મુખ્ય સમાચાર
News of Tuesday, 7th August 2018

બંગાળમાં ભારે વરસાદ બાદ અનેક મકાનો ધરાશાયીઃ લોકો જીવ બચાવવા દોડ્યાઃ કાળજુ કંપાવી દે તેવા દ્રશ્યો સર્જાયાઃ ગંધેશ્વરી નદીમાં ઘોડાપૂર આવતા સ્‍થિતિ વિકટ બની

કોલકાતાઃ બંગાળમાં ભારે વરસાદ બાદ પરિસ્‍થિતિ વિકટ બની છે અને અનેક મકાનો ધરાશાયી થયા છે. જ્યારે ગંધેશ્વરી નદીમાં ઘોડાપૂર આવતા આ પાણી ગામમાં ફરી વળ્યા છે.

બાંકુરામાં ભારે વરસાદ બાદ અનેક મકાનો ક્ષતિગ્રસ્ત થયા છે. જેના પગલે આજે બે મકાન ઘડીના છઠ્ઠાભાગમાં ધરાશાયી થઈ ગયું. 
ઘરમાં હાજર લોકોને ઘર હલવાનો અહેસાસ થતા તેઓ જીવ બચાવવા માટે ભાગ્યા હતા અને સહીસલામત બહાર નીકળ્યા હતા. પરંતુ ઘર બારથી વંચિત થયા છે. તેમનો તમામ સમાન નદીના પ્રવાહમાં વહી ગયો. જોતજોતામાં તો આખા મકાને ઘડીવારમાં જળસમાધિ લઈ લીધી. ત્યારે કાળજુ કંપાવી દે તેવા દ્રશ્યો સર્જાયા હતા. બાંકુરામાં ભારે વરસાદ બાદ ગંધેશ્વરી નદી ગાંડીતૂર બનતા તેનું પાણી અનેક જગ્યાએ ફરી વળ્યું હતું. 
ગંધેશ્વરી નદીમાં પૂર જેવી સ્થિતિ સર્જાતા તેની લપેટમાં અનેક મકાનો સહિત લોકો આવ્યા છે. હજુ પણ કેટલાંય લોકો ઘરમાં ફસાયેલા છે. લોકો જીવ બચાવવા માટે વલખા મારી રહ્યા છે. પણ કુદરતી હોનારત સામે તેઓ લાચાર બન્યા છે. 
સતીઘાટ, દોલતલા, બાઈપાસ, લખ્યાતોડા સહિતના અનેક વિસ્તારો પાણીમાં ગરકાવ થયા છે. અનેક લોકો સંપર્ક વિહોણા બન્યા છે. લોકો નદીના વહેણ સામે લાચાર બન્યા છે.

(6:54 pm IST)