મુખ્ય સમાચાર
News of Friday, 7th June 2019

મોદીને પત્ર લખી કાઢયા બળાપા

મમતાના કેન્દ્ર સાથે રિસામણા હજુય ચાલુઃ નીતિ આયોગની બેઠકમાં ભાગ લેવા ઇન્કાર

નીતિ આયોગની સતા સામે સવાલ ઉઠાવ્યા

નવીદિલ્હી, તા.૭: પશ્વિમ બંગાળમાં ભાજપ અને ટીએમસી વચ્ચે શરૂ થયેલા વિવાદ બાદ સીએમ મમતા બેનર્જીએ નીતિ આયોગની બેઠક અંગે પીએમ મોદીને પત્ર લખ્યો. મમતા બેનર્જીએ પત્રમાં જણાવ્યુ કે, નીતિ આયોગ પાસે કોઈપણ પ્રકારનો નાણાકીય અધિકાર નથી. જેથી નીતિ આયોગની બેઠકમાં સામેલ થવાનો કોઈ મતલબ નથી.

જેથી નીતિ આયોગની બેઠકમાં હાજરી આપવામાં નહીં આવે. મહત્વપૂર્ણ છે કે, પશ્વિમ બંગાળમાં ભાજપે લોકસભાની ચૂંઠણીમાં ૧૮ બેઠક પર જીત હાંસલ કરતા મમતા બેનર્જીના કિલ્લામાં ભૂકંપ આવ્યો છે. જેથી મમતા બેનર્જી સતત ભાજપનો વિરોધ કરી રહ્યા છે.

પશ્વિમ બંગાળમાં ભાજપ પર હિંસાનો આરોપ લગાવનાર સીએમ મમતા બેનર્જીએ રાજયમાં ભાજપના વિજય સરઘસ પર પ્રતિબંધ લગાવ્યો. મમતા બેનર્જીએ જણાવ્યુ કે, રાજયમાં ભાજપ દ્વારા હિંસા ફેલાવવાની કોશિશ કરવામાં આવી રહી છે. જેથી રાજયમાં ભાજપને વિજય સરઘસ કાઢવા દેવામાં નહીં આવે અને જે કોઈપણ પ્રતિબંધનું પાલન નહીં કરે તેની વિરૂદ્ઘ પોલીસ દ્વારા કડક કાર્યવાહી હાથ ધરવામાં આવશે.

મમતાએ આ પ્રકારની જાહેરાત પરગનામાં કરી. જયાં તેઓ મૃત્યુ પામેલા ટીએમસીના કાર્યકર્તાના પરિવાર સાથે મુલાકાત માટે પહોંચ્યા હતા. તેમણે જણાવ્યુ કે, રાજયમાં કોઈપણ નેતા કોમી તોફાન કરાવવાની કોશિશ કરશે તો તેની વિરૂદ્ઘ કડક કાર્યવાહી હાથ ધરવામાં આવશે. મમતા ભાજપ પર આરોપ લગાવ્યો કે, ભાજપ બંગાળમાં રાજકીય લાભ માટે હિંસા ફેલાવી રહ્યુ છે. પરંતુ બંગાળમાં કોઈને પણ હિંસા ફેલાવવા દેવામાં નહીં આવે.

(3:19 pm IST)