મુખ્ય સમાચાર
News of Monday, 7th October 2019

સરકારી મહેમાન

ગુજરાતની વસતીનું ચોંકાવનારૂં ચિત્ર: 2021માં માત્ર 67,00,000 લોકો 60 વર્ષથી ઉપરના હશે

જરૂરિયાત છે, ઉતાવળ નથી: કેબિનેટનો વિસ્તાર નવેમ્બરમાં થાય તેવી સંભાવના : ભાજપને ચૂંટણીમાં હારનો ડર નથી કેમ કે વિપક્ષ કોંગ્રેસ દિવાલ કૂદવા તૈયાર છે : એગ્રી સમિટ કરી ઉદ્યોગોને કહો કે, ખેતીમાં રૂપિયા રોકે અને ખેડૂતોને બે પાંદડે કરે

ડિજીટલ ઇન્ડિયામાં વસતી ગણતરી માટે હવે શિક્ષકો કે સરકારી સ્ટાફ પેન, પેપર કે ફોર્મ લઇને નહીં પણ મોબાઇલ ફોન લઇને આવશે અને મોબાઇલ એપના માધ્યમથી વસતી ગણતરી કરવામાં આવશે. સેસન્સ વિભાગના એક અધિકારીએ કહ્યું હતું કે 2011 પછી હવે માર્ચ 2021માં વસતી ગણતરી થશે જેમાં દેશભરમાં 12000 કરોડનો ખર્ચ થવાની સંભાવના છે. વસતી ગણતરીમાં પહેલીવાર પાન નંબર, વોટર આઇડી કાર્ડ નંબર અને આધાર કાર્ડનો નંબર આપવાનો રહેશે. 2011માં જ્યારે વસતી ગણતરી થઇ હતી ત્યારે રાજ્યમાં ગણતરીકારોની સંખ્યા 100635 હતી અને 10064 ગણતરીકારો અનામત રાખવામાં આવ્યા હતા. ગણતરીના એ અભિયાનમાં કુલ 1.25 લાખનો સ્ટાફ રોકાયેલો હતો પરંતુ હવે આ સ્ટાફની સંખ્યા 1.50 લાખ થાય તેવી સંભાવના છે. 2011માં થયેલી ગણતરી પ્રમાણે રાજ્યમાં કુલ વસતી 6.04 કરોડ હતી. સેન્સસ અધિકારીના જણાવ્યા પ્રમાણે પોપ્યુલેશન પ્રોજક્શનના આંકડા પ્રમાણે જ્યારે વસતી ગણતરી થશે ત્યારે વસતિનું પ્રમાણ 6.72 કરોડ થવાની ઘારણા છે. 2021માં શૂન્ય થી 19 વર્ષની વસતી વધીને 2.23 કરોડ (33.2) થઇ હશે. એવી જ રીતે 20 થી 59 વર્ષની વય ધરાવતા લોકોની સંખ્યા 3.82 કરોડ (56.8 ટકા) એ પહોંચી હશે. ચોંકાવનારી બાબત એવી છે કે ગુજરાતમાં માત્ર 67 લાખ (9.9 ટકા) લોકોની વય 60 વર્ષ કે તેથી ઉપરની હશે.

રૂપાણી કેબિનેટનો વિસ્તાર થવાની સંભાવના...

ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણી તેમની કેબિનેટનો વિસ્તાર નવેમ્બરમાં કરે તેવી સંભાવના છે. ડિસેમ્બર 2017માં રૂપાણી સહિત કુલ 20 સભ્યોએ શપથ લીધા પછી કોંગ્રેસના ધારાસભ્ય કુંવરજી બાવળિયાને રાજીનામું અપાવીને રૂપાણીએ તેમને કેબિનેટ મંત્રીના શપથ લેવડાવ્યા હતા. આ તેમનું પહેલું વિસ્તરણ હતું જેમાં માત્ર એક સભ્યનો સમાવેશ કરવામાં આવ્યો હતો. મુખ્યમંત્રીએ તેમની સરકારનું બીજું વિસ્તરણ ત્યારે કર્યું હતું જ્યારે કોંગ્રેસના ધારાસભ્યો જવાહર ચાવડા અને ધર્મેન્દ્રસિંહ જાડેજાએ ભાજપમાં પ્રવેશ કર્યો હતો. આ બન્ને સભ્યો ચૂંટણી જીતી જતાં તેઓ મંત્રીપદે યથાવત રહ્યાં છે. ગયા માર્ચ મહિનામાં થયેલા વિસ્તરણ સમયે નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે કહ્યું હતું કે ભાજપની સરકારનું આ બીજું વિસ્તરણ છે. હજી જરૂર પડશે તો કેબિનેટનું વિસ્તરણ કરાશે, કેમ કે હજી ચાર નવા સભ્યોનો સમાવેશ થઇ શકે તેમ છે.” રાજભવનમાં યોજાયેલી શપથવિધિમાં નાયબ મુખ્યમંત્રીના આ વિધાનની અસર ભાજપના અસંતુષ્ટ ધારાસભ્યો પર થઇ હતી. રૂપાણી સરકારમાં હાલ તેમની સાથે કુલ 23 સભ્યો છે. હવે તેઓ વિધાનસભાની પેટા ચૂંટણી પછી કેબિનેટનું જે વિસ્તરણ કરી રહી છે તેમાં કોંગ્રેસના આયાતી સભ્યોનો ફરી એકવાર સમાવેશ થવાની સંભાવના છે. રૂપાણીએ એક સમારોહમાં કહ્યું હતું કે કેબિનેટનો વિસ્તાર કરવાની જરૂરિયાત છે પરંતુ ઉતાવળ નથી.”

