મુખ્ય સમાચાર
News of Saturday, 7th July 2018

તિરૂપતિ બાલાજી મંદિરે ૧૨ વર્ષે અેક વખત થતી વિધિ ઓગષ્‍ટ મહિનામાં કરાશેઃ ભક્તોને મંદિરમાં પ્રવેશ નહીં મળી શકે

તિરુમાલા: વિશ્વ વિખ્યાત તિરુપતિ બાલાજી મંદિરમાં થનારી એક ખાસ વિધિને કારણે આવતા મહિને આ મંદિર પાંચ દિવસ માટે બંધ રહેશે. આ વિધિ દર 12 વર્ષે એક વાર થાય છે, અને તે વિધિ ચાલતી હોય ત્યારે ભક્તોને મંદિરમાં પ્રવેશ આપવામાં નહીં આવે. આ વિધિ 12 ઓગસ્ટથી 16 ઓગસ્ટ સુધી ચાલશે.

તિરુપતિ મંદિરમાં 17 ઓગસ્ટથી લઈને 3 ઓક્ટોબર સુધી પણ વિવિધ પ્રકારની પૂજા તેમજ મંદિરમાં રિનોવેશન, ભગવાનના આભૂષણોની સાફ-સફાઈ કે રિપેરિંગ સહિતના કામ તેમજ વિવિધ પૂજા અને વિધિ થવાના હોવાથી આ સમગ્ર દિવસો દરમિયાન દર્શન કરવા આવતા શ્રદ્ધાળુઓને થોડી તકલીફ ઉઠાવવી પડી શકે છે.

આ વિધિનું નામ અષ્ટબંધન બાલલ્યા મહાસંપ્રોક્ષણમના નામથી ઓળખવામાં આવે છે. મંદિર બંધ રાખવાની સત્તાવાર જાહેરાત આ મહિને જ કરવામાં આવે તેવી શક્યતા છે. આ વિધિનો ઉલ્લેખ ધાર્મિક ગ્રંથોમાં પણ કરાયો છે. આ ઉપરાંત, મંદિરમાં 11 ઓગસ્ટે પણ માત્ર 30 હજાર જેટલા જ દર્શનાર્થીઓને પ્રવેશ મળશે. ઉલ્લેખનીય છે કે, મંદિરના દર્શન કરવા રોજ મોટી સંખ્યામાં લોકો આવતા હોય છે.

મંદિરમાં 15 ઓગસ્ટના રોજ મહા શાંતિ થિરુમાનજનમ વિધિ કરવા આવશે, ત્યારબાદ 17 ઓગસ્ટથી 3 ઓક્ટોબર સુધી 48 દિવસ સુધી મંડલ અભિષેક કરવામાં આવશે, અને આ દિવસો દરમિયાન જયા-વિજયાના મંદિરથી આગળ દર્શન કરવા દેવામાં નહીં આવે. 12 ઓગસ્ટે મંદિરમાં કાલાકર્ષના વિધિ કરાશે, અને તે વખતે મંદિરના સ્ટાફને પણ રામુલાવરી મેડાથી આગળ નહીં જવા દેવાય.

ગુજરાતીઓ પણ મોટી સંખ્યામાં તિરુપતિ મંદિર જતા હોય છે, ત્યારે જો તમારો પણ આ તારીખોમાં જવાનો પ્લાન હોય તો જરા વિચારી લેજો. જો તમે પણ આ દિવસોમાં જ તિરુપતિ જવાના હો તો શક્ય છે કે ત્યારે તમને દર્શન કરવા જ ન મળે, અથવા તો લાઈનમાં કલાકો સુધી ઉભા રહીને પણ તમારો વારો ન આવે.

(6:18 pm IST)