્વ મુંબઈ અધ્યક્ષ સંજય નિરુપમે તાજેતરમાં જ પ્રચાર પ્રક્રિયામાં ભાગ લેવાની ના પાડી દીધી હતી અને પક્ષ સામે નારાજગી વ્યકત કરી હતી.

કોંગ્રેસના ઘણા નેતાઓ પક્ષમાં હોવા છતાં સક્રિય રીતે ભાગ લઈ રહ્યા નથી. એનસીપીના વડા શરદ પવાર જે રીતે સક્રિયપણે કામ કરી રહ્યા છે તે જોતા કોંગ્રેસ રાજયમાં વામણી પુરવાર થઈ રહી છે. કોંગ્રેસના પક્ષાધ્યક્ષ બાળાસાહેબ થોરાત સંગમનેરના વિધાનસભાના ઉમેદવાર હોવાથી તેમની તૈયારી અને જનસંપર્કમાં વ્યસ્ત છે. આ સાથે કોંગ્રેસના આગલી હરોળના નેતાઓ પૃથ્વીરાજ ચવ્હાણ, વિજય વડ્ડેટીવાર, અશોક ચવ્હાણ પણ વિધાનસભાની ચૂંટણીમાં પોતાના મતવિસ્તારમાં વ્યસ્ત છે. કેન્દ્રીય નેતાગીરી લથડિયા ખાતી હોવાથી તેની અસર પક્ષના નેતાઓ અને કાર્યકરોમાં જોવા મળે છે. તમામને પક્ષ તરફથી દિશા અને માર્ગદર્શન તેમ જ આર્થિક મદદની કોઈ અપેક્ષા ન હોવાથી મહારાષ્ટ્ર કોંગ્રેસ પોતાના હાલ પર હોવાનું એક નેતાએ જણાવ્યું હતું.(૨૩.૬)

(10:17 am IST)