મુખ્ય સમાચાર
News of Monday, 7th October 2019

હિમાચલ-કાશ્મીરમાં હિમપાતઃ ઠંડી આવી રહી છે

બરફ પડતા મનાલી-લેહ રાજમાર્ગ ઉપર વાહન વ્યવહાર અટકી ગયોઃ શ્રીનગરમાં પણ કાતીલ ઠંડી શરૂ થઈઃ ચોમાસુ સારૂ ગયુ હોવાથી આ વખતે દેશમાં કાતિલ ઠંડી પડે તેવા એંધાણ

નવી દિલ્હી, તા. ૭ :. હિમાચલ પ્રદેશ અને કાશ્મીરના ઉંચાઈવાળા વિસ્તારોમાં બરફ પડતા ઠંડી વધી છે. લાહોલ અને કુલ્લુ જિલ્લામાં આજે હિમપાત થયો છે. બરફ પડતા રાનીનાલા અને રોહતાંગ વચ્ચે મનાલી-લેહ રાજમાર્ગ પર વાહન વ્યવહારને અસર થઈ છે. કિલ્લોંગ અને મનાલી માર્ગ પર બસ પણ અટકાવી દેવામાં આવી છે. કાશ્મીર ખીણના પહાડો પર બરફ પડતા ઠંડી વધવી શરૂ થઈ છે.

હવામાન ખાતાના જણાવ્યા પ્રમાણે સક્રીય પશ્ચિમી વિક્ષોભને કારણે કાશ્મીરમાં આવતા ૨૪ કલાકમાં દરમિયાન હળવો વરસાદ પડી શકે છે. અમરનાથ ગુફાની આસપાસ ગઈકાલે રાત્રે ભારે હિમપાત થયો છે.

બરફ પડતા ઠંડી વધી છે અને શ્રીનગરમાં લોકો હવે શ્વેટર અને જેકેટ જેવા ગરમ કપડા સાથે જોવા મળી રહ્યા છે. શ્રીનગરમાં ૮.૬ ડીગ્રી તાપમાન નોંધાયુ છે. આવતા દિવસોમાં ઠંડી વધવાની છે.

દેશમાં હવે ચોમાસાના દિવસો પુરા થઈ રહ્યા છે અને હવે ઠંડીની મોસમ શરૂ થવા જઈ રહી છે. મળતા અહેવાલો મુજબ આ વખતે દેશભરમાં સારા ચોમાના કારણે કાતીલ ઠંડી પણ પડશે.

(9:55 am IST)