મુખ્ય સમાચાર
News of Monday, 8th August 2022

આ વર્ષે નવરાત્રિમાં સિન્ગિંગ ક્વીન કિંજલ દવે મુંબઈમાં 'રંગરાત્રિ - દાંડિયા નાઇટ્સ'માં ધમાલ મચાવશે

બાવીસ વર્ષની કિંજલ દવેએ સાત વર્ષની હતી ત્યારથી ગાવાનું શરૂ કરેલું : અત્યાર સુધીમાં દેશ-વિદેશમાં અઢળક શો કરી ચૂકી

મુંબઈ તા.07 : નાની ઉંમરે મોટી ખ્યાતિ હાંસલ કરનારી ગુજરાતી સિંગર કિંજલ દવે હવે આ નવરાત્રિએ મુંબઈમાં ધૂમ મચાવશે. ક્વીન કિંજલ દવે આ વર્ષે પહેલી વખત મુંબઈમાં સંસદસભ્ય સુનીલ રાણે દ્વારા આયોજિત 'રંગરાત્રિ - દાંડિયા નાઇટ્સ'માં કિંજલ દવે અને તેની ટીમ ધમાલ મચાવવાની છે. બાવીસ વર્ષની કિંજલ દવેએ સાત વર્ષની હતી ત્યારથી ગાવાનું શરૂ કર્યું હતું. તે અત્યાર સુધીમાં દેશ-વિદેશમાં અઢળક શો કરી ચૂકી છે.

૨૦૧૬માં આવેલું કિંજલનું 'ચાર ચાર બંગડીવાળી ગાડી લઈ દઉં' મોસ્ટ પૉપ્યુલર ટ્રૅક રહ્યું છે. આ સિવાય 'કનૈયા', 'જોનડિયો', 'લહેરી લાલા', 'મૌજ મા', 'જય આદ્યાશક્તિ' આરતી જેવાં ફેમસ ગીતો છે. ગુરુવારે સાંજે સાડાપાંચ વાગ્યે કાંદિવલી-વેસ્ટના હરિયાણા ભવનમાં પ્રેસ-કૉન્ફરન્સ હતી જેમાં રંગરાત્રિ - દાંડિયા નાઇટ્સની જાહેરાત કરાઈ હતી. એમાં કિંજલ દવેની સાથે ટીવીફેમ હેલી શાહ, ચાંદની શર્મા અને જય સોનીએ પણ હાજરી આપી હતી.
સુનીલ રાણેએ 'મિડ-ડે'ને કહ્યું હતું કે 'રંગરાત્રિ માટે બોરીવલીના ત્રણ-ચાર સિંગર્સનાં નામ ચાલી રહ્યાં હતાં ત્યારે અમારી ટીમના મોટા ભાગના મેમ્બર્સે કિંજલ દવેનું નામ આપ્યું હતું. એટલે મારા એક મિત્રને મેં ગુજરાત મોકલ્યો હતો. તેણે પણ આવીને કિંજલનાં ભજનો શરૂ કરી દીધાં અને કહ્યું કે આપણે કિંજલ દવેને જ બોલાવીશું. અમે બધા જ નિયમોના પાલનની સાથે નવરાત્રિની ઉજવણી દશેરા સુધી કરીશું. રંગરાત્રિ - દાંડિયા નાઇટ્સના પાસના કેટલા રૂપિયા હશે અને ક્યાંથી મળશે વગેરે માહિતી આવનારા દિવસોમાં દુર્ગા સમિતિના કાર્યકરો આપશે. હું લોકોને રંગરાત્રિમાં પધારવાનું નિમંત્રણ આપું છું.'
અત્યાર સુધીમાં હું ૪૦૦૦ જેટલા શો કરી ચૂકી છું એમ જણાવીને કિંજલ દવેએ 'મિડ-ડે'ને કહ્યું હતું કે 'નવરાત્રિ એ અંબે માની આરાધના કરીને માની ભક્તિ સાથે દાંડિયારાસ રમવાનો ઉત્સવ છે. ગુજરાત અને યુએસએમાં મેં ઘણા કાર્યક્રમો કર્યા છે. છેલ્લાં પાંચ વર્ષથી હું અમદાવાદમાં નવરાત્રિ કરતી હતી. આ વર્ષે પહેલી વખત મુંબઈમાં નવરાત્રિ કરવા જઈ રહી છું. આ મારું સપનું હતું અને હવે એ સાકાર થવા જઈ રહ્યું છું. આ માટે હું ખૂબ જ ઉત્સાહિત છું. મુંબઈગરાઓને આ વર્ષે કંઈ નવું હટકે આપવા માટે હું અને મારી ટીમ સતત કોશિશ કરી રહ્યાં છીએ. અમે ઘણુંબધું નવું કરવાના છીએ, જે માટેના અમારા પ્રયાસ ચાલુ છે. હું મુંબઈગરાઓને રંગરાત્રિમાં પધારવાનું નિમંત્રણ આપું છું. આપણે સાથે મળીને માની આરાધના કરીશું અને દાંડિયાની ધૂમ મચાવીશું.'

 

(11:51 pm IST)