મુખ્ય સમાચાર
News of Friday, 7th June 2019

પૂ. પ્રમુખસ્વામી મહારાજનો આજે પ્રમુખવરણી દિન

એક નાનકડા બિંદુમાંથી બી.એ.પી.એસ. સ્વામીનારાયણ સંસ્થાને હિન્દુત્વના વિશ્વવ્યાપી આંદોલન સુધી પહોંચાડનાર : આજથી ૬૯વર્ષ પૂર્વે ગુરૂ શાસ્ત્રીજી મહારાજને આજે પ્રમુખ વરણી દિન

ઉપનિષદ્-વચનોથી લઈને ભગવાન સ્વામિનારાયણના વચનામૃતો અને ભકતકવિઓનાં કવનમાં જે સંતલક્ષણોની દુહાઈ દેવામાં આવી છે, ભારતવર્ષના અનેક મૂર્ધન્ય સંતો જેમના માટે ગૌરવની લાગણી અનુભવે છે, દેશ-વિદેશના અસંખ્ય લોકો જેમનામાં દિવ્ય વ્યકિતત્વ અને અનન્ય સર્વોચ્ચ સંતપ્રતિભા નિહાળી છે, એવા સંતવિભૂતિ હતા પરમ પૂજય પ્રમુખસ્વામી મહારાજ.

ભગવાન શ્રી સ્વામિનારાયણના અક્ષરપુરુષોત્ત્।મના શુદ્ઘ ઉપાસના સિદ્ઘાંતના પ્રવર્તન માટે સને ૧૯૦૭ માં બ્રહ્મસ્વરૂપ શાસ્ત્રીજી મહારાજે બી.એ.પી.એસ. સંસ્થાની સ્થાપના કરી હતી. અને આજથી ૬૯ વર્ષ પહેલા જેઠ સુદ ચોથના આ જ પરમ પવિત્ર દિવસે બ્રહ્મસ્વરૂપ શાસ્ત્રીજી મહારાજે દીર્દ્યદ્રષ્ટિથી સ્થાપેલી આ વિરાટ ધર્મસંસ્થાના પ્રમુખ પદે બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજની વરણી કરેલી. યુગો સુધી સંસ્કૃતિની ભાગીરથીને વહાવનાર બી.એ.પી.એસ.ના ભવ્ય મંદિરોમાં આજનો દિન પ્રમુખવરણી દિન તરીકે ઉજવાય છે.

 માગશર સુદ આઠમ સંવત ૧૯૭૮ અને તા. ૭-૨-૧૯૨૧ના રોજ વડોદરા જિલ્લાના પાદરા તાલુકાના ચાણસદ ગામે પરમ પૂજય પ્રમુખસ્વામી મહારાજનો જન્મ થયો હતો. માત્ર ૧૭ વર્ષની ઉંમરે ગુરુ શાસ્ત્રીજી મહારાજની આજ્ઞાથી ગૃહત્યાગ કર્યો. તા.૨૨-૧૧-૧૯૩૯ના રોજ અમદાવાદમાં પાર્ષદની પ્રાથમિક દીક્ષા આપી અને તા. ૧૦-૦૧-૧૯૪૦ ના રોજ ગોંડલમાં ભાગવતી દીક્ષા આપી અને તેમાંથી આપણને સૌને આપણા  પ્રાણ પ્યારા પ્રમુખસ્વામી મહારાજની ભેટ મળી.

તપ, ત્યાગ, તિતિક્ષા, સહિષ્ણુતા, સાધુતા, શુદ્ઘ પંચવર્તમાન અને અનન્ય ગુરૂભકિતનો પ્રભાવ પ્રમુખસ્વામી મહારાજના ભાલપ્રદેશમાં ઝળહળવા લાગ્યો. તા. ૨૧-૫-૧૯૫૦ ને દિવસે બ્રહ્મસ્વરૂપ શાસ્ત્રીજી મહારાજે અમદાવાદની આંબલીવાળી પોળમાં તેઓના હૈયાનું રત્ન એવા બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજને ખભે ભગવી શાલ ઓઢાડી માત્ર ૨૮ વર્ષની ઉંમરે બી.એ.પી.એસ. સ્વામિનારાયણ સંસ્થાના પ્રમુખ તરીકે નિયુકત કર્યા ત્યારે કદાચ કોઈને કલ્પના પણ નહીં હોય કે આ નાના સરખા સાધુ પોતાના તપોબળે જગતભરની આધ્યાત્મિક પ્રતિભાઓમાં પણ પ્રમુખ ઠરશે.

જૈનાચાર્યમુનિ સુશીલકુમારજીના આ ઉદગારો અહીં યાદ આવે છે : 'બુદ્ઘ અને તીર્થકર, રામ અને કૃષ્ણ, કબીર અને નાનક વગેરે સંતોએ અને અવતારોએ ભારતને સંવર્ધિત કર્યું છે. હવે કોઈ આવે એની રાહ જોઈએ છીએ કે જે ભારતીય સંસ્કૃતિને દોરે; કૌટુંબિક, આધ્યાત્મિક, સામાજિક અને રાજકીય સ્તરે પુષ્ટિ આપે. ભગવાનની કૃપાથી એવા પુરુષ મળ્યા છે. એમનું નામ છે પ્રમુખસ્વામી મહારાજ.'

