મુખ્ય સમાચાર
News of Wednesday, 7th July 2021

સુરક્ષાદળોને મોટી સફળતાઃ હંદવાડામાં આતંકી અથડામણમાં હિજબુલના ટોપ કમાન્ડરનો ખાતમો

જમ્મુ અને કાશ્મીરના હંદવાડામાં આતંકીઓ અને સુરક્ષાદળો વચ્ચે અથડામણ ચાલુ

જમ્મુ, તા.૭: જમ્મુ અને કાશ્મીરના હંદવાડામાં આતંકીઓ અને સુરક્ષાદળો વચ્ચે એન્કાઉન્ટર શરૂ થઈ ગયુ છે. નોર્થ કાશ્મીરના પાજીપોરા વિસ્તારમાં આ અથડામણ ચાલુ છે. પ્રાથમિક માહિતી મુજબ એન્કાઉન્ટરમાં એક આતંકી માર્યો ગયો છે.

સુરક્ષાદળોને એક મોટી સફળતા મળી છે. કાશ્મીર ખીણમાં અનેક આતંકી ઘટનાઓમાં જેની સંડોવણી હોવાનું કહેવાતું હતું તે હિજબુલ આતંકી મેહરાઝુદ્દીન અથડામણમાં માર્યો ગયો છે. મેહરાઝુદ્દીન ઉર્ફે ઉબૈદ હિજબુલ મુજાહિદ્દીનનો સૌથી જૂનો અને ટોપ કમાન્ડર હતો.

હંદવાડા પોલીસના જણાવ્યાં મુજબ એન્કાઉન્ટર પાઝીપોરા વિસ્તારમાં ચાલુ છે અને પોલીસ, સેના તથા સીઆરપીએફ તરફથી જોઈન્ટ ઓપરેશન ચલાવવામાં આવ્યું છે. વિસ્તારને ખાલી કરાવી લેવાયો છે જેથી કરીને નાગરિકોને કોઈ પણ પ્રકારનું નુકસાન ન પહોંચે.

કાશ્મીરના આઈજી વિજયકુમારે જણાવ્યું કે મેહરાઝુદ્દીન દ્યાટીમાં આતંક ફેલાવવાના ષડયંત્રમાં અનેક દિવસોથી લાગેલો હતો. તેનો ખાતમો સુરક્ષાદળો માટે મોટી સફળતા છે. તે હિજબુલનો ટોપ કમાન્ડર હતો અને અનેક વર્ષોથી સંગઠન સાથે જોડાયેલો હતો.

(10:35 am IST)