મુખ્ય સમાચાર
News of Saturday, 7th July 2018

ઢોંગી સાધુને અપાઇ ફાંસી : યુવતીઓ સાથે સેકસ માણી બોટલમાં રાખી લેતો વાળ

હતો તો અંધ પણ, પોતાને ક્રાઇસ્ટ અને ભગવાનનો દૂત માનતો

ટોકયો તા. ૭ : આખરે ઓમ શિનરિકયોના સંસ્થાપક શોકો અસહારા (૬૩)ને ફાંસી આપી દેવામાં આવી છે. તેણે ૧૯૯૫માં ટોકયો મેટ્રો પર સરિન ગેસથી હુમલો કર્યો હતો. તે હતો તો અંધ પણ, પોતાને ક્રાઈસ્ટ અને ભગવાનને દૂત માનતો હતો. પોતાના સંગઠનની મહિલાઓ સાથે શારીરિક સંબંધો બાંધ્યા બાદ તેમના વાળ કાપીને નાની શીશીઓમાં રાખી લેતો હતો. પોતાના વિરોધીઓને મોતને ઘાટ ઉતારી દેતો હતો. તેમને યાતનાઓ આપતો. જાપાની મીડિયા રિપોર્ટસ મુજબ, મોતની સજા સવારે લગભગ ૭ વાગ્યાની આસપાસ આપવામાં આવી.

ઓમ શિનરિકયો, જેને 'સુપ્રીમ ટ્રુથ'ના નામે ઓળખવામાં આવતો હતો, તેની સ્થાપના ૧૯૮૪માં ચિજુઓ મત્સુમોતો નામના અંધ અને ચમત્કારી ગુરુ દ્વારા કરવામાં આવી હતી. તેને બાદમાં તેના ધાર્મિક નામ શોકો અસહારાથી પણ ઓળખવામાં આવવા લાગ્યો. આ સમૂહે કોલેજોના વિદ્યાર્થીઓ, બુદ્ઘિજીવીઓ અને એન્જિનિયરોની ભરતી કરી. સાથે જ કટ્ટરપંથીઓને પણ આકર્ષિત કર્યા, જેથી વધુ કટ્ટર બની જાય. કોઈ રીતે તે ટીવી પર ધાર્મિક ઉપદેશના પ્રોગ્રામ્સમાં સામેલ થવા લાગ્યો. ટીવી અને મેગેઝીનમાં નામ છપાવાને કારણે તેની લોકપ્રિયતા વધવા લાગી. યુનિવર્સિટીઓમાં તેને લેકચર આપવા માટે બોલાવવામાં આવવા લાગ્યો. તેણે ઘણા પુસ્તકો પણ લખ્યા.

૨૦ માર્ચ ૧૯૯૫એ ઓમ શિનરિકયોના સભ્યોએ ટોકટો મેટ્રોમાં સરિન ગેસ છોડી દીધો હતો. આ ઘટનામાં ૧૩ લોકો માર્યા ગયા હતા અને લગભગ ૬૦૦૦થી વધુ ઘાયલ થયા હતા. હુમલા પછી તરત જ પોલીસે તેના આશ્રમો પર દરોડા પાડ્યા હતા. જોકે, જયારે એક વર્ષ બાદ શોકો અસહારાની ધરપકડ કરવામાં આવી તો તેણે કહ્યું કે, 'આ ઘટના માટે તે નહીં, પરંતુ ભગવાન જવાબદાર છે, તેમણે આવું કરવાનો નિર્દેશ આપ્યો હતો.'

આ જૂથનો ઉદ્દેશ્ય હેલિકોપ્ટરના માધ્યમથી શહેરમાં સરિન ગેસ છોડવાની હતી, જેનાથી હજારો લોકોના મોત થયા હોત. આ હુમલાની યોજના બનાવવા દરમિયાન ૧૯૯૩માં શોકોએ હેલિકોપ્ટરના પાઈલટને ખાસ રીતે તાલીમ આપી હતી અને રશિયામાં એક હેલિકોપ્ટર ખરીદ્યું હતું.

અસહારાના અંગત રૂમમાંથી પોલીસને કાચની નાની શીશીઓમાં નાના વાળ મળ્યા. આ બોટલો તેની મહિલા સમર્થકોના નામ લખ્યા હતા. અસહારાએ અનુયાયીઓ પર લગ્ન અને સેકસ સંબંધો બાંધવા પર પ્રતિબંધ લગાવ્યો હતો, પરંતુ તે પોતે અનુયાયી મહિલાઓ સાથે સંબંધ બનાવતો હતો. તેની પાસે પોતાનું કોઈ ઘર ન હતું, એટલે તે સંગઠનના હેડકવાર્ટરમાં જ મહિલાઓ સાથે શારીરિક સંબંધ બાંધતો હતો. વર્જિન મહિલાઓને તે ડાકણ કહેતો હતો.

શોકો અસહારાએ શરૂઆતના દિવસોમાં આધ્યાત્મિક અભ્યાસ, યોગ અને જાદુ પર ભાર આપ્યો. અસહારાએ દાવો કર્યો હતો કે તે ઉડી શકે છે. તેના પર જાપાની મીડિયાએ તેને સન્માન અને હાસ્યનું મિશ્રણ બનાવી દીધો. બાદમાં અસહારા પર ૨૭ હત્યાઓના મામલે કેસ ચાલ્યો, જેમાંથી તેને ૧૩માં દોષી જાહેર કરાયો. જાપાની મીડિયાએ અસહારાની સામે ચાલી રહેલા કેસને ટ્રાયલ ઓફ સેન્ચુરી પણ કહ્યો.

(10:43 am IST)