મુખ્ય સમાચાર
News of Thursday, 7th June 2018

સંઘનું કામ લોકોને જોડવાનું છે : મોહન ભાગવતનો મત

પ્રણવ મુખર્જીને કેમ બોલાવાયા તે ચર્ચા નિરર્થકઃ સંઘ લોકશાહી વિચારધારા ધરાવનાર સંગઠન તરીકે છે દેશમાં કોઇ દુશ્મન નથી તમામની માતા ભારત માતા છે

નાગપુર,  તા. ૭: નાગપુરમાં સંઘના શિક્ષા વર્ગના સમાપન કાર્યક્રમમાં સંઘ પ્રમુખ મોહન ભાગવતે પણ આજે પૂર્વ રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જીની ઉપસ્થિતિમાં સંબોધન કર્યું હતું. પ્રણવ મુખર્જીનો તેઓએ આભાર માન્યો હતો. તેમણે ઉમેર્યું હતું કે, સંઘ માટે કોઇપણ પરાઈ વ્યક્તિ તરીકે નથી. તેમણે ઉમેર્યું હતું કે, પ્રણવ મુખર્જીને આમંત્રણ આપવા અને પ્રણવ મુખર્જી દ્વારા સ્વીકાર કરવાની બાબત સહજ બાબત છે. આને લઇને ચર્ચા થવી જોઇએ નહીં. મોહન ભાગવતે કહ્યું હતું કે, પ્રણવ મુખર્જીને કેમ બોલાવવામાં આવ્યા, તેઓ કેમ આવ્યા છે આ પ્રકારની ચર્ચા નિરર્થક છે. સંઘ સંઘ છે અને પ્રણવ મુખર્જી પ્રણવ મુખર્જી છે. ભાગવતે કહ્યું હતું કે, સંઘનું કાર્ય ભારતમાં લોકોને સંગઠિત કરવાનું રહ્યું છે જેથી સંઘમાં તમામ લોકોનું સ્વાગત છે. કોઇપણ પરાઈ વ્યક્તિ નથી. તમામના પૂર્વજ પણ એક જ છે. તમામના જીવન ઉપર ભારતીય સંસ્કૃતિનો પ્રભાવ છે. બીજાની વિવિધતાને સ્વીકાર કરીને તેને સન્માન આપીને એકતા જાળવી રાખવામાં આવે તે જરૂરી છે. સંઘના વડાએ એમ પણ કહ્યું હતું કે, સ્થાપના બાદ જુદી જુદી સમસ્યાઓ આવી હોવા છતાં સંઘ સતત આગળ વધ્યું છે. હવે સંઘ ખુબ લોકપ્રિય છે. જ્યાં જઇએ છીએ ત્યાં સન્માન મળે છે. સંઘ દેશની પ્રગતિ માટે કામ કરનાર તરીકે છે. ભાગવતે એમ પણ કહ્યું હતું કે, દેશમાં કોઇ દુશ્મન નથી. તમામની માતા ભારત માતા છે. દેશમાં રહેનાર તમામ વ્યક્તિ અમારા પોતાના છે અને તેમાં કોઇ વિવાદ નથી. સંઘ લોકશાહી વિચારધારા ધરાવનાર એક સંગઠન છે. મોહન ભાગવતે જુદા જુદા વિષયો ઉપર વિસ્તારપૂર્વક રજૂઆત કરી હતી. તમામ પ્રત્યે સદ્ભાવ રાખીને અમે આગળ વધી રહ્યા છીએ. અનેક વિચારોના મહાપુરુષો અમારા કાર્યક્રમોમાં આવતા રહ્યા છે. સંઘમાં કોઇને પણ અપેક્ષા નહીં કરવા માટે સીખવાડવામાં આવે છે. તેનું કામ લોકોને જોડવાનું રહ્યું છે. તમામને એક થઇને દેશની સેવા કરવી પડશે તેમ પણ તેમણે કહ્યું હતું.

(10:43 pm IST)