મુખ્ય સમાચાર
News of Friday, 7th June 2019

ગ્લવ્સ વિવાદમાં મહેન્દ્ર સિંહ ધોની ICC નિયમોનું પાલન કરે : સુબ્રણ્યમ સ્વામી

ઘણી દેશ વિરોધી તાકતો વિવાદ છેડવા ઈચ્છુક છે : હવે આઈસીસી નિયમો પાળીને મહેન્દ્ર સિંહ ધોનીએ તમામ વિવાદનો અંત લાવી દેવો જોઈએ : નિયમો પાળવાથી નુકસાન નથી

નવી દિલ્હી, તા. ૭ : ભારતીય ક્રિકેટ ટીમના ભૂતપૂર્વ કેપ્ટન અને હાલમાં ટીમ ઈન્ડિયાના વિકેટકિપર મહેન્દ્ર સિંહ ધોની દ્વારા સેનાના એક ખાસ લોગોના ઉપયોગને લઈને આઈસીસી દ્વારા વાંધો ઉઠાવ્યા બાદ આને લઈને દેશભરમાં ચર્ચા છેડાઈ છે. ચર્ચા વચ્ચે ભાજપના વરિષ્ઠ નેતા સુબ્રણ્યમ સ્વામીએ ધોનીને ખાસ સલાહ આપી છે. સ્વામીએ ધોનીને સલાહ આપતા કહ્યું છે કે, જો તે આઈસીસીના નિયમોને પાળી લેશે તો કોઈ પણ પ્રકારનું નુકસાન નથી. નિયમ પાળવાથી કોઈ અપમાન થશે નહી. કારણ કે, દેશ વિરોધી તાકતો વિવાદ છેડવા ઈચ્છુક છે. ટ્વીટ કરીને સ્વામીએ કહ્યું છે કે, તેઓ કોઈ પણ પ્રશ્ન કર્યા વગર ધોનીને સલાહ આપી રહ્યા છે. આઈસીસીના નિયમોને પાળવાથી કોઈ નુકસાન નથી. કારણ કે, નિયમ પાળવાથી કોઈ નુકસાન નહીં થવાની સાથે અપમાન નથી. આ કોઈ દરમિયાનગીરી કરવાનો મામલો નથી. વિવાદને ખતમ કરવાનો સમય છે. આનાથી એક કુશળ ક્રિકેટરને કોઈ નુકસાન નથી. ભારત વિરોધી તાકતો આ વિવાદને આગળ વધારવા ઈચ્છુક છે. ધોની હાલમાં વર્લ્ડ કપની મેચ દરમિયાન ગ્લવ્સ ઉપર ભારતીય સેનાના પેરાશુટ સ્પેશિયલ ફોર્સના રેજીમેન્ટના બલિદાન વાળા બેઝનો ઉપયોગ કર્યો હતો. સેનામાં ધોનીને હાલમાં લેફ્ટિ કર્નલનું સમ્માન મળેલુ છે. જેથી ધોની ગર્વ માટે બલિદાન બેઝવાળા લોગોનો ઉપયોગ કરે છે.

બીસીસીઆઈએ આ સમગ્ર મામલામાં ધોનીનુ સમર્થન કર્યું છે. બીજી બાજુ ક્રિકેટ રમતા તમામ દેશોમાં ચર્ચા છેડાઈ ગઈ છે. બોલિવુડના કલાકારો પણ ધોનીના સમર્થનમાં આગળ આવ્યા છે. રાજનેતાઓ પણ ધોનીની સાથે દેખાઈ રહ્યા છે. તમામ લોકો ધોનીને સાથે દેખાઈ રહ્યા છે. આ વિવાદનો અંત લાવવા માટેની પ્રક્રિયા શરૂ થઈ ચુકી છે. ટૂંક સમયમાં આ વિવાદનો અંત આવે તેવી શ્કયતા છે.

(7:47 pm IST)