મુખ્ય સમાચાર
News of Friday, 7th June 2019

મમતા હજુય કાળઝાળઃ ભાજપના વિજય સરઘસો ઉપર પ્રતિબંધ મૂકયો

પરિણામને ૧૦ દિ' થઇ ગયા હવે સરઘસ કેમ?

કોલકાતા, તા.૭: ભાજપ પર પશ્ચિમ બંગાળમાં હિંસા ભડકાવવાનો આરોપ લગાવતા મુખ્યમંત્રી મમતા બેનર્જીએ ગુરુવારે કહ્યું કે, હવે રાજયામાં ભાજપના વિજય જુલૂસોને મંજૂરી નહીં આપવામાં આવે. તેમણે પોલીસને કહ્યું કે, તેનું ઉલ્લંઘન કરનારાઓ સામે કડક કાર્યવાહી કરે.

નોર્થ ૨૪ પરગણા જિલ્લાના નિમતામાં માર્યા ગયેલા ટીએમસી નેતાના ઘરે પહોંચેલા મમતાએ કહ્યું કે, 'મારી પાસે માહિતી છે કે, ભાજપે વિજય જુલૂસોના નામ પર હુગલી, બાંકુરા, પુરુલિયા અને મિદનાપુર જિલ્લામાં અવ્યવસ્થા ફેલાવી છે. હવે એકપણ વિજય જુલૂસ નહીં નીકળે.'

બેનર્જીએ વધુમાં કહ્યું કે, હવે એકપણ વિજય જુલૂસ નહીં નીકળવા જોઈએ, કેમકે લોકસભા ચૂંટણીના પરિણામોની જાહેરાત થયાને ૧૦થી વધુ દિવસ થઈ ગયા છે. તેમણે કહ્યું કે, 'જો કોઈ નેતા રાજયમાં તોફાનો જેવી સ્થિતિ ઊભી કરવાનો પ્રયાસ કરશે તો મેં પોલીસને કાયદા મુજબ કાર્યવાહી કરવા અને સ્થિત બગડતી રોકવા માટે કડક એકશન લેવા કહી દીધુ છે.'

મમતા બેનર્જીએ ગુરુવારે સીઆઈડી અને અન્ય એજન્સીઓના અધિકારીઓ સાથે નિમતાની મુલાકાત લીધી, જયાં મંગળવારે બાઈકસવાર ૪થી ૫ અજાણ્યા હુમલાખોરોએ ટીએમસી નેતા નિર્મલ કુંડુંની ગોળી મારી હત્યા કરી દીધી હતી.

તેમણે મેઘાલયના રાજયપાલ તથાગત રોયના એ નિવેદનની પણ ટીકા કરી કે બંગાળીઓની મહાનતા ઘણી પહેલા જ નષ્ટ થઈ ચૂકી છે અને બંગાળી કાં તો 'ફર્શ પર ઝાડૂ લગાવી રહ્યા છે' કે પછી મુંબઈમાં 'બાર ડાન્સર'છે. મમતાએ કહ્યું કે, 'હું ભાજપના નેતાઓને પોતાની જીભ પર કાબુ રાખવા કહીશ. તે પોતાના કામ પર ધ્યાન આપે, એ જ સારું છે, કેમકે અમે ચૂંટણી દરમિયાન નાણાકીય લેવડ-દેવડની તપાસ માટે એક ફેકટ ફાઈન્ડિંગ કમિટીની રચના કરી દીધી છે.'

(10:36 am IST)