મુખ્ય સમાચાર
News of Wednesday, 7th July 2021

મોદી સરકારના કેબિનેટ વિસ્તરણનું કાઉન્ટડાઉન શરૂ

સાંજે મંત્રીમંડળ વિસ્તરણમાં અનેક નવા ચહેરાઓ થશે સામેલઃ એક ડઝન નેતાઓને દિલ્હીનું તેડું

નવી દિલ્હી, તા.૭: લાંબાસમયથી જેની રાહ જોવાઇ રહી હતી તે કેન્દ્રીય પ્રધાનમંડળનું વિસ્તરણનું કાઉન્ટ ડાઉન શરૂ થઇ ગયું છે. સૂત્રોના જણાવ્યા અનુસાર સાંજે સાડા પાંચથી ૬ કલાક વચ્ચે નવા મંત્રીઓને શપથ લેવડાવવામાં આવે તેવી સંભાવના છે. વડા પ્રધાન મોદી કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અને ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે પી નડ્ડા વચ્ચે યોજાયેલી શ્રેણીબદ્ઘ બેઠકો બાદ કેબિનેટના વિસ્તરણનો ધમધમાટ વધી ગયો છે.

મંત્રી થાવરચંદ ગેહલોતની કર્ણાટકના રાજયપાલપદે વરણી અને જયોતિરાદિત્ય સિંધિયા, નારાયણ રાણે, સુશીલકુમાર મોદી, સર્બાનંદ સોનોવાલ સહિતના ભાજપ અને એનડીએના સાથીપક્ષોના નેતાઓને દિલ્હીથી મળેલા તેડાં બાદ વિસ્તરણ હાથવેંતમાં હોવાનું મનાય રહ્યું છે. આ કેબિનેટ વિસ્તરણમાં આગામી વર્ષે યોજાનારી પંજાબ અને ઉત્તરપ્રદેશ સહિતના પાંચ રાજયોની વિધાનસભાની ચૂંટણીઓ અને વર્ષ ૨૦૨૪ની લોકસભાની ચૂંટણીઓને ધ્યાનમાં રાખીને ભાજપ અને સાથી પક્ષોના નેતાઓને સ્થાન અપાય તેવી સંભાવના છે. પશ્ચિમ બંગાળને વિસ્તરણમાં વધુ પ્રતિનિધિત્વ અપાઇ શકે છે.

હાલ કેન્દ્રીય કેબિનેટમાં ૫૩ મંત્રી છે. કેબિનેટમાં મહત્ત્।મ ૮૧ મંત્રીનો સમાવેશ કરી શકાય છે. કેન્દ્રીય કેબિનેટમાં આમ ૨૮ મંત્રીપદ ખાલી પડયાં છે. સૂત્રોના જણાવ્યા અનુસાર બુધવારે સાંજે ૧૭થી ૨૨ મંત્રીઓને શપથ ગ્રહણ કરાવાય તેવી સંભાવના છે.આ સાથે ઘણા મંત્રીઓના ખાતા બદલાય અથવા તો કેટલાક મંત્રીઓને રૂખસદ આપવામાં આવે તેવી પણ ચર્ચા ચાલી રહી છે. મોદી સરકાર આ વિસ્તરણ દ્વારા એવો સંદેશ આપવા માગે છે કે મોદી સરકાર ગરીબો, ઓબીસી, દલિત અને વંચિતોની સરકાર છે. એમ માનવામાં આવી રહ્યું છે કે આ વિસ્તરણ બાદ કેન્દ્ર સરકારમાં ૨૫ ઓબીસી મંત્રી થઇ જશે. વડા પ્રધાન કેટલાક યુવા ચહેરાઓને પણ કેબિનેટમાં સામેલ કરે તેવી સંભાવના છે. સૂત્રોના જણાવ્યા અનુસાર કેબિનેટના મંત્રીઓની સરેરાશ ઉંમરમાં ઘટાડો થશે તેના પગલે નવી કેબિનેટ ભારતના ઇતિહાસની સૌથી યુવા કેબિનેટ બની રહેશે. તે ઉપરાંત પીએમ મોદી શૈક્ષણિક લાયકાતને વધુ ભાર આપી રહ્યાં હોવાથી પીએચડી, એમબીએ, અનુસ્નાતક અને પ્રોફેશનલ મંત્રીઓની સંખ્યામાં વધારો થશે.

કેબિનેટ વિસ્તરણ પહેલાં જ નીતીશ કુમારે જદયુના પાંચ સાંસદને મંત્રીપદ આપવાની માગ વહેતી કરી દીધી છે. જદયુએ માગ કરી છે કે બિહાર ફોર્મ્યુલા પ્રમાણે સાંસદોની સંખ્યા પ્રમાણે મંત્રીપદ અપાવા જોઇએ. બિહારમાં જદયુના ૧૬ સાંસદ છે જેના હિસાબે પાર્ટીને ચારથી પાંચ મંત્રીપદ અપાવા જોઇએ. બિહારમાં ભાજપના ૧૭ સાંસદની સામે પાંચને મંત્રી બનાવવામાં આવ્યા છે. જોકે પાછળથી નિતિશ કુમારે તેવર ઢીલાં કરતાં જણાવ્યું હતું કે, કેબિનેટ વિસ્તરણ મામલે વડા પ્રધાન નરેન્દ્રભાઇ મોદી જે નિર્ણય લેશે તે અમને માન્ય રહેશે.

મધ્યપ્રદેશ ભાજપના નેતા જયોતિરાદિત્ય સિંધિયા મંગળવારે ઉજ્જૈન સ્થિત મહાકાલના દર્શન માટે પહોંચ્યા હતા. તેઓ જેવા મંદિરમાંથી બહાર નીકળ્યા કે ભાજપ હાઇકમાન્ડનો ફોન આવ્યો અને દિલ્હી પહોંચવા તાકિદ કરાઇ હતી. સિંધિયા તાત્કાલિક ઇન્દોર પહોંચી ત્યાંથી દિલ્હી રવાના થયા હતા.

રામવિલાસના ભાઇ પશુપતિએ તાત્કાલિક કુર્તાની ખરીદી કરીલોજપામાં ચાલી રહેલા ઘમસાણ વચ્ચે સ્વ. રામવિલાસ પાસવાનના ભાઇ પશુપતિ પારસ મંગળવારે નવા કુર્તા ખરીદવામાં વ્યસ્ત રહ્યા હતા. મોદી કેબિનેટમાં તેમનો સમાવેશ થાય તેવી સંભાવના વચ્ચે તેમને સવાલ કરાયો હતો કે શું તમે પણ શપથ લેવાના છો? ત્યારે તેમણે જણાવ્યું હતું કે, રાઝ કો રાઝ હી રહેને દો..

કાકા પશુપતિને મંત્રીપદ અપાશે તો ચિરાગ પાસવાન કોર્ટનાં દ્વાર ખખડાવશે.

(10:38 am IST)