મુખ્ય સમાચાર
News of Saturday, 7th July 2018

દેશમાં ખરીફ વાવેતરમાં ૧૪ ટકાનો ઘટાડો

કપાસના વાવેતરમાં ૨૪ ટકા, કઠોળના વાવેતરમાં ૧૯ ટકાનો ઘટાડો

મુંબઈ, તા. ૭ :. દેશમાં ગયા સપ્તાહ સુધી સરેરાશ ચોમાસાની પ્રગતિ ધીમી રહી હોવાથી ખરીફ વાવેતરમાં પણ ઘટાડો જોવા મળી રહ્યો છે. દેશમાં ખરીફ વાવેતરમાં ગયા વર્ષની તુલનાએ ૧૪ ટકાનો ઘટાડો થયો છે, જ્‍યારે કપાસના વાવેતરમાં ૨૪ ટકા અને કઠોળના વાવેતરમાં ૧૯ ટકાનો ઘટાડો થયો છે. દેશમાં એક માત્ર એરંડા અને શેરડીના વાવેતરમાં વધારો થયો છે. એ સિવાયના તમામ પાકોના વાવેતરમાં ઘટાડો થયો છે.

કેન્‍દ્રીય કૃષિ મંત્રાલયના આંકડાઓ પ્રમાણે દેશમાં ૬ જુલાઈ સુધીમાં કુલ ખરીફ વાવેતર ૩૩૩.૭૮ લાખ હેકટરમાં થયું છે જે ગયા વર્ષે ૩૮૮.૮૮ લાખ હેકટરમાં થયું હતું. આમ એમા ૧૪.૧૭ ટકાનો ઘટાડો થયો છે.

દેશમાં કપાસનું વાવેતર ગયા વર્ષની તુલનાએ ૨૪ ટકા ઘટીને ૫૪.૬ લાખ હેકટરમાં થયું છે જે ગયા વર્ષે ૭૧.૮૨ લાખ હેકટરમાં થયું હતું. ખાસ કરીને ગુજરાતમાં વાવણી લાયક વરસાદ મોડો થયો હોવાથી કપાસના વાવેતરમાં ઘટાડો થયો હોવાથી સમગ્ર દેશનું વાવેતર પણ ઘટીને આવ્‍યું છે.

દેશમાં કઠોળના વાવેતર વિસ્‍તારમાં પણ ગયા વર્ષની તુલનાએ ૧૯ ટકાનો ઘટાડો થઈને ૩૩.૬ લાખ હેકટરમાં થયું છે, જ્‍યારે તેલીબિયા પાકોનું વાવેતર ૧૪ ટકા ઘટીને ૬૩.૫૯ લાખ હેકટરમાં થયું છે. એ જ રીતે મગફળીના વાવેતરમાં પણ ૪૧.૫૨ ટકા ઘટીને ૯.૬૯ લાખ હેકટરમાં વાવેતર થયું છે.

(5:35 pm IST)