એક નાનકડા બિંદુમાંથી બી.એ.પી.એસ.સ્વામીનારાયણ સંસ્થાને હિંદુત્વના વિશ્વવ્યાપી આંદોલન સુધી પહોંચાડનાર પ્રમુખસ્વામી મહારાજના કાર્યોની સમીક્ષા શબ્દોમાં કરવાનું અશકય છે. સાત દાયકા કરતાંય વધુ વર્ષોના એમના નિષ્કલંક સન્યસ્ત જીવનની યાત્રા પર નજર કરીએ છીએ ત્યારે મનમાં સવાલ થાય છે કે તેઓના દિવ્ય વ્યકિતત્વના અસંખ્ય પરિમાણોમાં સૌથી વધુ પ્રભાવક પરિમાણ કયું?

 હિંદુ સમાજના પુનરુત્થાનના જયોતિર્ધર?

ભગવાન સ્વામિનારાયણ અને વૈદિક સંસ્કૃતિ ના સર્વજીવહિતાવહ સંદેશનો જગતના ૫૬ કરતાંય વધુ દેશોમાં સર્વાધિક ફેલાવો કરનાર ધર્મગુરુ?

યુગો સુધી સંસ્કૃતિની ભગીરથીને વહાવનારાં ભવ્ય મંદિરો, રાજધાની દિલ્હી અને ગાંધીનગરમાં ભવ્ય સંસ્કૃતિધામ 'અક્ષરધામ' લંડનનું વિશ્વવિખ્યાત અજાયબી સમું સ્વામિનારાયણ મંદિર કે દેશ-વિદેશના એવા સેંકડો સંસ્કાર- ભવનોના નિર્માતા?

લાખો નવયુવાનોને અધ્યાત્મના માર્ગે વાળીને તેમની શકિતનો રચનાત્મક વિનિયોગ કરનાર વિરલ યુગસર્જક?

દેશ-વિદેશના ૧૧૦૦ થીય વધુ સુશિક્ષિત નવયુવાનોને ત્યાગશ્રમના પંથે વાળી, તેમને આજીવન સમાજ-ઉદ્ઘારમાં જોડનાર, સમર્પણનો અજોડ કરિશ્મા બતાવનાર વિક્રમ સર્જક મહાપુરુષ?

શ્રેષ્ઠતમ વિદ્યાર્થીસંકુલો, શાળાઓ, મહાવિદ્યાલયોના પ્રેરક અને પ્રયોજક?

દિવસ-રાત સેવાશીલ હાઇટેક આરોગ્યધામોના સર્જક?

ગુજરાત, આંધ્ર પ્રદેશ, ઓરિસ્સા કે મહારાષ્ટ્ર પર ઉતરી પડેલી કુદરતી આફતો વેળાએ મદદ માટે સર્વપ્રથમ દોડી જનાર કરુણામૂર્તિ સંતપુરુષ?

લોકહિત માટે સ્વાસ્થયની પરવા કર્યા સિવાય દિવસ-રાત જોયા સિવાય ૧૭ હજારથી વધુ ગામડાઓમાં સતત વિચરણ કરનાર અનન્ય પરિવ્રાજક?

સાત લાખ કરતાંય વધુ પત્રો દ્વારા કે અઢી લાખ કરતાંય વધુ ઘરોની મુલાકાતો દ્વારા લાખો લોકોને વ્યકિતગત મળી મળીને તેમના જીવનની ગૂંચો ઉકેલનારા અદ્વિતીય સ્વજન?

પશ્ચિમ જગતમાં સર્વોત્ત્।મ શિખરે ભારતીય સંસ્કૃતિના વિજય ધ્વજને લહેરાવનાર આ યુગના સંસ્કૃતિપુરુષ?

 એમ તો ઘણું બધું છે પણ સૌથી વધુ આકર્ષક છે - સૌના સ્વજન સમું પરાભકિતથી છલકતું એમનું અહંશૂન્ય ભકતહૃદયી વ્યકિતત્વ. એમની પાસે આવનાર પ્રત્યેકને અનુભવ થાય કોઈ નિરાળી આત્મીયતાનો. અને એટલે જ આદિવાસીઓનાં ઝૂપડાઓથી લઈને અમેરિકાવાસીઓની મહેલાતો સુધી કંઇ કેટલાયનાં હૈયે સ્પર્શી ગયું આ પારલૌકિક વ્યકિતત્વ.

'બીજાના ભલામાં આપણું ભલું છે, બીજાના સુખમાં જ આપણું સુખ છે'- આ જીવનસૂત્ર સાથે શ્વાસે શ્વાસે પરહિતની જ રટના કરનાર વિરલ સંતવિભૂતિ બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજને તેમના પ્રમુખવરણી દિને કરોડો કરોડો વંદન હો.

(3:29 pm IST)