મુખ્ય સમાચાર
News of Sunday, 7th August 2022

ડેવલપર અવિનાશ ભોસલેનો ૧૨ એકરનો પ્લોટ બે અલગ-અલગ બિલ્ડરોને રૂ. ૯૦૦ કરોડથી વધુમાં વેચાયો

હોટલ માટે આરક્ષિત રખાયેલો પ્લોટ રહેણાંકમાં પરિવર્તિત થતા સિડકો સામે આંગળી ચીંધાઈ

મુંબઈ તા.07 : યેસ બેન્ક-DHFL બેન્ક છેતરપિંડી કેસની તપાસ કરતી CBIને પુણે સ્થિત રિક્ષાચાલકમાંથી મોટો બિલ્ડર બનેલા અવિનાશ ભોસલે વિશે અનેક ચોંકાવનારી માહિતી મળી છે. ત્યારે હવે નવી મુંબઈના પામ બીચ રોડ પર ડેવલપર અવિનાશ ભોસલેની માલિકીનો ૧૨ એકરનો મોકાના સ્થળે રહેલો પ્લોટ બે અલગ-અલગ બિલ્ડરોને રૂ. ૯૦૦ કરોડથી વધુમાં વેચવામાં આવ્યો છે.

અડધો પ્લોટ ભોસલે દ્વારા દાયકા અગાઉ ધીરજ ગુ્રપને વેંચવામાં આવ્યો હતો, કેદમાં રહેલા પુણે સ્થિત બિલ્ડરે બાકીના છ એકર પોતાની પાસે રાખ્યા હતા. તાજેતરમાં ભોસલેએ આ હિસ્સો સ્થાનિક ડેવલપર, ડેલ્ટા (બાલાજી ગ્રૂપ)ના નિતિન પટેલને રૂ. ૪૭૦ કરોડમાં વેંચ્યો હતો. પટેલે આ સોદો કેટલાક મહિના અગાઉ જ પાકો કર્યો હતો. કેટલાક અહેવાલ મુજબ આ સોદો રૂ. ૫૫૦ કરોડમાં થયો હતો, પણ પટેલે આ ખબર નકારીને જણાવ્યું કે વેચાણ દસ્તાવેજો મુજબ રૂ. ૪૭૦ કરોડમાં આ સોદો થયો હતો.

જમીનનો બીજો હિસ્સો જે ભોસલે દ્વારા ધીરજ ગ્રૂપને વેંચવામાં આવ્યો હતો, તેને તાજેતરમાં ધીરજ ગુ્રપે સ્થાનિક ડેવલપર ગામી કંસ્ટ્રકશનને રૂ. ૪૫૦ કરોડમાં વેંચી નાખ્યો હોવાનું કહેવાય છે.

જુલાઈ ૨૦૦૮માં સિડકો દ્વારા લિલામ થયેલો સીવૂડ્સ સામેનો ૧૨ એકરનો પ્લોટ ભોસલેની મેટ્રોપોલિસ હોટલે રૂ. ૨૮૨ કરોડ ઓફર કરીને બિડ જીતી લીધી હતી ત્યારથી વિવાદમાં સપડાયો છે. પ્લોટ નવી મુંબઈમાં બની રહેલા એરપોર્ટ નજીક હોવાથી તેના પર માત્ર હોટલ બાંધવા માટે જ તેનું લિલામ થયું હતું.

જો કે માત્ર બે વર્ષ બાદ ૨૦૧૦માં જ સિડકોએ ભોસલેને પામ બીચ રોડમાં મોકાના સ્થળે રહેલા આ પ્લોટનો બીજો ભાગ રહેણાંક ઝોનમાં ફેરવી નાખવાની મંજૂરી આપી હતી. ભોસલેએ તુરંત આ છ એકરનો હિસ્સો ધીરજ ગુ્રપને ૧૦૦ ટકા નફા સાથે રૂા. ૨૭૫ કરોડમાં વેંચી નાખતા સિડકોના નિર્ણય સામે સવાલો ઉઠયા હતા. માત્ર વૈભવી હોટલ માટે અનામત રખાયેલો પ્લોટ કેવી રીતે બિડ ખોલવાના બે વર્ષમાં જ આંશિક રીતે રહેણાંકમાં ફેરવાઈ શકે તેની સામે શંકા ઉઠી હતી.

સિડકો ટેન્ડરમાં વપરાશકાર અને નિયમો અને શરતોમાં ફેરફાર બાબતે કથિત અનિયમિતતા વિશે ફરિયાદો થતા રાજ્યના શહેરી વિકાસ વિભાગે તપાસનો આદેશ આપ્યો. સિડકોના તત્કાલીન એમડીએ ત્યારે મેટ્રોપોલિસ હોટલ્સને કારણ દર્શાવો નોટિસ મોકલી. ૨૦૧૧માં સિડકોએ લીઝ ડીડ રદ કરી. આ કેસ ત્યાર બાદ હાઈ કોર્ટમાં પહોંચ્યો જેણે સિડકોનો રદ બાતલનો આદેશ ફગાવી દીધો. કોર્ટે ચુકાદો આપ્યો કે સિડકો ઉલ્લંઘન સાબિત કરવામાં નિષ્ફળ નિવડયું છે. સિડકોએ ત્યાર બાદ સુપ્રીમ કોર્ટમાં અપીલ કરતા જણાવ્યું કે હાઈ કોર્ટે ઉલ્લંઘનની અવગણના કરી છે. સુપ્રીમ કોર્ટે પણ ઉલ્લંઘન ન થયા હોવાનું જણાવીને ૨૯ નવેમ્બર, ૨૦૨૧માં અપીલ ફગાવી દીધી.

આ આદેશ બાદ તુરંત ભોસલેએ છ એકરનો હિસ્સો ડેલ્ટાને વેંચી દીધો જે અહીં વૈભવી રહેણાંક સંકુલ બનાવવા માગે છે. જમીન મોકાના સ્થળે છે અને સિડકોની નવી પોલીસી મુજબ હોટલ પ્લોટ રહેણાંકમાં પરિવર્તિત કરાયો છે. સીવૂડ્સમાં ફ્લેટોની માગણી સારા પ્રમાણમાં છે એવી જાણકારી સ્થાનિક રિયલ એસ્ટેટ ડીલરોએ આપી છે.

 

(10:45 pm IST)