ભાજપને ચૂંટણીમાં હારનો ડર રહ્યો નથી...

ગુજરાતમાં ભાજપને કોઇપણ ચૂંટણીમાં હારનો ડર રહ્યો નથી. ભાજપ ડરતી નથી પણ ડરાવે છે તેવું કોંગ્રેસના એક આગેવાને ટીખળ કરતાં કહ્યું હતું. તેમની વાત પણ સાચી છે. ભાજપના રાષ્ટ્રીય નેતા અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહનો કોંગ્રેસને ડર લાગે છે. ભાજપના એક સંનિષ્ઠ નેતાએ કહ્યું હતું કે-- પાર્ટીની રાષ્ટ્રીય નેતાગીરીએ એવી સૂચના આપી છે કે ચૂંટણી લડો પણ હારથી ડરશો નહીં. અગર આપણો ઉમેદવાર હારી જશે તો જીતેલા ઉમેદવારને આપણો બનાવી દેતાં વાર નહીં લાગે. છે. ભારતનું રાજકારણ બદલાયું છે જેની શરૂઆત ગુજરાતથી થઇ છે. કોંગ્રેસના ચૂંટણી જીતેલા ઉમેદવારોને રાજીનામું અપાવીને ભાજપમાં સુપ્રીમ પદ આપવાનો સિલસિલો શરૂ થયો છે. 2017ની વિધાનસભામાં ઓછી બેઠકો મળવાથી ભાજપને ગુસ્સો આવે છે તેથી પાર્ટીના સિનિયર નેતાઓએ કોંગ્રેસના ધારાસભ્યોને રાજીનામાં અપાવીને ભાજપમાં પ્રવેશ કરાવ્યો છે. રાજ્યમાં પેટા ચૂંટણીની છ બેઠકો જો ભાજપ જીતી જશે તો ભાજપની વિધાનસભામાં સભ્યસંખ્યા વધીને 106 થશે. કોંગ્રેસનું નેટવર્ક પણ કમાલનું છે. પાર્ટીના સિનિયર લિડરો તેમના ધારાસભ્યોને બચાવવા કરતાં તેઓ ભાજપમાં જતા રહે તેવું ઇચ્છતા હોય તેવો વ્યવહાર કરી રહ્યાં છે જે પાર્ટી માટે ખતરાની ઘંટી છે.

બાબા રામદેવનો બેન્ક ટેક્સ ક્યાં ગયો? ...

