મુખ્ય સમાચાર
News of Saturday, 7th July 2018

વિવિધ સ્થળોએ હજુ પણ ૨૦૦૦૦ શ્રદ્ધાળુ ફસાયા

ઘણા શ્રદ્ધાળુ અમરનાથ સાથે વૈષ્ણોદેવીના દર્શને :શ્રદ્ધાળુની સુરક્ષા અને સુવિધાની ખાતરી કરવા સંબંધિત અધિકારીઓને સૂચના આપવામાં આવી :રિપોર્ટમાં દાવો

જમ્મુ,તા. ૭ :અમરનાથ યાત્રા શાંતિપૂર્ણ માહોલમાં ચાલી રહી છે. પ્રતિકુળ સંજોગો હોવા છતાં શ્રદ્ધાળુઓનો ઉત્સાહ હજુ પણ ઓછો થયો નથી. ખરાબ હવામાનને લઈને વારંવાર અમરનાથ યાત્રા બ્રેક વચ્ચે આગળ વધી રહી છે. જમ્મુ ડિવિઝનલ કમિશનર સંજીવ વર્માએ માહિતી આપતા કહ્યું છે કે જુદા જુદા ઓળખી કાઢવામાં આવેલા સેન્ટરોમાં ૨૦ હજારથી વધુ શ્રદ્ધાળુઓ રોકાયેલા છે. તેમની આરોગ્ય સંભાળ, સેનીટેશન, પીવાના પાણીની વ્યવસ્થા, વીજ પુરવઠાને લઈને ખાતરી કરવા માટે સંબંધિત અધિકારીઓને કહેવામાં આવ્યું છે. તેમણે એમ પણ કહ્યું છે કે સર્વોચ્ચ સ્તર પર વહીવટીતંત્ર દ્વારા શ્રદ્ધાળુઓની સુરક્ષા અને આરોગ્ય તરફ ધ્યાન આપવામાં આવી રહ્યું છે. સુરક્ષા અને અન્ય વ્યવસ્થા માટે અધિકારીઓ ૨૪ કલાક કામ કરી રહ્યા છે. તેમણે ઉમેર્યું હતું કે યાત્રીઓના જોરદાર ધસારાને પહોંચી વળવા માટે પણ પગલાં લેવાઈ રહ્યા છે. વર્માએ કહ્યું હતું કે ઘણા શ્રદ્ધાળુઓ અમરનાથ યાત્રા પર આવેલા છે તે માતા વૈષ્ણોદેવી જેવા અન્ય પ્રવાસી અને ધાર્મિક ટુરીસ્ટ સ્થળ પર પણ જઈ રહ્યા છે. ટુરીઝમ ડિપાર્ટમેન્ટના ટુર પેકેજ હેઠળ આ વ્યવસ્થા કરવામાં આવી રહી છે. બીજી બાજુ પોલીસ મહાનિર્દેશક અને અન્ય પોલીસ અધિકારીઓ દ્વારા સ્થિતિ પર નજર રાખવામાં આવી રહી છે. જમ્મુ-શ્રીનગર નેશનલ હાઈવે ઉપર રામબાણ જિલ્લામાં ડિસ્ટ્રીક્ટ જનરલ ઓફ પોલીસ એસપી વૈદ્ય પહોંચી ગયા છે. જ્યાં સુરક્ષાની સમીક્ષા કરવામાં આવી રહી છે. વૈદ્યએ યાત્રી સ્થળોની મુલાકાત લઈને શ્રદ્ધાળુઓ સાથે વાતચીત કરી છે. જુદા જુદા સ્થળ પર ખરાબ હવામાનના કારણે અટવાઈ પડેલા શ્રદ્ધાળુઓ સાથે વાતચીત કરીને તેમની સુવિધાના પગલા લેવામાં આવી રહ્યા છે.

(7:28 pm IST)