મુખ્ય સમાચાર
News of Sunday, 7th August 2022

રશિયા અને યૂક્રેનનું એકબીજા પર દોષારોપણ : યૂક્રેનના ઝેપોરીજિયા પરમાણુ પાવર પ્લાન્ટની લાઇન પર બોમ્બ ઝીંકાતાં ચિંતાના વાદળો છવાયા

નિકાસ થયેલા અનાજનો જથ્થો લઇ યૂક્રેનથી વધુ ત્રણ જહાજ રવાના : વર્ષ 2022-23માં યૂક્રન તરફથી થતી રહેતી અનાજ નિકાસમાં 48.6 ટકાની ઘટ પડી

નવી દિલ્લી તા.07 : રશિયા અને યુક્રેન વચ્ચેના યુદ્ધને 160થી વધુ દિવસ થઈ ચૂક્યા છે. યુદ્ધને અટકવાને બદલે દિવસો વધી રહ્યા છે. યૂક્રેનના દોનબાસના નિર્ણાયક સરહદી પ્રદેશમાં યૂક્રેન અને રશિયા વચ્ચે ફરી ભીષણ લડાઇ ચાલી રહી છે. તે વચ્ચે યુરોપના સૌથી મોટા ઝેપોરીજિયા પરમાણુ પાવર પ્લાન્ટની પાવર લાઇન પર બોમ્બ ઝીંકાતાં ચિંતાના વાદળો છવાયા છે.

શુક્રવારે થયેલા બોમ્બમારામાં બનેલી આ ઘટના માટે રશિયા અને યૂક્રેન બંને એકબીજા પર દોષારોપણ કરી રહ્યા છે. યુક્રેનનો આ પરમાણુ પ્લાન્ટ હાલ રશિયન કબજા હેઠળ છે અને યૂક્રેનના કર્મચારીઓની મદદથી જ કાર્યરત છે. પાવર લાઇન પર બોમ્બ પડતાં પ્લાન્ટ સંચાલકોને રિએક્ટર સાથેનું જોડાણ કાપી નાખવાની ફરજ પડી હતી. જોકે કિરણોત્સર્ગ જેવી કોઇ ઘટના નોંધાઇ નથી. રશિયાના સંરક્ષણ મંત્રાલયે આ ઘટના માટે યૂક્રેનના દળોને જવાબદાર ઠેરવતાં જણાવ્યું હતું કે સદનસીબે કિરણોત્સર્ગ જેવી દુર્ઘટના નથી સર્જાઇ. સામે પક્ષે યૂક્રેનની રાજ્ય સંચાલિત પરમાણુ પાવર કંપનીએ બોમ્બમારામાં ઝેપોરીજિયા પરમાણુ પાવર પ્લાન્ટને નુકસાન પહોંચ્યા બદલ રશિયા જવાબદાર હોવાના આક્ષેપ કર્યા છે. કંપનીએ આક્ષેપ કર્યા છે કે રશિયાએ પરમાણુ સુરક્ષાના નિયમોનો ભંગ કર્યો છે.

તે અરસામાં બ્રિટનના સૈન્ય જાસૂસી તંત્રના જણાવ્યા મુજબ યૂક્રેનમાં યુદ્ધ તેની ચરમસીમાએ પહોંચી ગયું છે. બ્રિટિશ સંરક્ષણ મંત્રાલયે જણાવ્યું હતું કે યૂક્રેન વળતો પ્રહાર કરશે તેવી ધારણા સાથે રશિયન દળોએ દક્ષિણ યૂક્રેનના પ્રદેશોમાં જમાવટ શરૂ કરી દીધી છે. યુદ્ધ નવા તબક્કામાં પ્રવેશી ચૂક્યું છે.

યૂક્રેનના કૃષિ મંત્રાલયે જણાવ્યું છે કે વર્ષ 2022-23માં યૂક્રન તરફથી થતી રહેતી અનાજ નિકાસમાં 48.6 ટકાની ઘટ પડી છે. આ વર્ષે 12.3 લાખ ટન અનાજની જ નિકાસ થઇ શકી છે. રશિયાએ યૂક્રેન પર હુમલો કર્યા પછી પહેલી જ વાર તુર્કીનું જહાજ અનાજ લેવા કાળા સમુદ્રના ચોર્નોમોર્સ્ક બંદરગાહે આવી પહોંચશે. તે દરમિયાન યૂક્રેનના વધુ ત્રણ જહાજ નિકાસ થયેલા અનાજના જથ્થા સાથે રવાના થઇ ચૂક્યા છે.

 

(10:41 pm IST)