મુખ્ય સમાચાર
News of Monday, 7th October 2019

રાફેલની મિસાઇલો દુશ્મનને ભયભીત કરી દેવામાં સક્ષમ

મિટિયોર અને સ્કાલ્પ મિસાઇલો ખુબ ઘાતક : દુશ્મનોને ઘરમાં ઘુસી ફૂંકી મારવામાં સક્ષમ રહેશે : રિપોર્ટ

નવીદિલ્હી,તા.૬  :  ભારતને રાફેલ જેટ મળતા પહેલા યુરોપની મિસાઇલ કંપની એમબીડીએનું કહેવું છે કે, મિટિયોર અને સકાલ્પ મિસાઇલોના પરિણામ સ્વરુપે આ વિમાન ખુબ જ ઘાતક બની જશે. રાફેલમાં તૈનાત આ મિસાઇલોના પરિણામે ભારતની પાસે લાંબા અંતર સુધી પ્રહાર કરી શકે તેવી ક્ષમતાની મિસાઇલો થઇ જશે. આનાથી ભારત એશિયન ક્ષેત્રમાં મજબૂત હવાઈ તાકાત તરીકે ઉભરી આવશે. ભારતને ૫૯૦૦૦ કરોડ રૂપિયાની ૩૬ રાફેલ જેટ વિમાનો મળનાર છે જેમાં મિસાઇલો પણ તૈનાત રહેશે. હવાથી હવામાં પ્રહાર કરવાની ક્ષમતા ધરાવતી આ મિસાઇલો ખુબ જ ઘાતક રહેલી છે. બંને મિસાઇલો રાફેલ જેટની ક્ષમતાને વધારશે. એમબીડીએના ઇન્ડિયા વડાનું કહેવું છે કે, ભારતને રાફેલ વિમાન મારફતે નવી ક્ષમતા મળે જે હજુ સુધી તેની પાસે ન હતી. સકાલ્પ અને મિટિયોર મિસાઇલો ભારતીય હવાઇ દળ માટે ગેમચેન્જર સાબિત થશે.

         સુત્રોના કહેવા મુજબ તેઓ ફ્રાંસીસી એરફોર્સના બેઝ પરથી ઉંડાણ ભરશે. સંરક્ષણમંત્રી સાતમી ઓક્ટોબરના દિવસે ત્રણ દિવસની પેરિસ યાત્રા પર રવાના થશે. આવતીકાલે પેરિસ જવા રવાના થયા બાદ આઠમી ઓક્ટોબરના દિવસે ભારતીય વાયુસેનાના સ્થાપના દિવસે ભારતને પ્રથમ રાફેલ વિમાન સોંપવામાં આવનાર છે. શસ્ત્રપૂજા પણ દશેરાના દિવસે પેરિસમાં યોજવામાં આવશે. વર્ષ ૨૦૧૬માં ફ્રાંસની સાથે ૫૮૦૦૦ કરોડ રૂપિયામાં ૩૬ યુદ્ધવિમાન ખરીદવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો.  ફ્રાંસ પાસેથી કુલ ૩૬ રાફેલ યુદ્ધ વિમાન મળનાર છે. સુત્રોના કહેવા મુજબ રાજનાથસિંહ રાફેલ વિમાનમાં ઉંડાણ ભરીને ચકાસણી કરનાર છે. રાફેલની મિટિયોર અને સ્કાલ્પ મિસાઇલો દુશ્મનને ભયભીત કરશે અને દુશ્મનના અડ્ડાઓમાં ત્રાટકવામાં સફળ રહેશે. રાજનાથસિંહ પેરિસ પહોંચી રહ્યા છે જ્યાં તેઓ રાફેલ વિમાન મેળવશે.

(12:00 am IST)