લોકસભાની ચૂંટણી વખતે યોગગુરૂ બાબા રામદેવ તેમજ ભાજપના સિનિયર નેતા યશવંતસિંહા ઉછળી ઉછળીને કહેતા હતા કે ભારતમાંથી ઇન્કમટેક્સ, સર્વિસ ટેક્સ અને એક્સાઇઝ ટેક્સ જેવા તમામ કર નાબૂદ કરીને માત્ર એક જ બેન્કીંગ ટ્રાન્ઝેકશન ટેક્સ- BTT લેવો જોઇએ. એ સમયે ચૂંટણી હોવાથી ભાજપના ટોચના નેતાઓએ આવા સૂચનને સ્વિકાર્યું હતું પરંતુ સત્તા હાથમાં આવતા જ ટેક્સ ઘટાડવાની જગ્યાએ વધારવામાં આવી રહ્યા છે. નોટબંધી અને જીએસટીના કારણે વેપારી વર્ગની કમર તૂટી ગઇ છે. બેન્કોની લોનના હપ્તા અને સરકારી ટેક્સ ચૂકવીને લોકો કંગાળ થતાં જાય છે. મોદી હૈ તો મૂમકીન હૈ તેવું જાહેરમાં કહેતા બાબા રામદેવ હવે સરકારને બેન્ક ટ્રાન્ઝક્શન ટેક્સ યાદ કરાવતા નથી. લોકોને અંધારી રાત્રે લાઇટ બતાવીને વીજળીનો પ્લગ ખેંચી લેવો તેનું નામ રાજનીતિ છે. રાજકીય નેતાઓ ક્યારે શું બોલે અને ક્યારે શું કરે તે કંઇ કહેવાય નહીં. બાબા રામદેવનું પણ એવું જ છે. કોંગ્રેસને ચૂંટણી સમયે બદનામ કર્યા પછી હવે તેમની બોલતી બંધ થઇ ગઇ છે. અન્ના હજારેનું એ આંદોલન કોંગ્રેસને તોડવાનું હતું અને ભાજપને લાવવાનું હતું તે સિદ્ધ થયું છે.

જે પાર્ટીની સરકાર હોય તે પાર્ટી માટે વંદન...

ગુજરાતમાં જે પાર્ટીની સરકાર હોય તે પાર્ટીની ભક્તિ કરવા સૌ કોઇ લાગી જાય છે. સરકારી ઓફિસરો અને કર્મચારીઓને રાજકીય પાર્ટી સાથે કોઇ લેવાદેવા હોતી નથી છતાં પાર્ટી માટે કામ કરવું પડે છે. જો કામ ના કરે તો તેના સીઆર ખરાબ થાય છે. ચાલુ નોકરીએ ટેન્શન વધે છે અને પછી તે ઓફિસરને દવાના ડોઝ લેવા પડે છે. કોંગ્રેસની સરકાર વખતે ઓફિસરો પાર્ટીમય બની ચૂક્યા હતા. આ જ ઓફિસરો 18 વર્ષથી મોદીમય અને ભાજપમય બની ચૂક્યાં છે. જો કે એક બાબતનો ફર્ક છે કે રાજ્યના ઓફિસરો અને કર્મચારીઓએ જેટલું કામ નરેન્દ્ર મોદી માટે કર્યું છે તેટલું કામ વિજય રૂપાણી માટે થયું નથી. એક સિનિયર ઓફિસરે કહ્યું હતું કે-- વર્ષોથી ચાલતી આવતી આ પરંપરામાં હવે હદ થાય છે. સરકારમાં કેટલાક ઓફિસરો ભક્તિના સિમાડા વટાવી ચૂક્યા છે અને સરકારી નોકરીની મર્યાદા સાથે નિતી-નિયમોને ભૂલી રહ્યાં છે. ખોટા કામોને પણ સાચા કરાવવાની આવડતવાળા નેતાઓ સાથે ભળીને ભાજપની ભક્તિમાં લિન્ન બન્યાં છે. મોદીના શાસન સમયે સચિવાલયમાં આવવાનો સમય નિશ્ચિત હતો પરંતુ જવાનો સમય નક્કી ન હતો. ગંભીરતા તો એવી છે કે ચૂંટણી સમયે કેટલાક કર્મચારીઓ એજન્ડા સાથે ડ્યુટી પર હોય છે.

લોકોના દિલમાં ઉતરો તો શાસન મળશે...

