મુખ્ય સમાચાર
News of Monday, 7th October 2019

ચીનની કોઇ પણ યુનિવર્સિટી સાથે કરાર કે એમઓયુ કરતા પહેલા મંજૂરી લેવી પડશે

ચીની ભાષાનું કેન્દ્ર ખોલતા પહેલા વિદેશ મંત્રાલય અને ગૃહ મંત્રાલયની મંજૂરી લેવી જરૂરી

નવી દિલ્હી : કેન્દ્રીય માનવ સંસાધન વિકાસ મંત્રાલયે સ્પષ્ટતા કરી છે કે દેશની શૈક્ષણિક સંસ્થાઓએ ચીનની કોઇ પણ યુનિવર્સિટી સાથે કરાર અથવા એમઓયુ કરવા તથા ચીની ભાષાનું કેન્દ્ર ખોલતા પહેલા વિદેશ મંત્રાલય અને ગૃહ મંત્રાલયની મંજૂરી લેવી જરૂરી છે.

    યુજીસીના સચિવ પ્રોફેસર રજનીશ જૈનએ તમામ યુનિવર્સિટીઓના કુલપતિઓને પત્ર લખીને આ વાતની જાણકારી આપી છે. એક અધિકારીએ જણાવ્યું કે જ્યાં સુધી યુનિવર્સિટીઓને મંજૂરી પ્રાપ્ત ન થાય ત્યાં સુધી એમઓયુ અંતર્ગત કોઇ પણ પ્રવૃતિ ન કરી શકે. આ આદેશમાં ખાનગી યુનિવર્સિટીઓ અને એકેડેમિક ઇન્સ્ટીટ્યુટ પણ સામેલ છે.

   અત્રે ઉલેલ્ખનીય છે કે 2006 માં, ભારત અને ચીન વચ્ચે શિક્ષક વિનિમય કાર્યક્રમ અંગે કરાર થયો હતો. આ વિષય પર બંને પાડોશી દેશોએ શિક્ષણના ક્ષેત્રમાં સહકાર વધારવાના કરાર પર હસ્તાક્ષર કર્યા હતા. આ કાર્યક્રમ અંતર્ગત સરકારી શિષ્યવૃત્તિ ઉપરાંત સંસ્થાઓ વચ્ચે વ્યાવસાયિક શિક્ષણ ક્ષેત્રે બંને દેશો વચ્ચે જોડાણ કરવાની જોગવાઈ હતી. જ્યારે, વર્ષ 2015 માં પણ બંને દેશો વચ્ચે વિસ્તૃત શિક્ષણ કાર્યક્રમ કરાર થયો હતો, જે વ્યવસાયિક શિક્ષણથી સંબંધિત હતો. ભારતમાં હિન્દી શીખવા માટે ચીની વિદ્યાર્થીઓને શિષ્યવૃત્તિ આપવાનું પણ કહેવામાં આવ્યું હતું.

(12:00 am IST)