મુખ્ય સમાચાર
News of Saturday, 7th July 2018

સુનંદા મૃત્યુ કેસમાં શશિ થરૂરના જામીન મંજૂર

દિલ્હીની પટિયાલા હાઉસ કોર્ટે થરૂરના રેગ્યુલર જામીન મંજૂર કર્યા

નવી દિલ્હી તા. ૭ : કોંગ્રેસના નેતા અને પૂર્વ મંત્રી શશિ થરૂરને પત્ની સુનંદા પુષ્કરના મૃત્યુના કેસમાં પટિયાલા હાઉસ કોર્ટે રેગ્યુલર જામીન આપ્યા છે. ચાર વર્ષ અગાઉ દિલ્હીની એક ફાઈવ સ્ટાર હોટેલમાં સુનંદા પુષ્કરનું મોત થયું હતું. આ કેસમાં શશિ થરૂર કોર્ટ સમક્ષ હાજર થયા હતા અને જણાવ્યું હતું કે તેમને સેશન્સ કોર્ટે ૫ જુલાઈના રોજ આગોતરા જામીન આપી દીધા છે.

એડિશનલ ચીફ મેટ્રોપોલિટન મેજિસ્ટ્રેડ સમર વિશાલે ત્યારબાદ થરૂરને સેશન્સ કોર્ટે જણાવ્યા મુજબ રૂ.એક લાખના બોન્ડ અને તેટલી જ રકમના એક જામીનદાર રજૂ કરવા નિર્દેશ કર્યો હતો અને બાદમાં વચગાળાની રાહતના આદેશને કાયમી જામીનમાં ફેરવી આપ્યો હતો.

ઉલ્લેખનીય છે કે થરૂરના પત્ની સુનંદા પુષ્કર ૧૭ જાન્યુઆરી ૨૦૧૪ના રોજ દિલ્હીની લકઝરી હોટેલમાં મૃત મળી આવ્યા હતા. થરૂર દંપત્તીનો બંગ્લામાં સમારકામ ચાલી રહ્યું હોવાથી બન્ને અહીં હોટેલમાં રોકાયા હતા. જો કે તેમની વચ્ચે ઝઘડો થયો હોવાના પણ અહેવાલ હતા અને સુનંદા પુષ્કરે થરૂરના પાક. મહિલા પત્રકાર સાથ સંબંધ હોવાનો પણ ઘટસ્ફોટ કર્યો હતો. 

કોર્ટ દ્વારા થરૂરને અન્ય દસ્તાવેજો સાથે ચાર્જશીટની કોપી આપી હતી અને આ કેસની સુનાવણી આગામી ૨૬ જુલાઈના રોજ થશે. આ ઉપરાંત સુનંદ મૃત્યુ કેસમાં ભાજપના નેતા સુબ્રમણ્યન સ્વામીએ કરેલી મદદ માટે અરજી સામે દિલ્હી પોલીસ તેમજ થરૂરના વકીલે વાંધો વ્યકત કર્યો હતો. થરૂરે જણાવ્યું હતું કે સ્વામી આ કેસમાં બહારની વ્યકિત છે અને તેઓ કેસ અંગે કંઈજ જાણતા નથી. દિલ્હી પોલીસે જણાવ્યું હતું કે સ્વામીની અરજી અયોગ્ય છે.

કોર્ટે થરૂરને જામીન મંજૂર કરતા પૂર્વે કેટલીક શરતો રાખી હતી જેમાં તેને કેસના પુરાવા સાથે ચેડા નહીં કરવા તેમજ પૂર્વ મંજૂરી વગર દેશ નહીં છોડવા જણાવાયું હતું.

(4:14 pm IST)