મુખ્ય સમાચાર
News of Tuesday, 7th July 2020

ભરતસિંહની તબિયત વધુ લથડીઃ વેન્ટીલેટર ઉપર

પ્લાઝમા થેરેપી કરવામાં આવી પણ તબિયતમાં કોઈ સુધારો જોવા નથી મળ્યો : ઘેરી ચિંતાની લાગણી

રાજકોટ : કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને પૂર્વ કેન્દ્રીય મંત્રી ભરતસિંહ માધવસિંહભાઇ સોલંકીની તબિયત વધુ લથડી છે. ભરતસિંહ સોલંકીને વેન્ટિલેટર પર ખસેડવામાં આવ્યા છે. ભરતભાઈ સોલંકી ઉપર પ્લાઝમા થેરપી કરવામાં આવી. પરંતુ પ્લાઝમા થેરાપીથી ભરતસિંહ સોલંકીની તબિયતમાં કોઇ સુધારો નથી થયો. ભરતસિંહ સોલંકી હાલ ઓકિસજન સપોર્ટ ઉપર છે.

ઉલ્લેખનીય છે કે તાજેતરમાં રાજયસભાની ચૂંટણી પૂર્ણ થયા બાદ ભરતસિંહ સોલંકી કોરોનાથી સંક્રમિત થયા હતા. ૨૧ જૂને કોરોના રિપોર્ટ પોઝિટીવ આવ્યા બાદ ઓકિસજનના સહારે હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા કોંગ્રેસના કદાવર નેતા ભરતસિંહ સોલંકીને દવાઓ અસર કરી રહી નથી. આજે તેમની તબિયત વધુ લથડતાં વેન્ટિલેટર પર ખસેડાયા હતા. તેમને કોરોના અંગેના કેટલાક ઇન્જેકશન સહિત પ્લાઝમા થેરેપી પણ અપાઈ છે પણ શરીર સાથ આપી રહ્યું નથી. તેમને વડોદરાથી અમદાવાદ ખસેડવામાં આવેલ.

ભરતસિંહ સોલંકીએ ચૂંટણી દરમિયાન અન્ય ધારાસભ્યો સાથે અંબાજીમાં દર્શન કર્યા હતા.એ દરમ્યાન જ તેમનું ટેમ્પરેચર વધુ હોવાનું સામે આવ્યું હતું. જે બાદ ૨૧ જૂનના રોજ ભરતસિંહનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. આથી તેમને શરૂઆતમાં વડોદરાની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. પરંતુ તેમની તબિયત વધુ લથડતા તેમને અમદાવાદની ખાનગી (સિમ્સ) હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.

(3:06 pm IST)