મુખ્ય સમાચાર
News of Friday, 7th August 2020

અયોધ્યા : PM મોદીએ આરતી ઉતારીને થાળીમાં કેટલા રૂપિયા મૂકયા હતા?

સનાતન પરંપરામાં આરતી બાદ દ્રવ્ય અર્પિત કરવામાં આવે છે

અયોધ્યા તા. ૭ : અયોધ્યામાં રામ મંદિર નિર્માણ માટે ભૂમિ પૂજન અને શિલાન્યાસ પહેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદી હનુમાનગઢી ગયા હતા. પીએમ મોદીએ આરતી ઉતારીને પરંપરાનું પાલન કર્યું હતું. સનાતન પરંપરામાં આરતી બાદ દ્રવ્ય અર્પિત કરવામાં આવે છે. પીએમ મોદીને આરતી બાદ આ વાતનો ખ્યાલ આવતા તેમણે તરત પોતાના ખિસ્સામાંથી રૂપિયા ૨૦૦૦ની નોટ નીકાળીને આરતીની થાળીમાં મૂકી.

રામલલાના દર્શન પહેલા હનુમાનગઢી જઈને હનુમાનજીના દર્શન કરવાની પરંપરા રહી છે. હનુમાનગઢી એટલે કે હનુમાનજીનું ઘર. આ અયોધ્યાનું સૌથી પ્રમુખ અને પ્રસિદ્ઘ હનુમાન મંદિર છે. અહીં બાળ હનુમાનની પ્રતિમા છે. ભગવાન રામના દર્શના પહેલા હનુમાનજીના દર્શનની પરંપરા છે. રામભકતોનું માનવું છે કે ભગવાન રામના દર્શન માટે હનુમાનજીની અનુમતિની જરૂર છે.

હનુમાનગઢીના દર્શન બાદ પીએમ મોદી રામજન્મભૂમિ પરિસર પહોંચ્યા હતા. અહીં તેમણે રામલલાને સાષ્ટાંગ પ્રણામ કર્યા અને ભૂમિ પૂજનમાં સામેલ થયા હતા. આ દરમિયાન પીએમ મોદી યજમાનની ભૂમિકામાં હતા.

તેઓ પરંપરા અનુસાર ચાંદીનો કુંભ કળશ લઈને આવ્યા હતા. પીએમ નરેન્દ્ર મોદીએ ભૂમિ પૂજન બાદ જન્મભૂમિથી થોડા અંતરે પારિજાતનો એક છોડ રોપ્યો હતો. આ વૃક્ષને કલ્પવૃક્ષ કહેવાય છે. આ વૃક્ષની ધાર્મિક માન્યતાઓ પણ છે.

(11:12 am IST)