ગુજરાતની જનતા કોંગ્રેસ પ્રત્યે આટલી નફરત કેમ કરે છે એવો પ્રશ્ન પાર્ટીના સિનિયર લિડરોને થાય છે પણ તેનો હલ મળતો નથી. ભાજપની હવે પછીની સરકારો એવું માને છે કે પાર્ટીની સરકાર હકીકતમાં 2001 પછી આવી છે. વાત જ્યારે વિકાસની આવે છે ત્યારે અગાઉની ભાજપની સરકારોની ગણતરી થતી નથી. રાજ્યમાં 2001 થી 2019ના 18 વર્ષ દરમ્યાન નરેન્દ્ર મોદી, આનંદીબહેન પટેલ અને વિજય રૂપાણીએ ગુજરાતની શાસનધુરા સંભાળી છે. આટલા બઘાં વર્ષો શાસન કેમ રહ્યું છે તેવા પ્રશ્નનો સીધો જવાબ છે કે ગુજરાતના લોકોને મોદી ગમે છે. મોદીનું શાસન પસંદ છે. ભાજપના શાસન સામે વિરોધ નથી. પાર્ટીના નેતાઓને લોકોની સહાનુભૂતી છે. રહી વાત કોંગ્રેસની તો, પાર્ટીમાં લોકપ્રિય લિડરો રહ્યાં નથી. આખા ગુજરાતની 6.25 કરોડની જનતાના દિલમાં વસી જાય તેવો એકપણ લિડર કોંગ્રેસને આટલા વર્ષોમાં મળ્યો નથી. મૂળભૂત રીતે કોંગ્રેસમાં જોડાયેલા અને મૃત્યુ પર્યંત પાર્ટીને વફાદાર રહેવા માગતા એક સિનિયર ઓફિસ કાર્યકર્તાએ કહ્યું હતું કેઅમારી પાર્ટીના નેતાઓએ રાજ્યમાં  લોકોનો પ્રેમ અને વિશ્વાસ સંપાદન કરવાની જરૂર છે. પાર્ટીને નરેન્દ્ર મોદી જેવા તેજાબી વક્તાની જરૂર છે. શાસન કરવા નહીં મળે તો ચાલશે પરંતુ પાર્ટી અસરકારક વિપક્ષની ભૂમિકા ભજવી શકે સ્ટેટેજી જોઇએ છે. હું પાર્ટીના પ્રદેશ નેતાઓને કહેવા માગું છું કે, લોકોના દિલમાં ઉતરવાથી શાસન મળશે, મોદીને ભાંડવાથી શાસન તો શું વિપક્ષની ખુરશી પણ નહીં મળે.

રૂપાણીને કહો, હવે વાયબ્રન્ટ એગ્રી સમિટ કરે...

ગુજરાત સરકારે નવ-નવ વાયબ્રન્ટ ઇન્વેસ્ટર્સ સમિટ થકી ઉદ્યોગોના વાવેતર કરી દીધાં છે. સરકારે વીજળીના વાવેતર પણ બહું કર્યા છે. ઉદ્યોગો માટે આપવાની થતી હતી એટલી જમીન આપી દીધી છે. જેટલા પાવરપ્લાન્ટ ઉભા કરવાના થતા હતા તે કરી દીધા છે, હવે બાકી બચેલી કઇ જમીનમાં શું વાવવાનું છે અને તેમાં સરકાર શું સહાય આપશે તે વિચારવાનો સમય આવી ગયો છે. ખેડૂતોના પાક નિષ્ફળ ન જાય તે માટે તેમજ એગ્રીકલ્ચરમાં મૂડીરોકાણ વધે તે હેતુથી વાયબ્રન્ટ એગ્રીકલ્ચર સમિટ ઉપર ભાર મૂકવો પડશે. એગ્રી વાયબ્રન્ટ એટલે માત્ર એગ્રીટેક એક્ઝિબિશન જ નહીં, ખેડૂતોના ખેતરમાં રૂપિયા રોકાવાના આમંત્રણ આપવા પડશે, જો તેમ થશે તો રાજ્યમાં ખેડૂતોના આપધાતના બનાવો ઘટશે. મોદીએ તેમના શાસનની છેલ્લી વાયબ્રન્ટ સમિટમાં એવી જાહેરાત કરી હતી કે રાજ્યમાં બે વર્ષે એકવાર ઉદ્યોગો માટે વાયબ્રન્ટ સમિટ થાય છે પરંતુ હવે બે વર્ષે એકવાર વાયબ્રન્ટ એગ્રી સમિટ કરાશે. મોદીએ ઉદ્યોગો માટેની સમિટ પછી એગ્રી સમિટ કરી પણ ખરી પરંતુ છેલ્લા ચાર વર્ષથી સરકાર વાયબ્રન્ટ એગ્રીકલ્ચર સમિટ ભૂલી ગઇ છે. મોદીએ જાહેર કરેલી વાયબ્રન્ટ એગ્રીકલ્ચર સમિટ દર બે વર્ષે એકવાર થશે ત્યારે રાજ્યના ખેડૂતોને રૂપિયા કમાવવાની સાચી દિશા મળશે. કહેવાય છે કે, ખેડૂત અને ઉદ્યોગપતિઓ સાથે મળી જાય તો રાજ્યનો વિકાસ કોઇ પરિબળ રોકી શકે નહીં.

સરકારી મહેમાન

આલેખન

ગૌતમ પુરોહિત

gpurohit09@gmail.com

 

(8:25 am IST)