મુખ્ય સમાચાર
News of Wednesday, 7th July 2021

માત્ર ૧૧% લોકો જ સોશિયલ ડિસ્ટન્સિંગનું સંપૂર્ણપણે પાલન કરે છે

સરકારી સર્વેમાં સામે આવ્યા ડરાવનારા આંકડા : ૪૫ ટકા લોકોને હજી યોગ્ય રીતે માસ્ક પહેરતા જ નથી આવડતું : દેશના લોકો કોરોનાથી બચવા માટે નિયમોનું પાલન નથી કરી રહ્યા. :૨૪% લોકો માસ્કનો ઉપયોગ નથી કરતા, ૨૯% યોગ્ય રીતે પહેરે છે

નવી દિલ્હી,તા.૭: હેલ્થ મિનિસ્ટ્રીના જણાવ્યા અનુસાર, કોરોનાની બીજી લહેરનો હજી અંત નથી આવ્યો, પરંતુ લોકો કોરોનાથી બચવા માટે નિયમોનું પાલન પણ નથી કરી રહ્યા. એક ઓનલાઈન સર્વેમાં જાણવા મળ્યું છે કે, ૨૪ ટકા લોકો માસ્કનો ઉપયોગ જ નથી કરતા અને ૪૫ ટકા લોકો એવા છે જેઓ માસ્ક પહેરે તો છે પરંતુ યોગ્ય રીતે નથી પહેરતા. માત્ર ૨૯ ટકા લોકો જ એવા છે જે માસ્કને યોગ્ય રીતે પહેરે છે.

આ માહિતી અનુસાર, ૬૩ ટકા લોકો એવા છે જે સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન નથી કરતા અને ૪૫ ટકા લોકો એવા છે જે મહદ્દઅંશે પાલન કરે છે. માત્ર ૧૧ ટકા લોકો જ એવા છે જે સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન કરી રહ્યા છે. ઉલ્લેખનીય છે કે અત્યારે દેશભરમાં રસીકણની પ્રક્રિયા ચાલી રહી છે. વેકિસનેશન સેન્ટરમાં કોરોનાથી બચવા માટે યોગ્ય વર્તણૂક માત્ર ૪૪ ટકા લોકો જ કરી રહ્યા છે. ૪૮ ટકા લોકો મહદ્દઅંશે પાલન કરે છે જયારે ૬ ટકા લોકો સંપૂર્ણપણે પાલન નથી કરતા.

ટ્રાવેલિંગ દરમિયાન કોવિડ અપ્રોપિએટ બિહેવિયરનું પાલન માત્ર ૧૫ ટકા લોકો જ કરી રહ્યા છે. ૫૮ ટકા લોકો મહદ્દઅંશે તેનું પાલન કરે છે અને ૨૫ ટકા લોકો બિલકુલ પાલન નથી કરી રહ્યા. આરોગ્ય મંત્રાલય દ્વારા બજારો અને ફરાવના સ્થળો પર એકઠી થયેલી ભીડને જણાવીને કહ્યું કે, જે પ્રકારે લોકો માસ્ક વગર અને સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન કર્યા વિના મુસાફરી કરી રહ્યા છે તેના પરથી લાગી રહ્યું છે કે તેઓ વિચારી રહ્યા છે કે વાયરસનો નાશ થઈ ગયો છે. પરંતુ વાયરસ હજી પણ આપણા વચ્ચે છે. જો યોગ્ય વ્યવહાર કરવામાં નહીં આવે તો તે ફેલાશે. અત્યાર સુધી કોવિડ મેનેજમેન્ટનો જે ફાયદો થયો છે તેનો અંત આવી જશે. આપણે ફરીથી મોટા પડકારનો સામનો કરવો પડી શકે છે. અત્યારે દેશમાં ૭૩ એવા જિલ્લા છે જયાં પોઝિટિવિટી રેટ ૧૦ ટકાથી વધારે છે.

કોવેકિસનના બૂસ્ટર ડોઝ વિષે હેલ્થ મિનિસ્ટ્રીએ કહ્યું કે તે અત્યારે રિસર્ચ સ્ટેજ પર છે. ICMRના ડીજી ડોકટર ભાર્ગવે જણાવ્યું કે કોવેકિસનના ફેઝ થ્રીનો અભ્યાસ પૂરો થઈ ગયો છે અને હવે તેનું ફોલોઅપ થશે અને જોવામાં આવશે કે કેટલા દિવસ સુધી એન્ટીબોડી રહે છે.

(10:31 am IST)