મુખ્ય સમાચાર
News of Saturday, 7th July 2018

જે મળ્યું છે તે માટે સદાય આભારી રહો - સમણ શ્રુતપ્રજ્ઞજી

શિકાગોમાં તા.5 થી 8 જુલાઈ સુધી જૈન યુવાનોનું મહાસંમેલન

યંગ જૈન ઓફ અમેરિકા દ્વારા આજ તા. 5થી તારીખ 8 સુધી શિકાગોમાં  વેસ્ટ ઈન હોટલ - રોઝમોન્ટમાં ચાર દિવસીય જૈન યુવા સંમેલનનું આયોજન થયું છે.  આ સંમેલનમાં  પીસ ઓફ માઈન્ડ ફાઉન્ડેશનરાજકોટમાંથી સમણ શ્રુતપ્રજ્ઞજી પણ આમંત્રિત છે. તેઓએ આજે 'સુંદર રીતે જીવનની જીવવાની પાંચ ચાવીઓ' પર પ્રવચન આપ્યું હતું. એમને એમના પ્રવચનમાં પાંચ ચાવીઓ આપી હતી. એક - તમે જે પણ છો એના માટે બીજું કોઈ નહિ પણ તમે પોતે જવાબદાર છો, બે - સ્વયં શિસ્ત વગર લક્ષ્યને સફળતામાં બદલી શકાતું નથી, ત્રણ - જીવનમાં સકારાત્મક દ્રષ્ટિકોણ કેળવી જે બને તેને શાંત ભાવે સ્વીકારતા શીખો, ચાર - તમને જે નથી મળ્યું તેની ફરિયાદ કરવા કરતા, જે મળ્યું છે તે માટે સદાય આભારી રહો, પાંચ -  આધ્યાત્મિક વૃત્તિ કેળવો, અંદરથી સુંદર બનો, બહારથી વ્યક્તિત્વ આપોઆપ ખીલશે. પ્રવચન ઉપરાંત તેઓએ સવારે યોગ અને ધ્યાનના પ્રયોગો પણ કરાવ્યા હતા. 

સંમેલનમાં કુલ 800 જેટલા યુવક અને યુવતિઓ અને વિદ્યાર્થીઓ અમેરિકાના અનેક ક્ષેત્રોમાંથી ભાગ લઇ રહ્યા છે. સંમેલનમાં કી - નોટ સ્પિચ આપતા નિકીતા મિશાલે બધા યુવાનોને એક બીજા સાથે સદ્ભાવ પૂર્વક જોડાવાની, સત્ય માટે સાહસથી અવાજ ઉઠાવવાની અને જ્યાં જાઓ ત્યાં એક સ્વસ્થ સમૂહ ઉભું કરવાની અને  ભલે એક જ વ્યક્તિના જીવનમાં પણ કંઈક સહયોગી બનવાનો પ્રયત્ન કરવાની પ્રેરણા આપી હતી.. કોંચેયર તરીકે ચિંતવ, ધર્મી, જિનેન અને સિદ્ધાર્થ શાહ સેવા બજાવી રહ્યા છે. સંમેલનમાં અનેક સાંસ્કૃતિક કાર્યક્રમો પણ છે. વ્યવસ્થા સુંદર છે. જગ્યાની મર્યાદાના કારણે અનેકો યુવાનો ભાગ લેવાથી પણ વંચિત રહી ગયા છે.  કમિટીના દરેક સભ્યો મહિનાઓથી આ મહાસંમેલનને સફળ બનાવવા રાત દિવસ મહેનત કરી રહ્યા છે. અનેક સેવાભાવી કાર્યકર્તાઓ પણ ખૂબ સારી સેવા બજાવી રહ્યા છે.

(1:55 pm IST)